Sat Apr 18 2026

Logo

પીએમ મોદીને  જૂનું મહિલા અનામત બિલ લાગુ કરવા પત્ર લખશે વિપક્ષ

2026-04-18 17:34:08
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: લોકસભામાં મહિલા અનામત સબંધી ત્રણ બિલો શુક્રવારે નામંજૂર થયા છે. તેમજ તેની બાદ ભાજપે વિપક્ષને મહિલા વિરોધી ગણાવ્યા છે. ત્યારે હવે વિપક્ષો પીએમ મોદીએ જૂનું મહિલા અનામત બિલ લાગુ કરવાની માંગ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની માટે પીએમ મોદીને પત્ર લખવામાં આવશે. તેમજ આ અંગે અલગ અલગ પ્રદેશના મીડિયા સંબોધન કરવામાં આવશે. જેમાં નવા મહિલા અનામત બિલની આડમાં દેશના રાજકીય નકશાને બદલવાના સરકારના  બદઈરાદાને ખુલ્લો પાડવામાં આવશે. 

પડતર મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કરવા વિનંતી

આ દરમિયાન સોનિયા ગાંધીએ તેમના તમામ સાથી પક્ષોનો આભાર માન્યો હતો. જ્યારે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને સોમવારે જ લાંબા સમયથી પડતર મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કરવા વિનંતી કરી છે .  તેમણે કહ્યું કે આ બિલ  જેના પર પહેલાથી જ તમામ રાજકીય પક્ષોની સર્વસંમતિ છે  તેને તાત્કાલિક રજૂ કરવું જોઇએ. પ્રિયંકા ગાંધીના મતે જો સરકાર આ બિલ લાવશે તો વિપક્ષ તેનો સંપૂર્ણ ટેકો આપશે.

અમિત શાહે વિપક્ષ પર  મહિલા અનામત બિલ અટકાવવાનો આરોપ મૂક્યો 

લોકસભામાં મહિલા અનામત સબંધી ત્રણ બિલો શુક્રવારે નામંજૂર  થતા ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર મહિલાઓને 33 ટકા અનામત આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલા સુધારાને અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ  રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓનું કહેવું છે કે તેઓ અનામતનો વિરોધ કરતા નથી પરંતુ તેને સીમાંકન સાથે જોડવું એ ચૂંટણી માળખામાં ફેરફાર કરવાનું કાવતરું છે. ત્યારબાદ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી કે સરકાર આ સમયે અન્ય સંબંધિત બિલો સાથે આગળ વધશે નહીં. 

ભવિષ્યમાં વિપક્ષને ભારે કિંમત ચૂકવવી પડશે

ઉલ્લેખનીય છે કે, આજે કેબિનેટ બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને દોષીત કહીને મહિલાઓ માટેના અનામત બિલને સમર્થન ના આપવા માટે મહિલાઓ વિરૂદ્ધ કામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષની આ વિચારસરણીને મહિલા વિરોધી ગણાવી હતી. આ સાથે ચેતવણી આપી કે, ભવિષ્યમાં વિપક્ષને ભારે કિંમત ચૂકવવી પડશે. એટલું જ નહીં પરંતુ પીએમ મોદીએ એ વાત પર જોર આપ્યું કે, વિપક્ષના આવા વલણના મેસેજને દરેક વ્યક્તિ અને ગામ સુધી પહોંચાડવો જોઈએ. જેથી લોકોને ખબર પડે કે, વિપક્ષ મહિલાઓ પ્રત્યે કેટલી નકારાત્મક વિચારસરણી રાખે છે.