મુંબઈ: અકસ્માત ટાળવા અને નાગરિકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે પાલઘરના ટ્રાફિક વિભાગ દ્વારા મહત્ત્વનાં આઠ ઠેકાણે એલઈડી સ્ક્રીન બેસાડવામાં આવ્યા હતા. પાલઘર પોલીસના જણાવ્યા મુજબ ભારતમાં દર વર્ષે 1.50 લાખ લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ વાતને ધ્યાનમાં રાખી કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા અકસ્માતોમાં મૃત્યુનો દર ઓછો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પરિણામે પાલઘર ટ્રાફિક વિભાગ દ્વારા પણ વિવિધ પહેલ કરવામાં આવી રહી છે.
હવે ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માતો ટાળવા અને વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સરળતાથી નજરે પડે એવાં મહત્ત્વનાં આઠ સ્થળે એલઈડી સ્ક્રીન લગાડવામાં આવી છે. આ સ્ક્રીન દબાણુ, બોઈસર, પાલઘર, વાડા, વિક્રમગડ અને જવ્હાર શહેરમાં ગોઠવવામાં આવ્યા છે.

સ્ક્રીનના માધ્યમથી વાહનચાલકોને વિવિધ સૂચના આપવામાં આવી છે. વાહન ચલાવતી વખતે સીટબેલ્ટનો ઉપયોગ, ટુવ્હીલર ચલાવનારાએ હેલ્મેટનો ઉપયોગ કરવો, ટ્રિપલ સીટ વાહન ચલાવવાનું ટાળવું, દારૂના નશામાં વાહન ન ચલાવવુું જેવા નિયમો આ સ્ક્રીન પર સતત ફ્લૅશ થતા રહેશે. આ પહેલને કારણે નાગરિકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બાબતે જાગૃતિ આવશે અને અકસ્માતો ઓછા થવામાં મદદ થશે, એવી આશા પોલીસે સેવી છે.