Sat Apr 18 2026

Logo

રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ કહ્યું વિપક્ષે મહિલા અનામત બિલની ભૃણહત્યા કરી, આ કૃત્ય નારી માફ નહીં કરે

2026-04-18 21:18:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસની માનસિકતા અને નિષ્ફળતાઓ ગણાવી હતી. આ ઉપરાંત સીમાંકન બિલ મુદ્દે પણ વાત કહી હતી. માત્ર કોંગ્રેસ જ નહીં વિપક્ષના ઈરાદા અને હેતુ અંગે દેશવાસીઓને સંબંધિત કર્યા હતા. તેમણે બિલને લઈને માફી માગવાથી સંબોધનની શરૂઆત કરી હતી.

કહ્યું હતું કે, હું તમામ માતાઓ-બહેનોની માફી માંગુ છું. મારા માટે દેશહિત સર્વોપરી છે, જ્યારે કેટલાક લોકો માટે રાજકીય પક્ષનું હિત સર્વસ્વ બની જાય છે. પક્ષનું હિત દેશના હિત કરતાં મોટું થઈ જાય છે. ત્યારે નારી શક્તિને જ તેનો ભોગ બનવું પડે છે.

નારીશક્તિ વંદન સંશોધન બિલ સમયની માગ

કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે જેવા વિરોધ પક્ષો આ ભ્રૂણહત્યાના ગુનેગાર છે. તેઓ દેશના બંધારણના અપરાધી છે. નારી શક્તિના અપરાધી છે. જે લોકોએ અડધી વસતીનો અધિકાર છીનવી લીધો, તેમને આ પાપની સજા મળશે. નારી શક્તિ વંદન સંશોધન સમયની માગ છે.નારી શક્તિ વંદન સંશોધન તમામ રાજ્યોની શક્તિમાં સમાન વૃદ્ધિનો પ્રયાસ છે.

આ સંસદમાં તમામ રાજ્યોના અવાજને વધુ શક્તિ આપવાનો પ્રયાસ છે. રાજ્યની વસતી ઓછી હોય કે વધારે, તમામ રાજ્યોને સમાન રીતે શક્તિ આપવાનો પ્રયાસ હતો. આ ઈમાનદાર પ્રયાસને કોંગ્રેસ અને સાથી વિપક્ષોએ સમગ્ર દેશની સામે હત્યા કરી નાંખી. આ કોંગ્રેસ સહિતના વિપક્ષો આ ભૃણહત્યાના ગુનેગાર છે. બંધારણના ગુનેગારો છે. નારીશક્તિના અપરાધીઓ છે. 

કોંગ્રેસની નફરત ધરાવતી વિચારધારા

કોંગ્રેસ મહિલા અનામતના વિષયથી જ નફરત કરે છે. કારણ કે મહિલા અનામતને રોકવા માટે કાવતરા કર્યા છે. આ દિશામાં પહેલા જેટલા પ્રયાસ થયા એ દરેક પ્રયાસમાં વાંધા કાઢ્યા અને વિધ્ન ઊભા કર્યા. મહિલા અનામતને રોકવા માટે એક પછી એક નવા જુઠ્ઠાણાનો સહારો લીધો, પહેલા સંખ્યાને લઈ તો ક્યારેક બીજી રીતે વિપક્ષે દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આવું કરીને વિપક્ષે ભારતની નારી શક્તિ સામે પોતાનો અસલી રંગ અને ચહેરો સામે ઉઘાડો કરી દીધો છે.  મને વ્યક્તિગત રીતે આશા હતી કે, કોંગ્રેસ દાયકોની ભૂલ સુધારશે, કોંગ્રેસે મહિલાઓની સાથે ઊભા રહેવાનો મોકો ગુમાવી દીધો. 

મોટાભાગના રાજ્યોમાં અસ્તિત્વ ગુમાવ્યું

દેશના મોટાભાગના રાજ્યોમાં પોતાની અસ્તિત્ત્વ ગુમાવી ચૂકેલી પાર્ટી છે. કોંગ્રેસ એવું પણ નથી ઈચ્છતી કે, સ્થાનિક રાજકીય પક્ષોની શક્તિ વધે, કોંગ્રેસે આ બિલનો વિરોધ કરાવીને અનેક નાની રાજકીય પાર્ટીઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષ આટલા વર્ષો સુધી દર વખતે એક જ પ્રકારના બહાના અને તર્ક રજૂ કરતા આવ્યા છે.

કોઈને કોઈ ટેકનિકલ પેચ ફસાવીને મહિલાઓના અધિકાર અટકાવતા રહ્યા છે. દેશ રાજનીતિની બદલતી રીત સમજી રહ્યો છે અને આ પાછળનું કારણ પણ જાણી ચૂક્યો છે. નારીશક્તિ અધિનિયમ વંદન પાછળ પરિવારવાદી વિચારધારાને ડર છે કે, આ પરિવારવાદી વિચારધારાની પાર્ટીનું નેતૃત્વ જોખમમાં આવી જશે. 

દેશની માતા બહેનો ક્યારેય માફ નહીં કરે

આજે પંચાયત અને લોકલ બોડી જે હજારો લાખો મહિલાઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે એ રીતે આગળ વધીને લોકસભા અને વિધાનસભામાં આવવા માગે છે, દેશની સેવા કરવા માગે છે. સીમાંકન બાદ મહિલાઓનું કદ વધશે, બેઠક વધશે, આ માટે આ લોકોએ નારીશક્તિ વંદનનો વિરોધ કર્યો છે. દેશની નારી શક્તિ કોંગ્રેસ અને સાથી વિપક્ષ આ માટે ક્યારેય માફ નહીં કરે.

કોંગ્રેસ અને એમના સાથી વિપક્ષ સતત જુઠ્ઠુ બોલી રહ્યા છે. આ બહાને વિભાજનની આગને સળગાવવા માટે છે. આ સંશોધન બિલ તમામ પક્ષ અને તમામ રાજ્ય માટે એક અવસર હતો. આ બિલ પાસ થાત તો તમિલનાડુ, યુપી, કેરળ અનેક રાજ્યની બેઠક વધી જાય, સ્વાર્થવૃતિને કારણે વિપક્ષે પોતાના રાજ્યના લોકો સાથે છળકપટ કર્યું છે. 

રાજ્યો પાસે આ બિલને લઈ મોટી તક હતી

તમિલનાડુ પાસે પણ આ ચાન્સ હતો, તમિલનાડુનો અવાજ મજબૂત થઈ શકે એમ હતો. પણ મોકો ગુમાવી દીધો. તૃણમૂલ કોંગ્રેસ પાસે પણ આ મોકો હતો જે એમને ગુમાવી દીધો, સમાજવાદી પાર્ટી પાસે પણ ચાન્સ હતો જેની છબી મહિલા વિરોધી હતી. આ છબી ઉજળી કરવાનો ચાન્સ હતો, પણ એવું કર્યું નહીં, સપાએ નારી શક્તિ વંદનનો વિરોધ કરીને લોહીયાજીના સપના પર પાણી ફેરવી દીધું.

યુપી અને દેશની મહિલાઓ આ વાત ક્યારેય નહીં ભૂલે, મહિલા અનામતનો વિરોધ કરીને કોંગ્રેસે ફરી એકવાત સિદ્ધ કરી છે કે, કોંગ્રેસ એક એન્ટી રીફોર્મ પાર્ટી છે. વિકસિત ભારત માટે જે પણ નિર્ણય, જે રીફોર્મ જરૂરી છે, જે નિર્ણય દેશ લઈ રહ્યો છે, કોંગ્રેસ એ તમામનો વિરોધ કરી રહી છે. ફગાવી દે છે. 

વિકાસના દરેક કામમાં નકારાત્મક વિચારધારા

એ દરેક વિકાસના કામમાં ખલેલ પહોંચાડે છે. આ જ કોંગ્રેસનો ઈતિહાસ છે અને નેગેટિવ પોલિટિક્સ છે. આ એ જ કોંગ્રેસ છે. જેણે જનધન, આધાર જેવા સ્ત્રી શક્તિનો વિરોધ કર્યો. ડિજિટલ પેમેન્ટ અને જીએસટીનો વિરોધ કર્યો. ગરીબો માટેના અનામતનો વિરોધ કર્યો.

ત્રણ તલાકના કાયદાનો પણ વિરોધ કર્યો, આર્ટીકલ 370 દૂર કરવાનો વિરોધ કર્યો, આપણું બંધારણ-કોર્ટ જે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી બતાવે છે, કોંગ્રેસ એનો પણ વિરોધ કરે છે. રીફોર્મનું નામ સાંભળતા જ વિરોધની તકતી લઈને દોડે છે. જેનાથી દેશ મજબૂત થાય છે એ દરેક કામમાં વિધ્ન ઊભું કરવા દરેક શક્તિ લગાવી દે છે. વન નેશન વન ઈલેક્શનનો વિરોધ, ઘુસણખોરીનો વિરોધ, SIRનો વિરોધ, શરણાર્થીઓને સુરક્ષા દેનારા સીએએનો વિરોધ, આના પર ખોટું બોલીને બબાલ કરાવી દીધી. 

ખોટું બોલો અને ભ્રમ ફેલાવોનું વલણ

કોંગ્રેસ માઓવાદી નક્સલીને ખતમ કરવા પણ વિધ્ન ઊભું કરે છે, રીફોર્મની વાત આવે ત્યારે ખોટું બોલો અને ભ્રમ ફેલાવો એવું વલણ અપનાવ્યું છે. કોંગ્રેસે કાયમ નેગેટિવ રસ્તો જ અપનાવ્યો છે. દેશ માટે જરૂરી નિર્ણય હોય છે એને કાર્પેટની નીચે નાંખી દે છે. આ વલણને કારણે ભારત એ ઊંચાઈ સુધી નથી પહોંચી શક્યો જે ઊંચાઈનો ભારત હકદાર છે.  

મોટાભાગના દેશ આપણાથી આગળ નીકળી ગયા. પણ કોંગ્રેસ દરેક રીફોર્મને રોકીને બેઠી હતી. અટકાવી દેવું અને ભટકાવી દેવું એ જ કોંગ્રેસનો સિદ્ધાંત અને વર્કકલ્ચર રહ્યું છે. કોંગ્રેસે પાડોશી દેશ સાથેના સંબંધોમાં વિવાદને અટાવી દીધો, કોંગ્રેસે ઓબીસી અનામતના નિર્ણયને 40 વર્ષ સુધી અટકાવી રાખ્યો, વન રેક વન પેન્શન પણ અટકાવી રાખ્યું કોંગ્રેસે આ પ્રકારના વલણથી દેશનું નુકસાન થયું છે. 

પરિણામ દેશને ભોગવવું પડ્યું

દરેક વિરોધ અને છળનું પરિણામ દેશે ભોગવ્યું છે. આજે દેશની સામે જેટલા પણ મોટા પડકારો છે. એ કોંગ્રેસના વલણથી પેદા થઈ છે. આ લડાઈ માત્ર એક કાયદાની નથી, આ લડાઈ કોંગ્રેસની એન્ટી રીફોર્મ માનસિકતાની સામે છે જેમાં માત્ર નકારાત્મકતા છે. મને એમાં કોઈ શંકા નથી કે, દેશની દીકરી અને માતા કોંગ્રેસની માનસિકતાને જવાબ આપીને રહેશે.  દેશની મહિલાઓના સપના તૂટવા પર સરકારની નિષ્ફળતા ગણાવે છે. પણ આ વિષય સફળતા કે નિષ્ફળતાનો હતો જ નહીં. સંસદમાં જ કહ્યું હતું, અડધી વસતીને એનો હક લેવા દો, આની ક્રેડિટ જાહેરાત આપીને આપી દેત. પણ કોંગ્રેસ પોતાના જુઠ્ઠાણા પર કાયમ રહી છે.

મારી સાથે દેશની મહિલાઓના આશીર્વાદ

નારી શક્તિને ભાગીદારી અપાવવાની લડાઈ દાયકાથી ચાલી રહી છે વર્ષો થી હું પણ આના માટે પ્રયાસ કરનારામાંથી એક છું. ઘણી મહિલાઓએ આ વિષય મારી સામે ઊઠાવ્યો છે. પત્ર દ્વારા મને આ વાત જણાવી છે. આજે તમે સૌ દુઃખી છો, હું પણ તમારા આ દુઃખથી દુઃખી છુ, આજે ભલે બિલ પાસ કરાવવા 66 ટકા મત નથી મળ્યા પણહું જાણું છું કે, દેશની 100 ટકા મહિલાઓના આશીર્વાદ અમારી સાથે છે. હું દેશની દરેક નારીને વિશ્વાસ અપાવું છું કે, મહિલા અનામતના રસ્તામાં આવતી મુશ્કેલીઓ દૂર કરીને રહીશું. અમારો વિશ્વાસ અડગ છે. હિંમત અડગ છે. ઈરાદો પણ સ્પષ્ટ છે.