શ્રીનગરઃ દેશના હવામાનમાં દિવસે દિવસે મોટો પલટો જોવા મળી રહ્યો છે. એકબાજું પાટનગર દિલ્હીમાં વરસાદી માહોલ છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં શિયાળા જેવી ઠંડી શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાને કારણે તાપમાન ઘટી ગયું છે, બરફના થર જામી જવાને કારણે અનેક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે. આ કારણ જનજીવન પણ પ્રભાવિત થયું છે. જમ્મુ કાશ્મીરમાં અપ્રિલ મહિનાનો નજારો ડિસેમ્બર-જાન્યુઆરી જેવો દેખાયો છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતા જાણે શિયાળો શરૂ થયો હોય એવો માહોલ જામ્યો છે.
બે દિવસ હવામાન અસ્થિર
શનિવારે સવારે 24 કલાક પૂરા થતા ઉત્તર, દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ હતી. આ કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો હતો. જ્યારે મેદાની વિસ્તારમાં સતત વરસાદ થતો જોવા મળ્યો છે. હવામાનમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો અને તાપમાન નીચે ઊતર્યું હતું. આ કારણે લોકોને શિયાળુ માહોલ જામ્યો હોય એવો અહેસા થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા.18 ને 19 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં હવામાનમાં પલટો જોવા મળશે. એક સમાન હવામાન રહેશે નહીં. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જ્યારે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડી શકે છે.
પવન સાથે કરા પડવાના અણસાર
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે, દેશના અમુક રાજ્યમાં 40થી 50 કિમી/કલાકની ગતિથી પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનની સાથે કરા પડવાની શક્યતાઓ છે, જોકે 20 એપ્રિલ બાદ હવામાન ધીમે ધીમે સુધરશે અને ગરમી શરૂ થશે. કાશ્મીરના જાણીતા પર્યટન સ્થળ ગુલમર્ગમાં ભારે હિમવર્ષાથી જમીન પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી.
ગોંડોલા ફેઝ1 અને ફેઝ 2ના કોંગડોરી તથા અફરવત વિસ્તારમાં મજા માણવા આવેલા પ્રવાસીઓ હવામાનના પલટાથી આશ્ચર્ય પામ્યા હતા. એમને સીઝન વગર હિમવર્ષા માણવા મળી હતી. એક તરફ જ્યાં દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમી પડી રહી છે, દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે એવામાં જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી વાતવારણ પલટાયું છે.
પ્રવાસીઓએ માણી સ્નોફોલની મોજ
જમ્મુ કાશ્મીર ફરવા માટે આવેલા પ્રવાસીઓ સ્નોફોલની મજા માણી રહ્યા છે. હવામાન વિભાગે એક ખાસ એડવાઈઝરી જાહેર કરતા કહ્યું હતું કે, બે દિવસ ખેતીકામ રોકી દેવામાં આવે. હવામાનમાં મોટો પલટો આવી શકે છે. ખરાબ હવામાનને કારણે પાકને મોટું નુકસાન થઈ શકે છે. હિમવર્ષાની એક અસર ટ્રાંસપોર્ટ ઉપર પણ થઈ છે.
કાશ્મીરને લદ્દાખ સાથે જોડતો જોજિલા પાસ, શ્રીનગર-ગુરેજ માર્ગ અને સિંથન ટોપ બરફથી ઢંકાઈ ચૂક્યા છે. આ કારણે અનંતનાગ-કિશ્તવાડ રોડ બંધ કરવાની ફરજ પડી છે. આ કારણે લોકોની આવ-જાને અસર થઈ છે. આ રસ્તો લદ્દાખ, ગુરેજ, કિશ્તવાડ અને ડોડા જેવા વિસ્તાર માટે મોટી જીવનરેખા સમાન છે.
85 કિમીનો રસ્તો સંપૂર્ણપણે બંધ
બીજી તરફ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા-ગુરેજ માર્ગ પર સ્થિતિ વધારે કપરી થઈ હતી. સતત હિમવર્ષાને કારણે 50 વાહનો રસ્તા પર જ ફસાયા હતા. આગળ વધી શકાય એવી કોઈ સ્થિતિ ન હતી. આ સ્થિતિને ધ્યાને લઈને કાશ્મીર પોલીસ અને બીઆરઓએ રેસક્યૂ ઑપરેશન શરૂ કર્યું હતું. યુદ્ધના ધોરણે બરફ દૂર કરવાનું કામ ચાલું કરાયું હતું.
એ પછી તમામ વાહનોને સુરક્ષિત રીતે પરિવહન માટે આગળ કરાયા હતા. હજુ પણ 85 કિમીનો રસ્તો આ જ રૂટ પર બંધ છે. સ્થિતિ સામાન્ય થતા આ રસ્તો પણ ખોલી દેવામાં આવશે. મશીનની મદદથી બરફ દૂર કરવા પ્રયાસ થઈ રહ્યા છે. જેથી ઝડપથી લોકોને રાહત મળી રહે.