મુંબઈઃ મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન 'લાલબાગચા રાજા' સહિત પરેલ, ચિંચપોકલી અને ગિરગાંવ વિસ્તારના સુપ્રસિદ્ધ ગણેશ મંડળોના દર્શન માટે દરરોજ લાખો ભાવિકો ઉમટી રહ્યા છે. મોટાભાગના ઘરગથ્થુ ગણપતિના વિસર્જન બાદ હવે અનંત ચતુર્દશી સુધી સાર્વજનિક મંડળોમાં ભીડ ચરમસીમાએ પહોંચશે.
જોકે, ઉત્સવના ભારે ઉત્સાહ વચ્ચે લાલબાગ-પરેલ વિસ્તારમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સાંકડા રસ્તાઓ પર મંજૂરી વિના કે મનફાવે તેમ ઊભા કરાયેલા વિવિધ કંપનીઓના પ્રમોશનલ સ્ટોલ્સ, ગેરકાયદે દબાણો અને ખુલ્લા લટકતા વીજ વાયરોને પગલે જીવલેણ દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, જેનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
કાલાચૌકીમાં કરંટ લાગતાં આઠ વર્ષની બાળકી સહિત બેનાં મોત:
કાલાચૌકી મહાગણપતિ મંડળના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ જોખમી રીતે રહેલા ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાથી આઠ વર્ષીય રાગિણી યાદવ અને એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
તંત્રની બેદરકારી સામે રોષ:
પોલીસે સ્ટોલ સંચાલક સામે ગુનો નોંધ્યો છે, પરંતુ સ્થાનિકોનો સવાલ છે કે શું માત્ર સંચાલક પર કાર્યવાહી કરીને તંત્ર પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે? મંડપ પરિસરમાં સ્ટોલની પરવાનગી આપતી વખતે વાયરિંગ, સુરક્ષિત અંતર, ભીડ વ્યવસ્થાપન અને ઈમરજન્સી એક્ઝિટનું ઇન્સ્પેક્શન કરવાની સત્તાવાર જવાબદારી કોની હતી, તે અંગે તપાસની માંગ ઉઠી છે.
'લાલબાગચા રાજા'ના દર્શનની કતારમાં યુવકનું મોત:
17મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 11.40 વાગ્યે લાલબાગચા રાજાના મુખદર્શનની લાંબી લાઈનમાં ઊભેલા ૨૫ વર્ષીય યુવાન જયદીપ મેઘરાજ નેમાડેનું અચાનક મોત નીપજતાં સનસનાટી મચી ગઈ હતી. કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા ઊભા રહેતા ભક્તો માટે કતાર વ્યવસ્થાપન અને તાત્કાલિક મેડિકલ સહાયતાના અભાવે આ પ્રકારની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.
બે-અઢી કિમીની અંદર જ મુખ્ય મંડળો, ભીડ અનિયંત્રિત:
એકસાથે અનેક પ્રખ્યાત ગણપતિ:
લાલબાગ અને પરેલ વિસ્તારમાં એક થી અઢી કિલોમીટરના અંતરમાં જ લાલબાગચા રાજા, ગણેશગલી (મુંબઈચા રાજા), ચિંચપોકલીચા ચિંતામણી, તેજુકાયા મેન્શન, પરેલચા રાજા, પરેલચા મહારાજા, ના. મ. જોશી માર્ગનો વિનાયક મુંબઈચા અને કરી રોડચા રાજા જેવા પ્રતિષ્ઠિત મંડળો આવેલા છે.
પગ મૂકવાની જગ્યા નહીં:
તમામ મંડળો ચાલતા જઈ શકાય તેટલા નજીક હોવાથી ઉપનગરો અને રાજ્યભરમાંથી આવતા લોકો એક જ રાઉન્ડમાં તમામ બાપ્પાના દર્શન કરવા પહોંચે છે. જેના કારણે કરી રોડ, ચિંચપોકલી, પરેલ અને ભારતમાતા સિનેમા સર્કલ સુધીના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
પોલીસ પ્રશાસન અને મંડળો સામે કડક વ્યવસ્થાનો પડકાર:
કાલાચૌકીની ઘટના બાદ પોલીસે સમગ્ર લાલબાગ વિસ્તારમાં પેટ્રોલીંગ વધાર્યું છે અને ભક્તોને શિસ્તબદ્ધ રીતે કતારમાં દર્શન કરવા અપીલ કરવામાં આવી રહી છે. અનંત ચતુર્દશી સુધી ભીડ હજુ બમણી થવાની શક્યતા હોવાથી વીજ જોડાણોનું કડક ઓડિટ અને ગેરકાયદે સ્ટોલ્સ હટાવવા માટે તંત્ર પર ભારે દબાણ છે.