ભુજઃ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે કચ્છના બંદરીય માંડવી તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ ભાજપના ગઢ ગણાતા ગ્રામ્ય વિસ્તારોમાં ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોડકુબા, પાચોટીયા અને બાડા સહિત અંદાજે ૧૦ જેટલા ગામોના ૧૦૦થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓને લઈને કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. સંગઠન સ્તરે રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ ન આવતા, આખરે આ નારાજ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. આ જૂથ પરિવર્તનથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસનું પલડું ભારે થતું દેખાઈ રહ્યું છે.
માંડવી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તમામ ૧૦૦થી વધુ કાર્યકરોને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, જનતા અને કાર્યકરોનો શાસક પક્ષ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. પક્ષમાં જોડાયેલા નવા સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ હવે કોંગ્રેસની વિચારધારા સાથે રહીને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે.
આ સામૂહિક પક્ષપલટાને પગલે માંડવી તાલુકા ભાજપમાં મંથનનો દોર શરૂ થયો છે, જ્યારે કોંગ્રેસ છાવણીમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.
(ઉત્સવ વૈદ્ય)