Wed Jul 08 2026

Logo

કવર સ્ટોરી : ક્વીન -2 માટે કંગનાને કેવી છે તાલાવેલી...

2026-07-03 10:04:00
Author: Hema Shastri
Article Image

 


છેલ્લાં 12 વર્ષમાં ડઝન ફ્લૉપ ફિલ્મો આપનારી અભિનેત્રીને સૌથી સફળ ફિલ્મની સિક્વલ સફળતાની સડક પર લાવશે એવી આશા તો  છે...

- હેમા શાસ્ત્રી

કંગના રનૌટની પહેલી ઓળખ બેશક હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અફલાતૂન અભિનેત્રીની છે, પણ સાથે સાથે એ ભારતીય જનતા પક્ષની સંસદ સભ્ય તરીકે પણ જાણીતી છે. વિધિની વક્રતા જુઓ કે 2006થી 2014 સુધી ચિત્રપટ સૃષ્ટિમાં બહુત અચ્છે દિનનો અનુભવ કરનારી કંગના ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ધૂઆંધાર હિટ થયા પછી સફળતાને તરસી રહી છે.

સની દેઓલના સંવાદ  ‘તારીખ પે તારીખ...’  જેવોે સિનારિયો રહ્યો છે કંગનાનો... છેલ્લાં 12 વર્ષમાં ફ્લૉપ પે ફ્લૉપ, ફ્લૉપ પે ફ્લૉપ, ફ્લૉપ પે ફ્લૉપ, ફ્લૉપ પે ફ્લૉપ મળતી રહી, પણ હિટ નથી મળી, માય ડિયર પ્રેક્ષક! મળી છે તો સિર્ફ ફ્લૉપ ફિલ્મો. કંગનાની કેટલીક ફિલ્મો તો કલેક્શનમાં 10 કરોડ સુધી પણ નથી પહોંચી શકી એ હદે કંગાળ સાબિત થઈ છે.

હજી 20 વર્ષ પહેલાં ‘ગેંગસ્ટર’ ફિલ્મથી અભિનયયાત્રા શરૂ કરનારી અભિનેત્રીની ઝોળી ચાર નૅશનલ એવૉર્ડ, પાંચ ફિલ્મફેર એવૉર્ડ, ત્રણ આઇફા એવૉર્ડ અને બીજા કેટલાક એવૉર્ડથી છલકાઈ રહી હોવા છતાં આજની તારીખમાં આ અફલાતૂન અભિનેત્રી પર ફ્લૉપ ઍક્ટ્રેસનું લેબલ લાગ્યું છે એ વાત વિચિત્ર તો જરૂર છે. અલબત્ત, પડદા પર એક વિલક્ષણ અભિનેત્રી સિદ્ધ થયેલી કંગનાએ એક વ્યક્તિ તરીકે જાહેર જીવનમાં લક્ષણનો દુકાળ હોય એવી છાપ અનેક વાર ઊભી કરી છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ (અંગત અને વ્યવસાયિક જીવન)માં આવો જબરદસ્ત વિરોધાભાસ બહુ જવલ્લે જ જોવા મળે છે.

સોશ્યલ મીડિયામાં તાજેતરમાં વાઇરલ થયેલા નાનકડા વીડિયો (શૉર્ટ્સ) અને કેટલાક ફોટોગ્રાફ્સ સાથે કંગનાએ ‘ક્વીન 2’નું શૂટિંગ આટોપી લીધું હોવાની ઘોષણા કરી છે. આ ફિલ્મ કંગનાની 2014માં આવેલી વિકાસ બહલ દિગ્દર્શિત ‘ક્વીન’ની સિક્વલ છે. ‘ગેંગસ્ટર’ની ધમાકેદાર શરૂઆત પછી ‘લાઇફ ઇન... આ મેટ્રો’, ‘ફૅશન’, ‘તનુ વેડ્સ મનુ’થી કંગના પાંચમાં પુછાવા લાગી હતી, પણ અવ્વલ દરજ્જાની અભિનેત્રીનો થપ્પો હજી નહોતો લાગ્યો. એવામાં આવી ‘ક્વીન’.

આ ફિલ્મમાં કંગનાનું પાત્ર રાની મેહરા નામની યુવતીનું હતું. લગ્ન લેવાનાં હોય છે એની પહેલાં એનો મંગેતર વિજય (રાજકુમાર રાવ) લગ્ન કરવાની ના પાડે છે. અણધારી અવસ્થામાં સપડાઈ ગયેલી રાની નથી રોકકળ કરતી કે નથી કકળાટ કરતી અને ‘હાય હાય હવે મારું શું થશે’ એવા નિસાસા તો જરાય નથી નાખતી. લગ્ન  પછી ફરવા જવાના બનાવેલા પ્લાનને કૅન્સલ કર્યા વિના એકલી હનીમૂન પર નીકળી પડે છે અને એક સશક્ત-મજબૂત મનોબળ ધરાવતી રાની તરીકે પાછી ફરે છે. રૂપાંતરથી આશ્ર્ચર્યચકિત થયેલો વિજય ન્યુ એન્ડ કૉન્ફિડન્ટ રાની સાથે લગ્ન કરવા ઉત્સુક છે, પણ હવે ના પાડવાનો વારો રાનીનો છે. ‘કંડિશન્સ અપ્લાઇડ’વાળા જીવનમાં નહીં પણ મારી મરજીની હું માલિક બની એ આગળ વધવા માગે છે.

12 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર 60 કરોડનો વકરો કરી જોરદાર સફળતાને વરી. સાથે સાથે કંગના અવ્વ્લ અદાકારા સાબિત થઈ. ફિલ્મને મોડર્ન ક્લાસિકનું લેબલ લાગ્યું અને કંગના ટૉપ ઍક્ટ્રેસ તરીકે સ્વીકારવામાં આવી.

‘ક્વીન’ની સિક્વલ ‘ક્વીન 2’ કંગનાનું વેરવિખેર થઈ ગયેલું રાજપાટ ફરી સ્થાપવામાં મદદરૂપ થશે એવી ગણતરી મૂકવામાં આવી રહી છે. પહેલી ફિલ્મમાં તરછોડાયા બાદ રાનીની સફર દર્શકોને આકર્ષવામાં સફળ રહી હતી. ‘ક્વીન 2’માં રાનીના જીવનનાં નવાં પ્રકરણ શું અને કેવાં હશે એનું કુતૂહલ સિને દર્શકોમાં જરૂર હશે. આ કુતૂહલ જ એમને થિયેટર સુધી ખેંચી લાવવામાં નિમિત્ત બનશે એવી આશા અસ્થાને નથી. એ જળવાઈ રહે અને કોઈ રસક્ષતિ ન થાય એ માટે સિક્વલની કથા અંગે મોઢા પર તાળાં મારી દેવામાં આવ્યાં છે. હા, કંગના કેટલીક સન્નારીઓ સાથે ગરબા-દાંડિયા રમી હોય એવો શૉર્ટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી દર્શકોને આચમની કરાવવામાં આવી છે.

બીજી તરફ, સિક્વલનું નામ ‘રાની ફોરએવર’ રાખવામાં આવશે એવી અટકળો વહેતી થઈ છે. એક અન્ય રસપ્રદ દલીલ એ કરવામાં આવી છે કે કંગનાને એકંદરે સિક્વલ ફળી છે. વિગતોથી વાત સ્પષ્ટ કરીએ. મોહિત સૂરી દિગ્દર્શિત ‘રાઝ 2’ (2009)માં કંગના હતી. 2002માં આવેલી ‘રાઝ’ની આ સિક્વલને સફળતા મળી હતી. ઇન્દ્ર કુમાર દિગ્દર્શિત ‘ડબલ ધમાલ’ (2011)માં કંગનાએ કામ કર્યું હતું. 2007ની ‘ધમાલ’ની સિક્વલ પણ બૉક્સ ઑફિસ પર સફળ રહી હતી. કંગનાએ 2012માં ‘શૂટઆઉટ એટ વડાલા’ ફિલ્મ કરી હતી. 49 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનોવકરો83 કરોડ હોવાનાઆધારભૂત અહેવાલ છે. સંજય ગુપ્તા દિગ્દર્શિત આ ફિલ્મ ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ (2007)ની પ્રિક્વલ હતી. રાકેશ રોશન - રિતિક રોશનની ‘ક્રિશ3’ (2012) 100 કરોડના બજેટમાં બની હતી અને 390 કરોડનો વકરો ઘરભેગો કરવામાં સફળ રહી હતી.

આ ફિલ્મ ‘ક્રિશ’ સિરીઝની ત્રીજી ફિલ્મ હતી. કંગનાની ખૂબ ગાજેલી ફિલ્મમાં ‘તનુ વેડ્સ મનુ’ (2011)નો સમાવેશ છે. 
એની સિક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ (2015)માં આવી અને મૂળ ફિલ્મ કરતાં  વધુ સફળતા એને મળી. બંને ફિલ્મમાં માધવન - કંગના લીડ રોલમાં હતાં. ટૂંકમાં સિક્વલ કંગના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એક મજેદાર વાત એ પણ છે કે ફ્લૉપના ઢગલામાં એક ફિલ્મ ઍવરેજ સાબિત થઈ હતી - ‘મણિકર્ણિકા: ઝાંસીની રાણી’ (2019). કંગના આ ફિલ્મની સિક્વલ બનાવવા માગે છે અને એ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

‘ક્વીન’ની સિક્વલ ‘ક્વીન 2’ કંગના માટેની સિક્વલની સફળતાનો સિલસિલો જારી રાખશે કે... પ્રેક્ષક માઈબાપજાણે!