ભુજ: કચ્છ જિલ્લા કલેક્ટર અને મુંદરા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ, બંદરીય માંડવી તાલુકાના શિરવા ગામે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહેસૂલ તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરીને આશરે રૂપિયા ₹6.50 લાખની જંત્રી કિંમત ધરાવતી 1300 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી. શિરવા ગામની સરકારી સર્વે નંબર 408 પૈકીની જમીન પર અનધિકૃત કબજો કરી બાંધકામ ખડકી દેવાયું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જેમાં 700 ચોરસ મીટર વિસ્તારમાં રહેણાક મકાન, પતરાનો શેડ તથા 2 દુકાનો બનાવી દેવાઈ હતી, જ્યારે 600 ચોરસ મીટર વિસ્તારમાં બે ગોડાઉન જેવા કમરા અને ફરતે પાકી દીવાલ બનાવી સરકારી જમીનનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવાના નેતૃત્વ હેઠળ સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર (દબાણ) અને મહેસૂલી સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને તમામ ગેરકાયદે બાંધકામો હટાવી દીધા હતા અને કરોડોની જમીન ખુલ્લી કરાવી હતી. સરકારી જમીનો પર દબાણ કરનારાઓ સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)