Mon Oct 05 2026

Logo

ગરીબોને પ્યાદા બનાવી કરોડોની હેરાફેરી: કચ્છ પોલીસે 182.37 કરોડના સાયબર રેકેટનો ભાંડો ફોડ્યો

2026-02-17 13:13:00
Author: Mumbai Samachar Team
ગરીબોને પ્યાદા બનાવી કરોડોની હેરાફેરી: કચ્છ પોલીસે 182.37 કરોડના સાયબર રેકેટનો ભાંડો ફોડ્યો

ભુજઃ દેશ અને દુનિયાભરમાં સાયબર ઠગો દ્વારા મેળવાયેલા કરોડો રૂપિયાની હેરાફેરી માટે કચ્છના કેટલાક ગરીબ લોકોને વિશ્વાસમાં લઇ, તેમના નામે ગાંધીધામ, આદિપુરમાં ભાડે રાખેલી દુકાનોના પ્રોપરાઇટર બનાવી, બોગસ પેઢીઓ ઊભી કરીને ઉદ્યમ રજીસ્ટર દ્વારા ખોલાવેલાં વિવિધ બેંક એકાઉન્ટ મારફતે ૧૮૨.૩૭ કરોડની હેરાફેરી કરવાનું કૌભાંડ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. 

આઠ શખ્સ વિરુદ્ધ ફરિયાદ

પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે આ કૌભાંડ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના યસ મુલચંદ ભાટીયા, સિદ્ધાર્થ સુનિલ સોની, સાહિલ દિનેશ શર્મા, વિજય રાણા, અલ્પેશ સુરેશ લુહાર, રાપરના ઈલુભા મંગુભા જાડેજા, મોટીરાવના વિશ્વરાજાસિંહ ઉર્ફે વિશુભા બાલુભા જાડેજા,અને સણવાના હાર્દિક હરેશ રાજગોર એ પૂર્વ આયોજિત કાવતરું રચીને કચ્છના રાપરના આડેસર, ભુજના માધાપર ખાતે રહેતા કેટલાક ગરીબ અને ઓછું ભણેલા વ્યક્તિઓના નામે બેંકમાં સેવિંગ્સ તથા કરંટ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં અને બેંક તરફથી મળતી કીટને પાસે રાખી હતી. 

ભારત તથા અન્ય દેશોમાં થતા રહેતા સાયબર ફ્રોડ દ્વારા મેળવાયેલા નાણાને આ બેંક એકાઉન્ટસ મારફતે હેરાફેરી કરીને કમિશન મેળવીને પરત નાણા ઠગબાજો સુધી પહોંચાડવા માટે આ આરોપીઓએ ગાંધીધામ તથા આદિપુરમાં દુકાનો ભાડે લીધી હતી. એકાઉન્ટ ધારકોની જાણ બહાર તેમને પ્રોપરાઇટર બનાવીને તેમના નામે પેઢીઓ બનાવી હતી. ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી આ પેઢીઓના નામે ખોટા ઇન્વોઇસ બીલો બનાવીને ભારતભરમાં જે ઠગાઈ કરીને સાયબર ક્રાઈમના ગુના આચરી ગેરકાયદે નાણાં મેળવીને તેને હેરાફેરી માટે આ અલગ અલગ એકાઉન્ટના ઉપયોગ કરવામાં આવ્યા હતા. અત્યારસુધીની તપાસમાં આરોપીઓએ કુલ ૮૧ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં ૧૮૨૩૭૬૮૮૬૨ રૂપિયાની હેરાફેરી કરી હતી. 

બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમનું કમિશન રાખીને આ નાણાં અન્ય અલગ અલગ જગ્યાઓએ મોકલ્યા હતા. આ સાયબર ક્રાઇમના મામલામાં પોલીસે તપાસ કરતા આ એકાઉન્ટમાં કુલ ૭૪ જેટલી સાયબર છેતરાપિંડીની ફરિયાદો હોવાનું સામે આવ્યું હતું.  યસ મુલચંદ ભાટીયાએ એક એકાઉન્ટ ધારક સાથે રૂ.૫૦૦૫૩૨ રૂપિયાની ઠગાઈ કરી હતી.  સાયબર ક્રાઇમ પોલીસના હેડ કોન્સ્ટેબલ અનિલ કુમાર વાળાગોતે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. એક મકાન માલિકે શંકા જતાં દાખલ કરેલી અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)