Tue Jun 23 2026

Logo

પોલાર્ડે ક્રિસ ગેલનો કયો મોટો રેકોર્ડ તોડીને કહ્યું- સોરી યુનિવર્સ બોસ, જાણો વિગત

2026-06-22 14:02:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડે ટી20 ક્રિકેટમાં ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. પોલાર્ડ  ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. આ કારણે પોલાર્ડે યુનિવર્સ બોસ ક્રિસ ગેલની માફી પણ માંગી હતી.

પોલાર્ડે મેજર લીગ ક્રિકેટ 2026માં રમેલી એક શાનદાર સદીની ઈનિંગ દરમિયાન ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડ્યો હતો. 39 વર્ષની વયે પોલાર્ડે આ કારનામું કરતાં ટી20 ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેણે મુંબઈની ફ્રેન્ચાઈઝી તરફથી રમતાં વૉશિંગ્ટન ફ્રીડમ સામે સદી ફટકારી હતી અને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કિરોન પોલાર્ડ બન્યો ટી20નો નવો રન કિંગ

કિરોન પોલાર્ડ હવે ટી20 ક્રિકેટનો નવો રન કિંગ બની ગયો છે. તેના નામે 14,582 રન થઈ ગયા છે. તેણે 736 મેચની 653 ઈનિંગમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ દરમિયાન તેણે 67 અડધી સદી અને 2 સદી ફટકારી છે. ક્રિસ ગેલે તેના ટી20 કરિયરમાં 463 મેચની 455 ઈનિંગમાં 14,562 રન બનાવ્યા હતા. જોકે ટી20 ક્રિકેટમાં સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ હજુ પણ ગેલના નામે છે. તેણે  આઈપીએલમાં 175 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ ઉપરાંત આ ફોર્મેટમાં સૌથી વધુ 22 સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

 

રેકોર્ડ તોડ્યા બાદ પોલાર્ડની માંગી માફી

મેચ બાદ પોલાર્ડે કહ્યું, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવો ખાસ છે. વેસ્ટ ઈન્ડિઝના આ લેજેન્ડને અનેક ક્રિકેટરો તેમનો આદર્શ માને છે. તેણે ક્રિકેટના દરેક ફોર્મેટમાં યોગદાન આપ્યું છે. પોલાર્ડે કહ્યું, સોરી યુનિવર્સ બૉસ, પરંતુ હવે હું તમારાથી ઉપર છે. તેણે કહ્યું, નંબર 6 કે 7 પર બેટિંગ કરવી સરળ નથી હોતી. પરંતુ કોઈએ તો આ જવાબદારી લેવી પડે છે. મેં મારો રોલ સ્વીકાર્યો અને તેના પર મહેનત કરી. જ્યારે તમે તમારું કામ સમજીને તૈયારી કરો છો તો પરિણામ સારા આવે છે.

આ ઉપરાંત પોલાર્ડે ફ્રેન્ચાઈઝી ક્રિકેટને લઈ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, મેં સૌથી વધારે રન બનાવવાનું સપનું જોયું હતું તો હું ખોટો હતો. પરંતુ મેં આ કર્યું તેનો મને ગર્વ છે. તે સમયે લોકોએ મારી ખૂબ મજાક ઉડાવી હતી. આજે આ મૉડલ વિશ્વભરમાં અપનાવવામાં આવી રહ્યું છે. હવે ખેલાડીઓ નાની વયે જ ફ્રેન્ચાઈઝી ક્રિકેટને પ્રાથમિકતા આપી રહ્યા છે. ક્રિકેટ હવે માત્ર રમત જ નથી રહી પરંતુ એક મોટો બિઝનેસ બની ચુક્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક સમયે પોલાર્ડ, ગેલ અને ડ્વેન બ્રાવો  ઈન્ટરનેશનલ ક્રિકેટ કરતાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટને વધારે પ્રાથમિકતા આપતા હોવાથી તેમની આલોચના થતી હતી.  જોકે પોલાર્ડને તેનો કોઈ પસ્તાવો નથી.