શિંગડાવાળી પૂંછડી, લાંબી ડોક, વામન કદવાળા ડાયનોસોરનું રહસ્ય
- ગિરિરાજ
કચ્છની ધરતી નીચે દબાયેલો ઇતિહાસ એ માત્ર પથ્થરો કે હાડકાં નથી, પરંતુ પૃથ્વી પર જીવસૃષ્ટિ કેવી રીતે પાંગરી અને બદલાઈ તેનો જીવંત દસ્તાવેજ છે. કચ્છ માત્ર રણ ઉત્સવ કે પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે આખી પૃથ્વીના ઇતિહાસનું એક જીવંત સંગ્રહાલય (Live Museum) છે. સમયની રેતીમાં અનેક સામ્રાજ્યો દટાઈ જાય છે, પણ ક્યારેક એ રેતી જ કોઈ એવાં રહસ્યોને સાચવી લે છે જે લાખો વર્ષો પછી જ્યારે બહાર આવે ત્યારે કાળના કપાળે પડેલા ઇતિહાસના લેખ ઉકેલાઈ જાય છે.
‘સિરાટોકોડિયા એન્ટિક્વા’ એક કાલવિજયી મુસાફર
તાજેતરમાં કચ્છના ખડીર બેટના કાળા ડુંગર ફૉર્મેશનમાંથી મળી આવેલું નવું સૌરોપોડ ડાયનાસોર ‘સિરાટોકોડિયા એન્ટિક્વા’ એ માત્ર એક હાડપિંજર નથી, પણ પૃથ્વીના આદિ ઇતિહાસનું એક જીવંત ઉદાહરણ બની ફરી પ્રકાશમાં આવ્યું છે.
કચ્છના ભૂસ્તરશાસ્ત્રીય સ્તરો એટલે પૃથ્વીના ઇતિહાસનું એક ખલ્લું પુસ્તક. મધ્ય જુરાસિક યુગ, એટલે કે આજથી આશરે 16 કરોડ વર્ષ પહેલાંનો સમય. જ્યારે માનવજાતની કલ્પના પણ આ પૃથ્વી પર નહોતી ત્યારે અહીં કેવા રાક્ષસી કદના જીવોનું સામ્રાજ્ય હશે! ‘સિરાટોકોડિયા એન્ટિક્વા’ એ સમયનો એક નાનકડો પણ પ્રભાવશાળી સાક્ષી છે. સામાન્ય રીતે સૌરોપોડ્સ એટલે કે લાંબી ડોક અને લાંબી પૂંછડી ધરાવતા શાકાહારી વિરાટ જીવો, પરંતુ આ કચ્છનો મહેમાન કંઈક અલગ છે. તે કદમાં અન્ય સૌરોપોડ્સની સરખામણીએ પ્રમાણમાં નાનો, અંદાજે 7 મીટરનો છે. આપણા કચ્છની ધરતી પર હવે ડાયનાસોરના ડગલાંઓના અવાજ માટે પણ ઓળખાશે.
શિંગડાવાળી પૂંછડીનું રહસ્ય
આ ડાયનાસોરનું વૈજ્ઞાનિક નામ ‘સિરાટોકોડિયા એન્ટિક્વા’ (Ceratocaudia antiqua) રાખવામાં આવ્યું છે. અહીં ‘સેરાટો’ એટલે શિંગડું અને ‘કોડિયા’ એટલે પૂંછડી. આ નાનકડા નામે એક આખી વાર્તા કહી દીધી છે.
કલ્પના કરો, કરોડો વર્ષ પહેલાંનું આ રણ જે ત્યારે કદાચ નદી-નાળા અને હરિયાળીથી સભર હશે, ત્યાં આ ડાયનાસોર પોતાની પૂંછડી હવામાં લહેરાવીને ચાલતું હશે. સંશોધકો માને છે કે તેની પૂંછડીના છેડે શિંગડા જેવી રચના હતી, જેનો ઉપયોગ તે કદાચ પોતાનાથી શક્તિશાળી શિકારીઓ સામે રક્ષણ મેળવવા કે સ્વબચાવમાં કરતું હશે.
કચ્છ: પેલેઓન્ટોલોજી (અશ્મી વિજ્ઞાન)નું તીર્થસ્થાન
તાજેતરમાં પ્રકાશિત પેપર અનુસાર કાળા ડુંગર વિસ્તારમાં કરવામાં આવેલું આ સંશોધન IIT બૉમ્બે અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ સાબિત થયું છે.
જ્યારે આપણે કચ્છના સફેદ રણની સુંદરતા માણીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે આ જ રણની નીચે લાખો વર્ષોનાં સ્તરો દબાયેલાં છે.
કચ્છનું ભૂસ્તર એટલું સમૃદ્ધ છે કે તે ભારતને વિશ્ર્વના પેલેઓન્ટોલોજીના નકશા પર અગ્રિમ હરોળમાં મૂકે છે. જુરાસિક યુગ દરમિયાન ભારતની આ ધરતી પર વૈવિધ્યસભર પ્રાણીજીવન ધબકતું હતું.
વિજ્ઞાન જ્યારે તર્ક સાથે મળે ત્યારે ઇતિહાસ સર્જાય છે. ડિજિટલ મોડેલિંગ દ્વારા વૈજ્ઞાનિકોએ આ ડાયનાસોરનું જે ચિત્ર ઊપસાવ્યું છે તે અત્યંત રોમાંચક છે. એક નાજુક પણ મજબૂત શરીર, ગરદન જે ઊંચા ઝાડનાં પાંદડા ખાવા માટે સક્ષમ છે અને પૂંછડી જે રક્ષાકવચ સમાન છે. આ જીવનું અસ્તિત્વ આપણને યાદ અપાવે છે કે ઉત્ક્રાંતિ (Evolution) કેટલી નિરંતર અને જટિલ પ્રક્રિયા છે. તે સમયે ગૌન્ડવાના સુપરકોન્ટિનેન્ટનો ભાગ રહેલું ભારત કેવું હતું તે સમજવા માટે આ શોધ એક કડી પૂરી પાડે છે.
આ શોધો તે સમયના પૃથ્વીના લયને માણવાની તક પૂરી પાડે છે અને કચ્છ આ રીતે ખૂબ ધનવાન ભાગ્યવાન છે. આ ડાયનાસોર જે 16 કરોડ વર્ષ સુધી અંધારામાં સૂતું હતું, આજે તે આપણને સંબોધી રહ્યું છે. તે આપણને યાદ અપાવે છે કે આ પૃથ્વી પર આપણે માત્ર મહેમાન છીએ, થોડો સમય રહીને ગાયબ થઈ જવાનું છે.
જે ધરતી પર આપણે આજે પગ મૂકીએ છીએ ત્યાં એક સમયે આ જીવોનું રાજ હશે. અને શું ખબર, ભવિષ્યમાં અન્ય કોઈ જીવો આપણું સ્થાન લઈ લેશે.