Mon Oct 05 2026

Logo

ભાદરવાના તાપથી સરહદી કચ્છ કાળઝાળ: ભુજ ૩૯.૫ ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર,

2026-09-24 11:41:00
Author: Mumbai Samachar Team
ભાદરવાના તાપથી સરહદી કચ્છ કાળઝાળ: ભુજ ૩૯.૫ ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર,

ભુજ: ભાદરવા મહિનાના મધ્યાહ્ને કચ્છમાં જાણે કાળઝાળ ઉનાળાનું પુનરાગમન થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્તમ પારો ૪૦ ડિગ્રીની નજીક પહોંચી જતાં સરહદી જિલ્લાનું જનજીવન આકરા તાપ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યું છે. ચોમાસાની સત્તાવાર વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નજીકના ભવિષ્યમાં પણ આ અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળે તેવાં કોઈ એંધાણ દેખાતાં નથી.

 ભુજ ખાતે મહત્તમ તાપમાનમાં વધુ એક ડિગ્રીનો વધારો થતાં પારો ૩૯.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. આ સાથે ભુજ સતત ત્રીજા દિવસે સમગ્ર ગુજરાત રાજ્યનું સૌથી ગરમ મથક નોંધાયું હતું. સવારે ૧૦ વાગ્યાથી જ આકરા સૂર્યપ્રકોપની શરૂઆત થઈ ગઈ હતી, જે છેક સૂર્યાસ્ત સુધી યથાવત્ રહી હતી. રાત્રિનું લઘુતમ તાપમાન પણ ૨૬ થી ૨૭ ડિગ્રી જેટલું ઊંચું રહેતાં રાત્રિના સમયે પણ લોકોને અસહ્ય ઉકળાટમાંથી સહેજ પણ રાહત મળી નહોતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ સપ્ટેમ્બર માસ દરમિયાન ભુજમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીના આંકને વટાવી ચૂક્યો છે.

અંજાર અને ગાંધીધામ સંકુલને આવરી લેતા કંડલા (એરપોર્ટ) વિસ્તારમાં પણ પારો ઊંચકાઈને ૩૮.૪ ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં ભુજ અને ડીસા બાદ કંડલા (એ.) ત્રીજું સૌથી ગરમ મથક બન્યું હતું. આ ઉપરાંત કંડલા પોર્ટ ખાતે ૩૬.૫ ડિગ્રી અને નલિયામાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વાતાવરણમાં પવનની ગતિ મંદ પડી જવાના કારણે તાપ અને બફારાની તીવ્રતા બમણી અનુભવાઈ રહી હતી. બપોરના સમયે માર્ગો સુમસામ બન્યા હતા. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થઈ ચૂકી છે અને કચ્છમાંથી પણ ચોમાસું વિદાય લે તે માટેનાં કુદરતી પરિબળો સાનુકૂળ બન્યાં છે. આગામી સપ્તાહ દરમિયાન કચ્છમાં સામાન્ય રીતે હવામાન સૂકું રહેવાની શક્યતા છે. જોકે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી ચક્રવાતી સિસ્ટમના કારણે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. આ ઉપરાંત કચ્છમાં પ્રવર્તતા અતિશય આકરા તાપ અને બફારાને લીધે સ્થાનિક સ્તરે લોકલ કન્વેક્ટિવ સિસ્ટમ વિકસિત થતાં ક્યાંક-ક્યાંક ગાજવીજ સાથે  હળવા વરસાદી ઝાપટાં વરસી પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

(ઉત્સવ વૈદ્ય)