થાણે: ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં કલ્યાણના 64 વર્ષના રહેવાસી સાથે 28 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.કલ્યાણ પશ્ચિમમાં રોનક સિટી ખાતે રહેતા સિનિયર સિટીઝને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પહેલી એપ્રિલથી સાત એપ્રિલ દરમિયાન તેને અજાણ્યા શખસે અનેક વૉટ્સઍપ વીડિયો અને ઑડિયો કૉલ્સ કર્યા હતા. આમાંથી મોટા ભાગના કૉલ્સ ઈન્ટરનૅશનલ નંબર પરથી આવ્યા હતા.
કૉલ કરનારા શખસે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને ફરિયાદીને તેનું બૅન્ક ખાતું મની લોન્ડરિંગના કેસ અને આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હોવાનું કહ્યું હતું, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.ફરિયાદીને ધરપકડની ચીમકી આપી આરોપીએ વેરિફિકેશન અને તપાસના ભાગ રૂપે નાણાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. દબાણ અને ડર હેઠળ ફરિયાદીએ કૉલ્સ દરમિયાન આરોપીએ આપેલા વિવિધ બૅન્ક ખાતાંમાં 27.9 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે આટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થઈ હતી.
આ પ્રકરણે સિનિયર સિટીઝનની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપીની ઓળખ મેળવવા પોલીસ ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલાં બૅન્ક ખાતાંની વિગતો પોલીસ પ્રાપ્ત કરી રહી છે. એ સિવાય કૉલ ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)