તિરુવનંતપુરમ્: વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ'ના નિર્માતાઓને કેરળ હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. હાઈ કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે, આ દરમિયાન હાઈ કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)ને પણ ફટકાર લગાવી છે.
CBFCએ ફિલ્મને આપેલા સેન્સર સર્ટીફીકેટને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેરળ હાઈ કોર્ટના જસ્ટિસ બેચુ કુરિયન થોમસની સિંગલ જજ બેન્ચે નિર્દેશ આપ્યો કે ફિલ્મ 27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ નહીં થઇ શકે. કોર્ટે CBFCને કહ્યું કે એવું લાગે છે કે બોર્ડ ફિલ્મની રિલીઝને મંજૂરી આપતી વખતે પોતાનું મગજ નથી વાપર્યું.
ફિલ્મના દ્રશ્યો સામે વાંધા ઉઠ્યા:
નોંધનીય છે કે કેરળ સ્ટોરી 2નું ટ્રેલર રિલીઝ થયા બાદ જ વિવાદ સર્જાયો હતો, ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે સખત વાંધા ઉઠાવવામાં આવ્યા છે. ફિલ્મનું નિર્માણ સનશાઇન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે, વિપુલ અમૃતલાલ શાહ ફિલ્મના નિર્માતા છે.
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ અને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપએ ધ કેરળ સ્ટોરી 2ના ટીઝર અને ટ્રેલરની ટીકા કરી હતી. CBFCએ 'ધ કેરળ સ્ટોરી 2’ને 16 કટ્સ અને ફેરફાર સાથે U/A સર્ટીફીકેટ આપ્યું હતું.
અરજદારની દલીલ:
શ્રીદેવ નંબુદિરીએ CBFCએ ફિલ્મને આપેલા સર્ટીફીકેટ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, તેમણે માંગ કરી હતી કે ફિલ્મનું U/A સર્ટીફીકેટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું કે ‘ધ કેરળ સ્ટોરી 2’ કેરળ રાજ્ય અને તેના લોકોને બદનામ કરવાનો એક પ્રયાસ છે.
હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી કોર્ટમાં દલીલો પૂર્ણ ન થાય, ત્યાં સુધી ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. કોર્ટે કહ્યું કે ફિલ્મના ટીઝર અને ટ્રેલરને કારણે સાંપ્રદાયિક વિખવાદ પેદા થાય તેવી સંપૂર્ણ સંભાવના છે.
અહેવાલ મુજબ ફિલ્મ નિર્માતાઓ સિંગલ જજના આદેશ સામે હાઈકોર્ટની મોટી બેન્ચનો સંપર્ક કરી શકે છે.