Tue Oct 06 2026

Logo

કલ્યાણમાં 40 લાખની રોકડની લૂંટ: 24 કલાકમાં છ આરોપી પકડાયા

2026-09-21 19:44:49
Author: Yogesh C. Patel
કલ્યાણમાં 40 લાખની રોકડની લૂંટ: 24 કલાકમાં છ આરોપી પકડાયા

એજન્સીના કર્મચારી અને ભૂતપૂર્વ કર્મચારીએ સાથીઓને માહિતી આપી લૂંટનું કાવતરું ઘડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ઉલ્હાસનગરની ફૂડ એજન્સીના કર્મચારી અને ભૂતપૂર્વ કર્મચારીએ બૅન્કમાં રોકડ ભરવા સંબંધી માહિતી સાથીઓને આપી લૂંટની યોજના બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સ્કૂટી પર જનારા બે કર્મચારીને ફટકારી 40 લાખની રોકડ લૂંટવાનો કેસ થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકમાં ઉકેલી છ આરોપીની ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપીઓની ઓળખ સોહેબ યુનુસ શેખ (24), સમીર અખ્તર શેખ (28), આફતાબ અસલમ ખાન (25), શાહનવાઝ ગફાર હસન અન્સારી (36), મુઝાહિદ અનવર ખાન (24) અને શાહીદ ઈસાક શેખ (19) તરીકે થઈ હતી. તેમની પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલી બે બાઈક અને રોકડ મળી અંદાજે 36.48 લાખ રૂપિયાની મતા હસ્તગત કરી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સોહેબ શેખ ઉલ્હાસનગરની ક્રાંતિ ફૂડ એજન્સીમાં કામ કરતો હોવાથી તેને કંપનીમાં જમા થયેલી રોકડ બૅન્કમાં કોણ કયા સમયે ભરવા જવાનું છે તેની સારીપેઠે જાણકારી હતી. એ સિવાય આરોપી સમીર પણ અગાઉ આ એજન્સીમાં કામ કરી ચૂક્યો હતો. એટલે કંપનીની રોકડ રોજ બૅન્ક ખાતામાં ભરવામાં આવતી હોવાની તેને ખબર હતી. પરિણામે બન્ને જણે મળીને લૂંટની યોજના બનાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર 15 સપ્ટેમ્બરની બપોરે એક વાગ્યાની આસપાસ એજન્સીના બે કર્મચારી 40 લાખ રૂપિયા એક રાષ્ટ્રીયકૃત બૅન્કની કલ્યાણ પશ્ર્ચિમ શાખામાં ભરવા સ્કૂટી પર જઈ રહ્યા હતા. કલ્યાણના સહજાનંદ ચોકથી થોડે આગળ સ્કૂટી પહોંચી ત્યારે બે બાઈક પર આવેલા ચાર શખસે બન્ને કર્મચારીને રોક્યા હતા. કર્મચારીઓની મારપીટ પછી રોકડ ભરેલી બૅગ ઝૂંટવી આરોપી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે બાજારપેઠ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી.

ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરા અને મળેલી માહિતીને આધારે પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં રહેતા આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપીઓએ અગાઉ પણ લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેમને સફળતા મળી નહોતી. ધરપકડ કરાયેલા છ આરોપીને કોર્ટે 22 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.