નવી દિલ્હીઃ ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ તરફથી વિદ્યાર્થી આંદોલનને લઈ ગૃહમાં સતત ચર્ચા કરવાની માંગ પર સરકાર તૈયાર થઈ ગઈ છે. સંસદીય કાર્યપ્રધાન કિરન રિજ્જુએ આજે જણાવ્યું કે, સરકાર આના પર વિસ્તૃત ચર્ચા કરશે. એક-એક વાતનો જવાબ આપવામાં આવશે. ગૃહ પ્રધાન પણ જવાબ આપશે.
રિજ્જુએ કહ્યું કે, સરકાર તરફથી જે જવાબ આપવામાં આવશે તેણે વિપક્ષને સાંભળવું પડશે. ગૃહ પ્રધાન તરફથી જવાબ આપવામાં આવે ત્યારે વિપક્ષ હંગામો કરે કે ગૃહમાંથી વૉકઆઉટ કરવું જોઈએ નહીં. સરકારનો જવાબ સાંભળવો પડશે. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રદર્શનને લઈ સંસદમાં વિપક્ષ સતત ચર્ચાની માંગ કરી રહ્યું છે.
બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં સરકાર તરફથી સ્ટુડન્ટ આંદોલન મુદ્દે ચર્ચા કરવા તૈયાર હોવાની વાત કહેવામાં આવી છે. જ્યારે વિપક્ષે આ દરમિયાન અયોધ્યા રામ મંદિર દાનચોરી મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. આ સ્થિતિમાંગૃહમાં ક્યા મુદ્દા પર ચર્ચા થશે તેને લઈ સરકાર અને વિપક્ષ વચ્ચે અલગ અલગ પ્રાથમિકતા સામે આવી છે.
રામ મંદિરના દાનમાં ચોરી અને દિલ્હીમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માગણીને લઈને કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી દળોના સભ્યોના હોબાળાને કારણે આજે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી અને પ્રશ્નકાળ તેમ જ શૂન્યકાળ ચાલી શક્યા નહોતા.
લોકસભાની કાર્યવાહી આજે સવારે 11 વાગ્યે શરૂ થતાં જ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી દળોના સભ્યો અયોધ્યાના રામ મંદિરમાં કથિત દાનની ચોરીના વિરોધમાં અને દિલ્હીમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દા પર ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માગણીને લઈને હોબાળો કર્યો હતો.
હંગામા વચ્ચે ચાર બિલ રજૂ કરવામાં આવ્યાં
સંસદના મોન્સૂન સત્રના ચોથા અઠવાડિયાની શરુઆત પણ હંગામાથી રહી હતી. ચંદાચોરી મુદ્દે અને દિલ્હીમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ગૃહ પ્રધાનના વારંવાર જવાબ આપવાની માગણી કરી હતી. આજે જોરદાર હંગામા વચ્ચે ચાર બિલ પસાર કરવામાં આવ્યા હતા.