ભુજઃ આ વર્ષે રાજ્યમાં વરસાદની અછત સર્જાઈ છે. સરેરાશ કરતા ઓછો વરસાદ થયો હોવાના કારણે પાણીની અછત સર્જાશે તેવા અનેક દાવાઓ કરવામાં આવી રહી છે. સરહદી લખપત તાલુકામાં વરસાદની ખેંચને પગલે હવે પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ રહી છે. કચ્છના રણનું વહાણ ગણાતા મૂંગા પશુઓ સામે પણ અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. યાત્રાધામ માતાના મઢ અને આસપાસના સીમાડાઓમાં નહિવત વરસાદના કારણે સ્થાનિક જળાશયો અને તળાવોના તળ ઊંડા ઉતરી જતાં પશુધન માટે પાણીના ફાંફા પડી રહ્યા છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, હાલની ગંભીર સ્થિતિ વચ્ચે તરસ છીપાવવા માટે નીકળેલું અંદાજે 100 જેટલા ઊંટોનું વિશાળ ટોળું ધોરીમાર્ગ ઓળંગીને માતાના મઢ સ્થિત સીણસર તળાવ તરફ દોડતું જોવા મળ્યું હતું. તળાવમાં પણ જૂજ પાણી બચ્યું હોવાથી પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી છે. ગ્રામીણ વિસ્તારોમાં કુદરતી જળસ્ત્રોતો સુકાઈ જવાને લીધે માલધારીઓ પોતાના પશુધનને બચાવવા માટે લાચાર બન્યા છે.
જો વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામો અને સીમાડા વિસ્તારોમાં અબોલ જીવો માટે હવાડા કે ટેન્કર મારફતે તાત્કાલિક પાણીની વ્યવસ્થા ઊભી નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં પશુધનની ખુવારી વધવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. કચ્છની આ વર્તમાન સ્થિતિ અંગે સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી પણ લોકો આશા રાખી રહ્યાં છે.
(ઉત્સવ વૈદ્ય)