પટનાઃ યુટ્યુબ અને શિક્ષણ જગતના જાણીતા શિક્ષક ખાન સર હાલમાં મોટા કાનૂની વિવાદોની જાળમાં ફસાયા છે. બિહારની રાજધાની પટનામાં 2 જૂન મંગળવારની રાત્રે તેમની સંસ્થા 'ખાન ગ્લોબલ સ્ટડીઝ'ની બહાર થયેલી હિંસા અને ફાયરિંગની ઘટના બાદ મામલો ગંભીર બન્યો છે. પટના પોલીસે હવે આ મામલે ખાન સર વિરુદ્ધ જામીન ન મળી શકે તેવી ધારાઓ હેઠળ FIR નોંધી છે. બીજી તરફ, ફાયર સેફ્ટીના નિયમોની અનદેખી બદલ તેમના કોચિંગ સેન્ટરને તાળા લાગી જવાની પણ નોબત આવી છે.
ગાર્ડ્સના નિવેદનથી ફસાયા ખાન સર
આ સમગ્ર વિવાદની શરૂઆત 2 જૂનની રાત્રે થઈ હતી, જ્યારે ખાન સરના કોચિંગ સેન્ટર અને હરીફ જ્ઞાન બિંદુ કોચિંગ વચ્ચેના વર્ચસ્વની લડાઈમાં ભારે પથ્થરમારો થયો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા જ્ઞાન બિંદુ કોચિંગના સંચાલક રૌશન આનંદની ધરપકડ કરી હતી. જો કે, ઘટનાના બીજા દિવસે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ખાન સરના બે ખાનગી સુરક્ષા ગાર્ડ્સ હવામાં રાઈફલથી ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. પોલીસે બંને ગાર્ડ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.
ફાયરિંગ માત્ર આત્મરક્ષણમાં કરવામાં આવ્યું હોવાનો દાવો
આ નિવેદનના આધારે પટના પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ ખાન સર વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ખાન સરે આ અંગે બચાવ કરતા જણાવ્યું છે કે આ ફાયરિંગ માત્ર આત્મરક્ષણમાં કરવામાં આવ્યું હતું. શનિવારે પટના સિવિલ કોર્ટની બહાર મીડિયા અને પોલીસનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. એવી અફવા ઉડી હતી કે, ખાન સર કોર્ટમાં સરન્ડર કરવાના છે. જો કે, કલાકોની રાહ જોયા બાદ તેમના વકીલે સ્પષ્ટ કર્યું કે સરન્ડર કરવાનો કોઈ ઈરાદો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાન સરે પોતાના વકીલ મારફતે અનુરાગ વર્માની કોર્ટમાં અગ્રીમ જામીન અરજી દાખલ કરી દીધી છે. આ અરજીની ખાસ વાત એ છે કે ખાન સરે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ જેલના સળિયા પાછળ ધકેલાયેલા પોતાના બંને બોડીગાર્ડ્સ માટે પણ જામીનની માંગ કરી છે. જ્યાં સુધી અદાલત આ અરજી પર કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી ખાન સર પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતા નહિવત છે.