Fri Jul 24 2026

Logo

કચ્છમાં ચૂંટણી ચકાસણીમાં ૪૧૩ ફોર્મ રદ: ભાજપનું અનેક બેઠકો પર બિનહરીફ વિજય સાથે ખાતું ખૂલ્યું

2026-04-14 11:46:00
Author: Mumbai samachar Team
Article Image

ભુજ: કચ્છ જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લામાં કુલ ભરાયેલા ૧૫૭૧ ફોર્મમાંથી ૪૧૩ ફોર્મ અમાન્ય ઠર્યા છે, જ્યારે ૧૧૪૮ ઉમેદવારો હાલ ચૂંટણી મેદાનમાં છે. આ પ્રક્રિયા દરમિયાન ભાજપે ભુજ, અંજાર, ગાંધીધામ અને ભચાઉમાં કેટલીક બેઠકો બિનહરીફ મેળવીને પ્રભુત્વ જમાવ્યું છે.

ભુજ સુધરાઈમાં ૧૪ ફોર્મ રદ થતા ૧૦૯ ઉમેદવાર મેદાનમાં છે. વોર્ડ નં. ૧૧ની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.ગાંધીધામ સંકુલની નવી રચાયેલી મહાનગરપાલિકામાં ૨૭ ફોર્મ રદ થયા છે. વોર્ડ નં. ૩માં કોંગ્રેસના ઉમેદવારની ટેકનિકલ ભૂલને કારણે ભાજપના જ્યોતિબેન માલી બિનહરીફ ચૂંટાયા છે,જયારે અંજાર નગરપાલિકામાં ૪૧ ફોર્મ રદ થયા છે અને ભાજપને અહીં ૩ બેઠકો બિનહરીફ મળી છે. આ ઉપરાંત માંડવી તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મોટી સંખ્યામાં ફોર્મ રદ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપે મોરગર અને ચીરઈ બેઠકો બિનહરીફ જીતીને ખાતું ખોલાવ્યું છે. મુંદરામાં પણ અનેક ડમી ફોર્મ રદ થતા હવે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહ્યો છે, જ્યારે 'આપ' મર્યાદિત બેઠકો પર મેદાનમાં છે. રાપરમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ ફી ન ભરવા બદલ રદ કરાયું હતું.

ચકાસણી દરમિયાન અનેક સ્થળે વાંધા-અરજીઓ અને દલીલોને કારણે માહોલ ગરમાયો હતો. હવે આગામી ૧૫મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત છે, ત્યારબાદ ચૂંટણી જંગનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકો અને રાત્રિ સભાઓ સાથે પ્રચાર તેજ બન્યો છે.

(ઉત્સવ વૈદ્ય)