Mon Aug 17 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ સંઘને કાબૂમાં લેવાના ખડગેના ઉધામાનું કારણ શું?

2026-08-15 08:24:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર આવી ત્યારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે કોઈ ને કોઈ મુદ્દે ઘર્ષણ થયા કરે છે. હવે ડી. કે. શિવકુમાર સરકારે કર્ણાટક રેગ્યુલેશન ઓફ યુઝ ઓફ ગવર્નમેન્ટ પ્રીમાઈસીસ એન્ડ પબ્લિક પ્રોપર્ટી બિલ, 2026 ને મંજૂરી આપતાં આ ઘર્ષણ તીવ્ર બને એવાં એંધાણ છે. 

આ બિલ વિધાનસભામાં પસાર થશે તો કોઈ પણ સંસ્થા કે સંગઠને સ્કૂલો, બગીચા અને મેદાનો સહિતની સરકારી માલિકીની તમામ જાહેર મિલકતોમાં સભાઓ, રેલીઓ કે કોઈ પણ પ્રકારના અન્ય કાર્યક્રમ માટે પહેલાંથી સરકારી મંજૂરી લેવી થઈ જશે.સૂચિત કાયદામાં `અનરિજસ્ટર્ડ એન્ટિટીઝ' એટલે કે નોંધાયા વિનાનાં સંગઠન-સંસ્થા શબ્દ વપરાયો છે એ સૂચક છે કેમ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નોંધાયેલી સંસ્થા કે સંગઠન નથી.

આ મંજૂરી રાજ્ય સરકાર આપશે કે સ્થાનિક વહીવટી તંત્ર પણ આપી શકશે કે કેમ એ સ્પષ્ટતા નથી કરાઈ, પણ આ કાયદો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ભીંસમાં લેવા માટે લવાઈ રહ્યો હોવાનું સ્પષ્ટ છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે કર્ણાટકના ગૃહ મંત્રી છે. 

પ્રિયાંક ખડગેએ આપેલી માહિતી પ્રમાણે, કર્ણાટક કેબિનેટે મંજૂર કરેલું કર્ણાટક રેગ્યુલેશન ઓફ યુઝ ઓફ ગવર્નમેન્ટ પ્રીમાઈસીસ એન્ડ પબ્લિક પ્રોપર્ટી બિલ, 2026  ખાનગી વ્યક્તિઓ, સંગઠનો, સંગઠનો અને સમાજો દ્વારા સરકારી સંકુલો અને જાહેર સંપત્તિના ઉપયોગનું નિયમન અને સંચાલન કરવા લવાઈ રહ્યું છે. સરકારી જમીનો, ઇમારતો, રમતનાં મેદાનો, બગીચા, રસ્તા અને અન્ય જાહેર સંપત્તિઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ થાય અને દુરપયોગ અટકે એ આ બિલનો ઉદ્દેશ છે. 

પ્રિયાંક ખડગેએ આ બિલ સંઘને ધ્યાનમાં રાખીને લવાઈ રહ્યું હોવાની વાતને બકવાસ ગણાવીને સવાલ કર્યો છે કે, દરેક વ્યક્તિ એવું કેમ વિચારી રહી છે કે આ બિલ કોઈ ચોક્કસ સંસ્થા, સંગઠન, સંગઠન, સમાજ, ક્લબ, યુનિયન, સિન્ડિકેટ અથવા એનજીઓને બંધ કરાવવા કે નિયંત્રિત કરવા માટે લવાઈ રહ્યું છે? ખડગે ભલે કાલા થઈ રહ્યા હોય પણ આ બધા ઉધામા સંઘને ધ્યાનમાં રાખીને કરાઈ રહ્યા છે એ સ્પષ્ટ છે. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નોંધાયેલી સંસ્થા કે સંગઠન નથી તેથી આ કાયદો અમલી બને તો સંઘ સરકારી જગા પર સત્તાવાર રીતે સભા કે બીજા કોઈ કાર્યક્રમ માટે અરજી ના કરી શકે.  સૌથી વધારે અસર સંઘની દરરોજ યોજાતી શાખાઓ પર પડે કેમ કે ઘણી શાખાઓ સરકારી સ્કૂલો, જાહેર બગીચા કે મેદાનોમાં થાય છે. ટૂંકમાં આ કાયદાની આડમાં કોંગ્રેસ સરકાર સંઘની મેથી મારવાનો કાર્યક્રમ પૂરજોશમાં શરૂ કરી શકે. 

સંઘને તેનાથી બહુ ફરક પડતો નથી. કૉંગ્રેસ હજુ એવા ભ્રમમાં જ જીવે છે કે, સંઘ 100 વર્ષ પહેલાં રચાયું ત્યારે પાંચ-પચ્ચીસ સ્વંયસેવકોથી ચાલતું સંગઠન હતું એવું ને એવું જ છે. વાસ્તવમાં સંઘ 100 વર્ષમાં બહુ બદલાયો છે ને તેની તાકાત અનેક ગણી વધી છે. સંઘ પાસે અત્યારે કરોડો સ્વયંસેવકો છે અને અબજોનું ફંડ છે. 

પહેલાં રૂપિયા નહોતા ત્યારે સંઘે જાહેર મેદાનો, બગીચા વગેરે સ્થળે કાર્યક્રમો કરવા પડતા પણ અત્યારે એવી સ્થિતિ નથી. અત્યારે દેશભરમાં સંઘ પાસે કોર્પોરેટ કંપનીઓને ટક્કર મારે એવાં હેડક્વાર્ટર્સ છે ને તેમાં અંજાઈ જવાય એવા હોલ, ઓડિટોરિયમ્સ છે તેથી નાના નાના કાર્યક્રમો માટે તો સંઘે બહાર જવાની જરૂર જ નથી પડતી. 

હજારો લોકો ભેગા થવાનાં હોય એવા મોટા કાર્યક્રમો માટે સંઘને મોટાં મેદાન વગેરેની જરૂર પડે પણ સંઘ પોતાની રીતે ખાનગી મેદાનો ભાડે લઈ શકે એટલો આર્થિક સધ્ધર છે જ. આ કાયદો આખા દેશમાં નહીં પણ કર્ણાટકમાં જ લાગુ થશે ને કર્ણાટકમાં જ સંઘ પાસે એવા ખમતીધર માણસો છે જ કે જે ગમે તેવાં મોટાં મેદાનો ભાડે લઈ શકે. સંઘ સાથે સંકળાયેલા લોકોની શૈક્ષણિક સંસ્થાઓ ને સંઘની પોતાની સંસ્થાઓ પાસે પણ એવાં મેદાનો કે બીજી સવલતો છે જ કે જ્યાં ગમે તેવા કાર્યક્રમ કરી શકાય. સંઘ સાથે સંકળાયેલાં લોકોની સંસ્થાઓ, સ્કૂલો વગેરેમાં નિયમિત શાખાઓ પણ કરી જ શકાય. 

આ કારણે શિવકુમારની સરકાર ગમે તેવો કાયદો લાવે, સંઘને રતિભાર ફરક પડતો નથી પણ સવાલ ફકત પડે કે ના પડે તેનો નથી પણ માનસિકતાનો છે. પ્રિયાંક ખડગે લાંબા સમયથી સંઘની પાછળ આદુ ખાઈને પડ્યા છે. ગયા વરસે તો તેમણે સિદ્ધારમૈયા સરકારને પત્ર લખીને આરએસએસની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ખડગેએ આક્ષેપ મૂકેલો કે, આરએસએસ પર ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં સામેલ છે તથા યુવાનો-દેશની એકતા અને અખંડિતતા માટે જોખમી બનાવવા માટે ઉશ્કરે છે. 

પ્રિયાંક ખડગેએ એ વખતે સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ સ્કૂલો, સરકારી રમતનાં મેદાનોમાં સંઘની શાખાઓને મંજૂરી ન આપવા તેમજ સરકારી માલિકીના મંદિરોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી, ખગડેનો આક્ષેપ છે કે, સંઘ તેની પ્રવૃત્તિઓ દ્વારા નફરતના બીજ વાવે છે અને તેના કાર્યકરો પોલીસની પરવાનગી વિના લાકડીઓ લઈને ફરે છે તેથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ કરે છે. 

ખડગે ત્યારે સરકારમાં નહોતા એટલે કશું કરી શક્યા નહોતા પણ સિદ્ધરામૈયા મુખ્યમંત્રીપદે ગયા ને શિવકુમાર સત્તાનશીન થયા પછી ખડગેને ગૃહ ખાતું મળતાં તેમણે સંઘને ટાર્ગેટ કરવાનું ફરી શરૂ કરી દીધું. ખગડેએ સરકારી સ્કૂલોમાં શાખા પર પ્રતિબંધ માટે ફતવો બહાર પાડેલો પણ હાઈ કોર્ટે તેને ફગાવી દેતાં હવે કાયદાનું તૂત ઊભું કર્યું છે.
 
ખડગે નહેરુ-ગાંધી ખાનદાનની ચાપલૂસીના ભાગરૂપે આ બધું કરી રહ્યા છે એ કહેવાની જરૂર નથી. રાહુલ ગાંધીની પિન સંઘ પર ચોંટેલી છે અને ગમે તે બહાને સંઘ પર પ્રહારો કર્યા જ કરે છે. સંઘની વિચારધારા દેશ માટે ખતરનાક છે એવી બધી વાતો કરીને સંઘને નેસ્તનાબૂદ કરવાની હાકલ પણ રાહુલ કરી રહ્યા છે. પ્રિયાંકની મનસા ભવિષ્યમાં મુખ્ય પ્રધાન બનવાની છે ને કૉગ્રેસમાં નહેરુ-ગાંધી ખાનદાનની મહેરબાની હોય તો મુખ્ય પ્રધાનપદ મળે તેથી પ્રિયાંક રાહુલની ચાપલૂસીમાં કોઈ કસર છોડી રહ્યા નથી. ચા કરતાં કીટલી વધારે ગરમ હોય એ હિસાબે રાહુલ કરતાં પણ વધારે ગરમી બતાવીને સંઘનો વિરોધ કરી રહ્યા છે. 

આ દેશમાં લોકશાહી છે તેથી પ્રિયાંકને પોતાની માન્યતા ધરાવવાનો અધિકાર છે પણ સામે સંઘને પણ પોતાની વિચારધારાનો અધિકાર છે. સંઘની વિચારધારા દેશ માટે ખતરનાક છે કે ગેરકાયદેસર કામો કરે છે એ પણ કૉંગ્રેસનો મત છે ને તેના મતને કારણે સંઘ પર પ્રતિબંધ મૂકવા કે નિયંત્રણો મૂકવાં એ લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કર્ણાટકની કૉંગ્રેસ સરકાર કાયદાની આડમાં આ પ્રવૃત્તિ કરી રહી છે.