ભુજ: કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના નંદાસર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા પડેલા યુવાનનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નીપજ્યું હતું. જ્યારે ખાવડા ખાતેના એશિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં સોલાર પ્લેટોનું કામ કરતી વેળાએ વીજકરંટ લાગતાં રાજસ્થાનના 27 વર્ષીય શ્રમિકનું મોત થયું હતું. આ ઉપરાંત અંજાર તાલુકામાં એક યુવતીનો આપઘાત અને તળાવમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતાં પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાપર અને આસપાસના વિસ્તારમાં રહેતા ચાર-પાંચ મિત્રો નંદાસર તરફ ફરવા ગયા હતા. બપોરના સુમારે નર્મદા કેનાલમાં બે યુવાનો નહાવા પડ્યા હતા અને અચાનક ઊંડા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી એક યુવાનને સહીસલામત બહાર કાઢી લીધો હતો, પરંતુ દિનેશ ભાણા કોળી (ઉ.વ. 25, રહે. રાપર) ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.
અત્રે નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં જ ભચાઉ અગ્નિશામક દળની રેસ્ક્યુ ટીમ બોટ સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ અને મયૂર રામાનંદી સહિતના કર્મીઓએ ચારથી પાંચ કલાક સુધી કેનાલમાં સઘન શોધખોળ ચલાવી સમી સાંજે દિનેશનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
બીજી દુર્ઘટનામાં, ખાવડા ખાતે નિર્માણધીન રિન્યુએબલ એનર્જી પાર્કમાં એપોલો કંપની હેઠળ કામ કરતો મૂળ બાડમેર (રાજસ્થાન)નો 27 વર્ષીય શ્રમિક શ્રવણ બાલારામ સારણ (જાટ) સોલાર પ્લેટોમાં સિરીઝ કનેક્શન જોડી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જીવલેણ વીજકરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી વધુ તપાસ આદરી છે.
આ ઉપરાંત, અંજાર તાલુકાના ખંભરા ગામે રહેતી ખુશી જિતેન્દ્ર લીંબાણી (ઉ.વ. 19) નામની યુવતીએ ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ બપોરે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. અંજાર પોલીસે આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. જ્યારે અંજારના ભીમાસર નજીક આવેલા ચકાસર તળાવના દક્ષિણ કાંઠેથી 50થી 55 વર્ષીય અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના જમણા હાથના કાંડા પર ‘ઓમ’ ત્રોફાવેલું હોવાની વિગતો સાથે અંજાર પોલીસે વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)