Fri Jul 24 2026

Logo

ક્લીન એનર્જીમાં કચ્છનો દબદબો: મુંદ્રાના દરિયાકાંઠે દેશનું પ્રથમ અને સૌથી મોટું વિન્ડ ટર્બાઇન કાર્યરત

2026-04-16 13:30:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં એક નવો સૂર્યોદય થયો છે. સફેદ રણની સરહદે અને કચ્છના પેરિસ તરીકે ઓળખ પામેલા મુંદ્રાના દરિયાકાંઠે ગ્રીન એનર્જી ક્રાંતિના પ્રતીક સમાન દેશનું પ્રથમ ૫ મેગાવોટ ક્ષમતા ધરાવતું મહાકાય વિન્ડ ટર્બાઇન પ્રોટો-ટાઇપ સફળતાપૂર્વક કમિશન કરવામાં આવ્યું છે. અદાણી વિન્ડ દ્વારા સ્થાપિત આ ટર્બાઇન 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં એક સીમાચિહ્નરૂપ સફળતા માનવામાં આવે છે.

આ વિન્ડ ટર્બાઇન તેના કદ અને તકનીકી ક્ષમતાની દ્રષ્ટિએ ભારતીય ઉદ્યોગમાં ક્રાંતિકારી ફેરફાર લાવવા સક્ષમ છે. ટર્બાઇનનો રોટર ડાયામીટર ૧૮૫ મીટર છે, જે તેને ભારતનું સૌથી મોટું વિન્ડ ટર્બાઇન બનાવે છે. તેની એક પાંખની (બ્લેડ) લંબાઈ ૯૧.૨ મીટર છે. આ વિશેષ બ્લેડ્સ પવનની ઓછી ગતિમાં પણ મહત્તમ ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.

માત્ર એક જ ટર્બાઇન હજારો ઘરોને વીજળી પૂરી પાડવા સક્ષમ છે, જે દેશની વધતી જતી વીજ માંગને પહોંચી વળવા માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે. પવન ઊર્જાના ઇન્સ્ટોલેશન બાબતે ભારત હવે અમેરિકા અને જર્મનીને પાછળ છોડીને ચીન પછી વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. અદાણી વિન્ડ વિશ્વના ટોચના ૧૫ વિન્ડ ટર્બાઇન ઉત્પાદકોમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બની છે.

ભારતની વિન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા જે વર્ષ ૨૦૨૨માં ૧૨ ગિગાવોટ હતી, તે હવે વધીને ૨૦ ગિગાવોટ સુધી પહોંચી છે. ભારત હવે માત્ર સ્વનિર્ભર નથી, પરંતુ યુરોપ જેવા દેશોમાં એન્ટી-આઈસિંગ ટેકનોલોજી ધરાવતી બ્લેડ્સની નિકાસ પણ કરી રહ્યું છે. અદાણી વિન્ડનું લક્ષ્ય તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૨.૨૫ ગિગાવોટથી વધારીને ૧૦ ગિગાવોટ સુધી લઈ જવાનું છે.

ઓછી જમીનમાં વધુ ઊર્જા ઉત્પાદનના પડકારને આ હાઈ-કેપેસિટી ટર્બાઈને આસાન બનાવ્યો છે. કુલ ૧,૧૦૦ ગિગાવોટની પવન ઊર્જા ક્ષમતા સાથે ભારત હવે વિશ્વનું 'એનર્જી કેપિટલ' બનવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યું છે. 

(ઉત્સવ વૈદ્ય)