Tue Oct 06 2026

Logo

કાંદિવલીમાં પાલિકાના કર્મચારીઓ પર હુમલો: પાંચની ધરપકડ

2026-03-07 20:04:00
Author: Yogesh C. Patel
કાંદિવલીમાં પાલિકાના કર્મચારીઓ પર હુમલો: પાંચની ધરપકડ

મુંબઈ: કાંદિવલીમાં ફેરિયાઓ વિરુદ્ધની ઝુંબેશ દરમિયાન પાલિકાના કર્મચારીઓ પર કથિત હુમલો કરવા પ્રકરણે પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી.

શનિવારે પકડાયેલા પાંચેયની ઓળખ કુલદીપ સિંહ (27), મહેન્દ્ર સિંહ ચુડાવત (31), શૌર્ય શૈલેષ ચારલા (29) જશ હિતેશ ચારલા (25) અને અસલમ ઈમ્તિયાઝ શેખ (27) તરીકે થઈ હતી.

મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓની ટીમે શુક્રવારની રાતે ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. લોખંડવાલા સર્કલ પરિસરમાં અડ્ડો જમાવીને બેસેલા ફેરિયાઓને ખસેડવા ગયેલી પાલિકાની ટીમ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

હુમલાખોરોથી બચવા કર્મચારીઓ ભાગી રહ્યા હોવાનું અને આરોપી તેમનો પીછો કરતા હોવાનું વીડિયોમાં નજરે પડ્યું હતું. બાદમાં આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

ફેરિયાઓને ખસેડવાની કામગીરીમાં જોતરાયેલી અર્થમૂવર મશીનના ડ્રાઈવરની પણ પીટાઈ કરવામાં આવી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું. આ પ્રકરણે સમતાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પાંચ જણને પકડી પાડવામાં આવ્યા હતા. (પીટીઆઈ)