Mon Oct 05 2026

Logo

K-Dramaની ડિજિટલ લત: સ્ક્રીન પરનું `પરફેક્ટ' જીવન ને બાળકોની અધૂરી વાસ્તવિકતા?

2026-09-13 08:43:00
Author: Raj Goswami
K-Dramaની ડિજિટલ લત: સ્ક્રીન પરનું `પરફેક્ટ' જીવન ને બાળકોની અધૂરી વાસ્તવિકતા?

 

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં, ગાઝિયાબાદની ત્રણ બહેનની આત્મહત્યાએ દેશના પરિવારોને ઝકઝોરી નાખ્યાં છે. ત્રણે 12-14 અને 16 વર્ષની હતી. ત્રણેય તેમના બિલ્ડિંગના નવમા માળેથી એક સાથે કૂદી ગઈ હતી. તે ભણવામાં નબળી હતી અને `કોરિયન લવ ગેમ' પાછળ ગાંડી હતી. ત્રણે ખાવા-પીવાનું, નાહવાનું બધું જ સાથે કરતી હતી. મરી પણ સાથે જ ગઈ. તે અગાઉ બ્લુ વ્હેલ નામની એક કોરિયન ગેમ આવી હતી, જેમાં ટાસ્ક પૂરો કરતાં લોકો પોતાનો જીવ આપવા તૈયાર થઈ જતા હતા. તે પ્રકારની આત્મહત્યાના અનેક કિસ્સાઓ નોંધાયા છે. 

મોબાઇલ સ્ક્રીનો પર ચમકતી વાર્તાઓ, પરફેક્ટ ચહેરાઓ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ અને દરેક ક્ષણે સાથ આપવા માટે તૈયાર વર્ચ્યુઅલ પાત્રોએ તેમને વાસ્તવિક દુનિયાની જટિલતામાંથી છટકી જવાની સરળતા કરી આપી હતી. જ્યારે આ છટકી જવાનું આદત બની જાય છે ત્યારે વાપસી કઠિન બની જાય છે. ત્રણે બહેનો એવું માનતી હતી કે તે ખુદ `કોરિયન લવ ગેમ'નું પાત્ર છે અને ગેમની સ્ટોરી પ્રમાણે તેમણે મરી જવાનું છે!

ત્રણે બહેનને કોરિયન પોપ કલ્ચરની લત પડી ગઈ હતી અને તે એકલી નથી. ભારતમાં લાખો છોકરા-છોકરીઓ કે-ડ્રામા અને કે-પોપની પાછળ ગાંડા છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ હોય કે યુવા વ્યવસાયિકો- સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાતી સૂચિમાં કોરિયન સિરીઝ સૌથી વધુ લોકપ્રિય છે.

કોરિયન ડ્રામા (K-Drama) ખરેખર ખૂબ જ એડિક્ટિવ હોય છે. ઘણા લોકો તેને મજાકમાં `ખતરના K' કહે છે, કારણ કે એકવાર તમે જોવાનું શરૂ કરો, પછી તેને છોડવું મુશ્કેલ બની જાય છે. કે-ડ્રામામાં રોમાન્સ, થ્રિલર, ફેન્ટસી અને હિસ્ટોરિકલ જેવા અનોખા વિષયો પર વાર્તાઓ હોય છે જે તમને જકડી રાખે છે.

મોટાભાગના આવા ડ્રામા માત્ર 16 થી 20 એપિસોડના જ હોય છે, જેથી વાર્તા ખેંચાતી નથી અને ઝડપથી પૂરી થાય છે. કલાકારોની એક્ટિંગ અને ડાયરેક્શન એટલું સરસ હોય છે કે દર્શકો પાત્રો સાથે ઈમોશનલી જોડાઈ જાય છે. તેના ઓરિજિનલ સોંગ્સ અને સુંદર લોકેશન્સ જોવાની ખૂબ મજા આવે છે.

તેમાં કેવળ સંગીત અથવા અભિનય જ નથી, પરંતુ યોજનાપૂર્વક રચવામાં આવેલું ઈમોશનલ વર્લ્ડ છે. કે-પોપને કહેવાય છે તો મનોરંજન, પરંતુ તે એક `એન્જિનિયર્ડ ઈમોશનલ ઇકોસિસ્ટમ' છે- જ્યાં કલાકારોની ઈમેજ, તેમની કથિત નાજુકતા, (પ્લોટમાં જરૂર ન હોય તેવું ક્નટેન્ટ આપવાની) ફેન સર્વિસ, લાઈવ ઇન્ટરેક્શન અને લગાતાર અપડેટ્સ જોનારાની અંદર (આનંદના હોર્મોન) ડોપામાઇનનું કાયમી ચક્ર બનાવે છે. આ ચક્ર એ જ કરે છે જે એક વ્યસની કરે છે- ક્ષણિક રાહત, પછી વધુ માટેની ઇચ્છા. માનસશાસ્ત્ર તેને પેરાસોશિયલ રિલેશનશિપ કહે છે- એક એવો એક તરફી સંબંધ, જેમાં દર્શકોને એવું લાગે કે તેના કલાકારો અથવા વર્ચ્યુઅલ પાત્રો તેમની સાથે જોડાયેલાં છે, તેમને સમજે છે, તેમની જ વાત કરે છે- હકીકતમાં કોરિયન કસબીઓ વિષય, મ્યુઝિક અને ટેકનોલોજીના સહારે ઇરાદાપૂર્વક આ પ્રકારની `જીવંત દુનિયા' રચતા હોય છે.

`લવ ગેમ્સ' આ ભ્રમને વધારે ગંભીર બનાવે છે, કારણ કે અહીં પ્રતિક્રિયા મળે છે- નામ લઈને બોલાવવું, વિકલ્પ પસંદ કરીને વાર્તા બદલવી અને એક કૃત્રિમ નજીકપણું. મન તેને વાસ્તવિક સંબંધ માની લે છે. અહીંથી જ મનોરંજન લતમાં ફેરવાઈ જાય છે.

આ પૂરી પ્રક્રિયામાં અલગોરિધમની ભૂમિકા અવગણવા જેવી નથી. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એ બતાવે છે જે યુઝર્સને બાંધી રાખે- આગળનો એપિસોડ, આગળનું ગીત, આગળનું લાઈવ. તેની ભાવનાત્મક તીવ્રતા ધીરે-ધીરે વધતી જાય છે અને પાછળ વળવાનું બટન ધૂંધળું પડતું જાય છે. સવાલ એ નથી કે યુવાઓએ શું પસંદ કર્યું, સવાલ એ છે કે તેમના માટે શું- શું બનાવવામાં આવ્યું છે.  કે-પોપ અને કે-ડ્રામાના દરેક એપિસોડ અને કોરિયન લવ ગેમના દરેક સ્તરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે મગજને વારંવાર નાનાં નાનાં આનંદ મળે. અચાનક ઊભરતું સંગીત, ભાવુક સંવાદ, જીવસટોસટની બાજી પર પર સમાપ્ત થતા એપિસોડ અને ગેમમાં મળતા રિવોર્ડ- આ બધું મળીને ડોપામિનનું એવું ચક્ર બનાવે છે, જેમાં મગજ વારંવાર એ જ અનુભવને દોહરાવવા માગે છે. અહીંથી `બસ એક વધુ એપિસોડ' અથવા બસ પાંચ મિનિટ વધુની આદત જન્મ લે છે, જે પછી નિયંત્રણથી બહાર થઈ જાય છે.

કોરિયન ક્નટેન્ટની એક મોટી ખાસિયત એ છે કે તે પ્રેમને `સેફ' બનાવીને રજૂ કરે છે. વાસ્તવિક જીવનમાં સંબંધો જટિલ હોય છે-ભય, નકારાત્મક, નિષ્ફળતા અને સમજૂતીઓથી ભરેલા. તેનાથી વિપરીત, કે-ડ્રામા અને લવ ગેમની દુનિયામાં પ્રેમ સાફ, સંવેદનશીલ અને લગભગ પરફેક્ટ હોય છે. ત્યાં ભાવનાઓને સમય મળે છે, લોકો એકબીજાને સમજે છે અને દુ:ખ પણ સુંદર દેખાય છે. આ દુનિયા એવા યુવાઓ માટે શરણ બને છે જે વાસ્તવિક જીવનની કઠોરતાઓથી થાકેલા હોય છે.

ગાઝિયાબાદની ઘટના આપણને એક અગત્યની ચેતવણી આપે છે કે આ પ્રકારની લત નશાની જેમ દેખાતી નથી.  ઘણીવાર તો ગુલાબી રોશની, મધુર સંગીત અને મનોરંજનના નામે તે સ્વીકૃત પણ હોય છે. પરિવારો માટે સ્પષ્ટ સંકેત  છે કે વધુ પડતો સ્ક્રીનટાઈમ, સામાજિક અંતર, ઊંઘ અને ખાવાની પેટર્નમાં બદલાવ, ચીડિયો સ્વભાવ અને અસલી સંબંધોથી અરુચિ નવી પેઢીનો વિદ્રોહ નથી, મદદ માટેનો પોકાર છે.

અહીં એ પણ કહેવું જરૂરી છે કે કોઈપણ સંસ્કૃતિ, સંગીત અથવા દેશને દોષી ઠેરવવો ન તો યોગ્ય છે અને ન ઉપયોગી છે. સમસ્યા સંસ્કૃતિની નહીં, પરંતુ વપરાશની રીત અને ભાવનાત્મક ખાલીપણાની છે. ઉકેલ પણ ત્યાં જ છે- ખુલ્લી ચર્ચા અને પ્લેટફોર્મ્સની જવાબદારી- આ ત્રણેયને સાથે જ આગળ વધવું પડશે.

ભારતીય સંદર્ભમાં આ સમસ્યા વધુ જટિલ બની જાય છે. આપણે ત્યાં પરિવારે હજુ પણ ભાવનાત્મક આધારનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ શહેરી જીવનની ઝડપી ગતિ, માતા-પિતાનું કામનું દબાણ, અને બાળકો પર પરીક્ષા કેન્દ્રિત અપેક્ષાઓ- આ બધા વચ્ચે સંવાદ ઘટતો ગયો છે. બાળકોને પૂછવામાં આવે છે- `ભણવાનું કેવું ચાલે છે?' પણ કદાચિત જ એવું પૂછવામાં આવતું હશે કે `તને અંદરથી કેવું લાગે છે?' સાર્થક સંવાદની આવી ગેરહાજરીમાં શહેરી બાળકો ડિજિટલ સ્ક્રીન પોતાની જગ્યા શોધી લે છે- એવી જગ્યા જ્યાં ન કોઈ રોકટોક છે, ન તો નૈતિકતાનું ભાષણ.
વાસ્તવિક જીવનની અસ્પષ્ટતાઓથી થાકેલા મન માટે આ જગ્યા સુરક્ષિત આશ્રય બની જાય છે, પરંતુ આ આશ્રય, જો કાયમી નિવાસ બની જાય તો વ્યક્તિ ધીરે ધીરે વાસ્તવિક સંબંધોથી કપાઈ જાય છે. ગાઝિયાબાદની બહેનોની કરુણ કથા એ યાદ અપાવે છે કે ટેકનોલોજીના આ યુગમાં સૌથી મોટી જવાબદારી આપણી માનવીય ઉપસ્થિતિની છે- એક બીજાની પાસે વાસ્તવિક, ઉપલબ્ધ અને સંવેદનશીલ રહેવું. આ જ દવા છે જે કોઈપણ `એન્જિનિયર્ડ ઈમોશનલ ડ્રગ'થી વધારે અસરકારક છે.