ભુજ: રણપ્રદેશ કચ્છ જિલ્લામાં પ્રથમ વખત બજેટ આધારિત સુયોજિત આયોજન સાથે વિકાસકાર્યોને વેગ આપવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટર અને વિવિધ વિકાસ સત્તામંડળના ચેરમેન આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભુજ, ભચાઉ, રાપર, અંજાર અને ગાંધીધામ માટે વર્ષ 2026-27ના અંદાજપત્રોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. આ માઈક્રો-પ્લાનિંગનો મુખ્ય હેતુ નાગરિકોને ઝડપી અને આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે
પ્રાપ્ત વિગતો મુજબ, ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (ભાડા) માટે રૂા. 2510.00 લાખના આવક-ખર્ચના લક્ષ્યાંક સાથેનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં વોર્ડ નં. 1, 7, 8, 9, 11 અને જીઆઇડીસી વિસ્તારમાં નર્મદા વોટર સંપ તથા ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂા. 607.00 લાખ ખર્ચાશે. ભુજ અને માધાપરના ડ્રેનેજ પ્રકલ્પ માટે લગભગ રૂા.515.00 લાખ અને રૂા. 250.00 લાખની જોગવાઈ કરાઈ છે.
આ ઉપરાંત કિલ્લેબંધ શહેરને સુંદર બનાવવા 'ભાડા આઈકોનિક રોડ' (રૂા. 100.00 લાખ) અને 'ભાડા સર્કલ' (રૂા. 25.00 લાખ) વિકસાવાશે. ધરતીકંપ બાદ વિસ્થાપિતો માટે બનાવાયેલી વિવિધ રિલોકેશન સાઈટ પર પાંચ નવા ગાર્ડન માટે રૂા.50.00 લાખ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂા.380.00 લાખની ફાળવણી કરવામાં આવી છે.
બીજી તરફ, ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલના સર્વાંગી વિકાસ માટે રૂા.72 કરોડનું બજેટ મંજૂર કરાયું છે જે અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકાને આધુનિકીકરણ માટે રૂા.30 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે, શહેરના માર્ગોને 'ડસ્ટ ફ્રી' બનાવી ફૂટપાથ, પાર્કિંગ અને ગ્રીન સ્પેસ સાથે પહોળા કરવામાં આવશે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ જેવી સુવિધાઓ પર વિશેષ ધ્યાન અપાશે, જ્યારે સત્તામંડળના નવા બિલ્ડિંગ માટે રૂા.1.17 કરોડની જોગવાઈ કરાઈ હોવાની વિગતો મળી રહી છે.
ગાંધીધામ ઉપરાંત અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળની 44મી બોર્ડ બેઠકમાં રૂા.2392 લાખનું બજેટ મંજુર કરાયું છે જેમાં રમતવીરો માટે રૂા. 207 લાખના ખર્ચે સ્ટેડિયમ અને રૂા. 50 લાખના ખર્ચે મેમોરિયલ પાર્કનું નિર્માણ થશે અને ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે નવી વેબસાઈટ અને કમ્પ્યુટર સેટ માટે પણ ભંડોળ ફાળવાયું છે. કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં અબેટરમેન્ટ ચાર્જ અને ડેવલપમેન્ટ ફી દ્વારા આવક ઊભી કરવાનું પણ આયોજન છે.
દરમિયાન, ભચાઉમાં રૂા. 162.30 લાખના બજેટમાં ચિલ્ડ્રન પાર્કના પુનઃઉદ્ધાર માટે રૂા. 50.00 લાખ ફાળવાયા છે જયારે સીમાવર્તી રાપરના વિકાસ અર્થે રૂા. 141.64 લાખનું બજેટ મંજૂર થયું છે, જેમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધીના માર્ગને રૂા. 50.00 લાખના ખર્ચે 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવામાં આવશે.
આ પ્રકારના ચોક્કસ બજેટ અને લક્ષ્યાંક આધારિત આયોજનથી કચ્છના શહેરી વિસ્તારોનો વિકાસ વેગવંતો થશે અને નાગરિકોને પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ રીતે પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વ્યક્ત કર્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)