Mon May 11 2026

Logo

‘ધ કેરલા સ્ટોરી 2' ને મોટી રાહત; કેરળ હાઈકોર્ટે રિલીઝ પરનો સ્ટે હટાવ્યો

2026-02-27 17:44:47
Author: Savan Zalaria
Article Image

કોચી: વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ના નિર્માતાને કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાહત આપી છે. ડિવિઝન બેન્ચે શુક્રવારે ફિલ્મની રિલીઝ પરનો સ્ટે હટાવ્યો છે. ગઈ કાલે જસ્ટિસ બેચુ કુરિયન થોમસની સેન્ગલ જજની બેન્ચે ફિલ્મની રિલીઝ પર 15 દિવસનો સ્ટે મુક્યો હતો, જેને ડિવીઝન બેંચ સમક્ષ પડકારવામાં આવ્યો હતો.  
આજે શુક્રવારે કેરળ હાઈકોર્ટના જસ્ટિસ એસએ ધર્માધિકારી અને પીવી બાલકૃષ્ણનની બેન્ચે ફિલ્મની રિલીઝ પરનો સ્ટે હટાવી લીધો હતો. 

કોર્ટે CBFCની ટીકા કરી હતી:

ગઈ કાલે ગુરુવારે જસ્ટિસ થોમસે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રજુઆતોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે CBFC દ્વારા ફિલ્મને U/A સર્ટીફીકેટ આપવાના નિર્ણયની ટીકા કરી હતી, કોર્ટે કહ્યું હતું કે CBFCએ માર્ગદર્શિકાઓનું પાલન કર્યું નથી.  

ડિવિઝન બેન્ચે રાહત આપી:

આ ફિલ્મ આજે 27 તારીખે રિલીઝ થવાની હોવાથી નિર્માતાઓએ ગઈ કાલે જ સિંગલ જજની બેંચના આદેશ સામે અપીલ દાખલ કરી. કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ગઈ કાલે સાંજે 7.30 વાગ્યે એક ખાસ બેઠક બોલાવી હતી અને સુનાવણી બે કલાકથી વધુ સમય ચાલી, જેના પછી બેન્ચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો. 

આજે શુક્રવારે સાંજે 4 વાગ્યે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો, કોર્ટે વચગાળાનો સ્ટે હટાવી લીધો છે. આ સાથે ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો બન્યો છે, ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની નવી રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી.