Mon Oct 05 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ કરીના કપૂર 45 વર્ષની ઉંમરે પણ હજી પડકારજનક ભૂમિકા માટે નિર્માતા-દિગ્દર્શકોની પહેલી પસંદ

2026-09-11 09:13:11
Author: Umesh Trivedi
મનોરંજનનું મેઘધનુષઃ કરીના કપૂર 45 વર્ષની ઉંમરે પણ હજી પડકારજનક ભૂમિકા માટે નિર્માતા-દિગ્દર્શકોની પહેલી પસંદ

ઉમેશ ત્રિવેદી


કપૂર પરિવાર એ ફિલ્મ દુનિયાનું સૌથી મોટું ખાનદાન છે. આ કુટુંબમાંથી અનેક કલાકારો આવ્યા છે અને તેમણે વર્ષો સુધી બોલિવૂડ પર રીતસરનું રાજ કર્યું છે. કપૂર ખાનદાનની પુત્રીઓ ફિલ્મમાં અભિનય ન કરે એવો તેમનો નિયમ, પણ આ નિયમ કરિશ્મા કપૂર અને ત્યાર પછી તેની નાની બહેન કરીનાએ  તોડ્યો. કરિશ્મા કપૂરે અનેક હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. એ જ રીતે કરીનાએ પણ અનેક હિટ ફિલ્મો આપી છે.


જોકે કરીના કપૂરની કારકિર્દી પહેલાંથી જ વિવાદોથી ભરેલી રહી છે. કરીનાની અભિનય કારકિર્દીની પહેલી ફિલ્મ હતી રાકેશ રોશન દિગ્દર્શિત‘કહો ના પ્યાર હૈ’.આ ફિલ્મમાં હૃતિક રોશન અને કરીનાની જોડી હતી. કરીનાએ થોડો સમય એ ફિલ્મમાં કામ કર્યું, પણ પછી આટલા સફળ દિગ્દર્શક અને સફર બૅનરની ફિલ્મ છોડી દીધી અને કારણ આપ્યું કે ફિલ્મમાં નિર્માતા-દિગ્દર્શક પુત્રને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે એટલે હું આ ફિલ્મ છોડી રહી છું. પાછળથી એ ફિલ્મમાં કરીનાનો રોલ અમિષા પટેલે કર્યો અને ફિલ્મ સુપર-ડુપર હિટ નીવડી.


કારકિર્દીની શરૂઆતમાં જ આવા મોટા બૅનરની ફિલ્મ પોતે છોડી દેવીએ એક અભિનેત્રી માટે ખૂબ મોટો નિર્ણય કહેવાય, પણ કરીનાએ કે કર્યું. જોકે પાછળથી તેણે હૃતિક રોશન સાથે બીજી ફિલ્મો કરી અને એક સમયે હૃતિક અને કરીનાનું પ્રેમ પ્રકરણ પણ ખૂબ ગાજયું હતું.
 

કરીનાને ત્યાર પછી બીજી ફિલ્મ જે. પી. દત્તાની ‘રફ્યુજી’ મળી. આ ફિલ્મમાં તે અને અભિષેક બચ્ચન બંને નવોદિત કલાકાર હતાં. આ બંનેની આ પહેલી જ ફિલ્મ હતી, પણ બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ જરાય ચાલી નહોતી, પણ કરીનાના ભિનયના ખૂબ જ વખાણ થયાં હતાં.


એક તરફ એની ફિલ્મ નિષ્ફળ ગઈ અને બીજી તરફ હૃતિક રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ જબરી હિટ સાબિત થઈ હતી. જોકે ફિલ્મની નિષ્ફળતાની કરીના કપૂર પર જરાય અસર થઈ નહોતી. તેને મોટા બૅનરની એક પછી એક ફિલ્મો મળ્યા કરતી હતી અને તે સતત આગળ વધ્યા કરતી હતી. બબિતા અને રણધીર કપૂરની આ પુત્રીએ ફિલ્મોમાં અભિનયની શરૂઆત એક ગામડાની ગોરી (રેફ્યુજી)થી કરી, પણ પછી તેણે એક બોલ્ડ (કભી ખુશી કભી ગમની પૂ), ચમેલી (દેહનો વ્યાપાર કરનારી ક્ધયા) અભિનેત્રી તરીકે નામના મેળવી હતી.


કરીનાએ પોતાની ફિલ્મ કારકિર્દી દરમિયાન ચારેય ખાન (પાંચમો ફરદીન ખાન) સાથે સફળ ફિલ્મો આપી છે. શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન અને સૈફ અલી ખાન સાથેની ફિલ્મોમાં તેણે અભિનેત્રી તરીકે પોતાની એક અલગ જ છાપ છોડી છે. એક અભિનેત્રી તરીકે તેણે છ-છ ફિલ્મફેર એવૉર્ડ મેળવ્યા છે. તેમાં તેની પ્રથમ ફિલ્મ ‘રફ્યુજી’, પછી ‘ચમેલી’, ‘દેવ’, ‘ઓમકારા’, ‘જબ વી મેટ’ અને ‘વી આર ફૅમિલી’નો સમાવેશ થાય છે.


કરીના કપૂરે ચાર (પાંચ) ખાન ઉપરાંત બધા જ ટોચના કલાકારો સાથે અભિનય કર્યો છે. હીરોલક્ષી ફિલ્મમાં પણ તેની નોંધ લેવામાં આવી છે. અક્ષય કુમાર, અજય દેવગણ, અર્જુન કપૂર, અજુર્ર્ન રામપાલ, શાહિદ કપૂર, તુષાર કપૂર, હૃતિક રોશન, અભિષેક બચ્ચન, વિવેક ઑબેરૉય, અક્ષય ખન્ના સહિત અનેક કલાકારો સાથે કામ કર્યું છે.
 

કરીના કપૂર અને શાહિદ કપૂરનું પ્રેમપ્રકરણ પણ એક સમયે ‘ટૉક ઑફ ધ ટાઉન’ હતું, પણ કરીનાએ શાહિદના સ્થાને પોતાનાથી ઉંમરમાં 10 વર્ષ મોટા એવા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં છે. કરીના-સૈફનાં બે સંતાન છે તૈમુર અને જહાંગીર. કરીના- સૈફને 2012માં પરણી ત્યારે ખૂબ હોબાળો થયો હતો. પણ કરીનાએ પોતાના ધર્મ સાથે કોઈ બાંધછોડ કરી નથી અને આજેય તે હિન્દુ ધર્મનું પાલન કરે છે.


આગામી અઠવાડિયે એટલે કે 18મી સપ્ટેમ્બરે કરીના કપૂરની પૃથ્વીરાજ સુકુમારન સાથેની ‘દાયરા’ ફિલ્મ રજૂ થઈ રહી છે. આ ફિલ્મની દિગ્દર્શિકા મેઘના ગુલઝાર છે અને કરીનાની ભૂમિકા સાવ જ અલગ છે. સત્ય ઘટના પર બનેલી આ ફિલ્મ સસ્પેન્સ ક્રાઇમ થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ અને કરીના બંને નાયબ પોલીસ કમિશનરની ભૂમિકા ભજવી રહ્યા છે, પણ આ બંને એકબીજાના કટ્ટર હરીફ તરીકે રજૂ કરવામાં આવ્યા છે.


કરીના કપૂર બોલ્ડ, બિન્ધાસ્ત, ઇમોશનલ કે બધા જ પ્રકારની ભૂમિકાઓમાં દીપી ઊઠે છે અને એક સમયે તે બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ સ્ટાર રહી ચૂકી છે. પચીસ વર્ષની કારકિર્દીમાં કરીનાએ મલ્ટી સ્ટારર ફિલ્મોથી માંડીને બે કે ત્રણ અભિનેત્રીઓવાળી ફિલ્મ ઉપરાંત સોલો હીરોઇન તરીકેની ફિલ્મો કરી છે. તેની કારકિર્દીની સફળ ફિલ્મોમાં ‘કભી ખુશી કભી ગમ’, ‘મુજે કુછ કહના હૈ’, ‘અજનબી’, ‘ચમેલી’, ‘યવિ’, ‘દેવ’, ‘ઐતરાઝ’, ‘હલચલ’, ‘ચૂપ ચૂપ કે’, ‘36 ચાઇના ટાઉન’, ‘ઓમકાર’, ‘ગોલમાલ સિરીઝ’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘બૉડીગાર્ડ’, ‘રા-વન’, ‘બજરંગી ભાઈજાન’, ‘ગુડ ન્યુઝ’, ‘સિંઘમ રિટર્ન્સનો સમાવેશ થાય છે.


2012માં  સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં અને 2016માં ‘કી એન્ડ કા’ ફિલ્મમાં તેણે ચુંબન દૃશ્યોે સહિત અનેક બોલ્ડ દૃશ્યો અર્જુન કપૂર સાથે ભજવ્યાં ત્યારે હોબાળો થયો હતો, પણ પછી ધીમે-ધીમે બધું થાળે પડી ગયું હતું. પૃથ્વીરાજ સુકુમારન સાથેની તેની ‘દાયરા’ ફિલ્મ લગભગ બે વર્ષ પછી રજૂ થઈ રહી છે. કરીના છલ્લે ‘ક્રૂ’માં દેખાઈ હતી, જેમાં તેની સાથે તબ્બુ અને ક્રીતી સેનન હતી. ત્યાર પછી તેની અજય દેવગણ સાથેની ‘સિંઘમ અગેઇન’ આવી હતી.


હવે બે વર્ષ પછી કરીનાની ફિલ્મ રજૂ થઈ રહી છે ત્યારે તેના ચાહકો ખૂબ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 45 વર્ષની ઉંમરે હજી મુખ્ય અભિનેત્રીની ભૂમિકા મેળવતી કરીના એ વાત નસીબદાર છે કે હજીય સારી અને પડકારજનક ભૂમિકા માટે તેની પસંદગી કરવામાં આવે છે.


OTTનું હોટસ્પોટઃ 12થી 18 સપ્ટેમ્બર સુધી શું જોશો?


સોની લીવ અને સોની સ્પોર્ટસ ચૅનલ પર 13 સપ્ટેમ્બરે મહિલા એશિયા કપની ફાઇનલનું પ્રસારણ જોવા મળશે. ફાઈનલમાં ભારત-પાકિસ્તાનની ટીમ ટકરાય એવી અત્યારે શક્યતા છે. તો આવો હવે આપણે બીજી ઓટીટી ચૅનલના કાર્યક્રમ પર એક નજર નાખીએ.


જિયો હોટસ્ટાર: આ ચૅનલ પર 12 સપ્ટે. ઍનિમેટેડ સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ મોગલી’નું પ્રસારણ શરૂ થશે. આ સિવાય અહીં 13 સપ્ટેમ્બરે બીજી ઍનિમેટેડ ફિલ્મ ‘ચીકુ ઔર બંટી: કુસ્તી કી જંગ’ જોઈ શકાશે. અહીં 11 સપ્ટેમ્બરે (આજે) કૉમેડી ફિલ્મ ‘પ્રિન્સ ઑફ મોલીવૂડ’નું પ્રસારણ શરૂ થશે.


નેટફિલક્સ: આ ઓટીટી ચૅનલ પર 18 સપ્ટેમ્બરથી ‘લસ્ટ સ્ટોરીઝ - થ્રી’નું પ્રસારણ શરૂ થશે. વિક્રમાદિત્ય મોટવાની, કિરણ રાવ, શકુન બત્રા અને વિશાલ ભારદ્વાજ આ સિરીઝના કલાકારો રાધિકા આપ્ટે, કોંકણાસેન શર્મા, અદિતિ રાવ હદરી, રાધિકા મદાન, વિજય વર્મા, અલી ફઝલ, અભિષેક બૅનરજી અને સિદ્ધાર્થ છે.


ઝી ફાઈવ: અહીં આજે (શુક્રવારે) અર્શદ વારસી અને પ્રતીક ગાંધી અભિનીત ‘ધમાસાન’ જોઈ શકાશે. દિગ્દર્શન તિગ્માંશુ ધૂલિયાનું છે.

એમેઝોન પ્રાઇમ: નિખિલ અડવાણી દિગ્દર્શિત ‘ધ રિવોલ્યુશનરીઝ’નું આજથી પ્રસારણ શરૂ થઈ રહ્યું છે.