આજના સમયમાં ભાગ્યે જ તમને કોઈ એવી વ્યક્તિ જોવા મળશે કે જેની પાસે મોબાઈલ ફોન ના હોય. આમ મોબાઈલ ફોન ધીરે ધીરે લક્ઝરી મટીને એક જરૂરિયાત બની ગયું છે. પરંતુ શું તમને ખબર છે કે જેમ તમે તમારો સાથી વિશ્વાસુ સાથી માની રહ્યા છો એ તમારી જાસૂસી પણ કરી શકે છે? હેકર્સ સ્માર્ટફોન દ્વારા માત્ર તમારા લોકેશન પર જ નહીં, પરંતુ તમારી પર્સનલ મોમેન્ટ્સ પર નજર રાખી રહ્યા છે કે તમારી વાતો સાંભળી શકે છે. જો તમારા ફોનમાં પણ અમુક અસામાન્ય ગતિવિધિઓ જોવા મળે તો તમારે ચેતી જવાની જરૂર છે. ચાલો જાણીએ કે આખરે કઈ રીતે જાણી શકાય છે કે કોઈ તમારી વાતો અને વર્તન પર નજર રાખી રહ્યું છે...
મોબાઈલ ફોન એ આજના સમયની પ્રમુખ જરૂરિયાત બની ગઈ છે, જોકે આ ફોનને કારણે જ આપણી સુરક્ષા જોખમમાં પણ મૂકાઈ શકે છે. ફોનને હથિયાર બનાવીને થતી જાસૂસીને ઓળખવા માટે તમારે કેટલીક બાબતો પર ઝીણવટભરી નજર રાખવી પડશે, ચાલો તમને આ વાતો વિશે વિસ્તારથી જણાવીએ.
બેટરી ઝડપથી ઉતરી જવી:
જો તમારા ફોનની બેટરી અચાનક નોર્મલ રૂટિન કરતાં વધારે ઝડપથી ડિસ્ચાર્જ થઈ રહી છે તો આ એક ખતરાની ઘંટડી હોઈ શકે છે. તમારા ફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી સ્પાટ એપ્સ બેટરીનો વધુ વપરાશ કરે છે, જેને કારણે બેટરી ઝડપથી ઉતરવા લાગે છે.
ડેટા વપરાશમાં વધારો:
જો તમે ફોનનો વધુ ઉપયોગ ન કર્યો હોય તેમ છતાં પણ તમારો ઈન્ટરનેટ ડેટા ઝડપથી પૂરો થઈ જતો હોય, તો સાવધ થઈ જાવ. સ્પાયવેર તમારી માહિતી સર્વર પર મોકલવા માટે સતત ડેટાનો ઉપયોગ કરે છે.
ફોન ગરમ થવોઃ
આપણામાંથી અનેક લોકોને એવો અનુભવ થયો હશે કે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કર્યા બાદ ફોન એકદમ ગરમ થઈ જાય છે. પરંતુ જો તમારો ફોન વાપર્યા વગર પણ તે સતત ગરમ રહેતો હોય, તો તેનો અર્થ એવો થાય છે કે બેકગ્રાઉન્ડમાં કેમેરા કે માઈક્રોફોન જેવી પ્રોસેસ ચોરીછૂપીથી ચાલી રહી છે, એટલે ઓવરહિટિંગ એ પણ ફોનથી જાસુસી થઈ રહી છે એનો સંકેત છે.
અજાણી એપ્સ:
આપણે ફોનમાં અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ. સમયાંતરે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્સની યાદી તપાસતાં રહેવું જોઈએ. જો તમને એવી કોઈ એપ દેખાય જે તમે ડાઉનલોડ નથી કરી, તો તે જાસૂસી માટેનું સાધન હોઈ શકે છે.
કઈ રીતે બચશો?
1) કોઈપણ શંકાસ્પદ એપ દેખાય તો તેને તુરંત ડિલીટ કરો.
2) તમારા સોશિયલ મીડિયા અને બેંકિંગ એપ્સના પાસવર્ડ સમયાંતરે બદલતા રહો.
3) સમયાંતરે ફોનને ફ્લાઇટ મોડ પર મૂકવાથી શંકાસ્પદ કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જાય છે.
4) ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સને હંમેશા અપડેટ રાખો જેથી સિક્યુરિટી પેચ મળતા રહે.