Tue Oct 06 2026

Logo

જુહુ બીચ પર વિશેષ સ્વચ્છતા અભિયાન: ૩૪ ટન કચરો એકઠો કરવામાં આવ્યો

2026-09-27 07:44:55
Author: Sapna Desai
જુહુ બીચ પર વિશેષ સ્વચ્છતા અભિયાન: ૩૪ ટન કચરો એકઠો કરવામાં આવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ગણેશોત્સવ પૂરો થવાની સાથે જ વિસર્જન બાદ  દરિયા કિનારાની સ્વચ્છતા અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવા માટે શનિવારે સવારના જુહુ બીચ પર વિશેષ સફાઈ અભિયાન ‘સી, શોર, શાઈન-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓ,  સ્વયંસેવકો અને નાગરિકોએ આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને લગભગ ૩૪ ટન કચરો એકઠો કર્યો હતો.

દિવ્યજ ફાઉન્ડેશનના સ્થાપક અમૃતા ફડણવીસ, અભિનેતા અજય દેવગન સહિત રાજકીય નેતાઓ, સ્થાનિક નગરસેવક, મુંબઈ પોલીસ સહિત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર વગેરે હાજર રહ્યા હતા. મુખ્ય પ્રધાનનાં પત્ની અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે તહેવાર પછી શહેરને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પાલિકા પ્રશાસન  દ્વારા દરિયાકિનારાને સ્વચ્છ રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે દરેકને આ પ્રયાસોને ટેકો આપવા અને સ્વચ્છતા જાળવવા અને આપણા મુંબઈને સ્વચ્છ અને સુંદર રાખવા માટે યોગદાન આપવા અપીલ પણ કરી હતી. 



પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ જણાવ્યું હતું કે સમુદ્ર મુંબઈની મહાન સંપત્તિ છે. જો આપણે કચરો કે પ્લાસ્ટિક ફેંકીએ તો સમુદ્ર અને દરિયા કિનારા ગંદા થઈ જાય છે.  પાલિકા શહેર અને દરિયા કિનારાને સ્વચ્છ રાખવા માટે અથાક મહેનત કરે છે. ગણપતિબાપ્પાને વિદાય આપી છે પરંતુ હવે શહેરને સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ તહેવાર પછી પણ સ્વચ્છતાની આ ભાવના જાળવી રાખે અને જાહેર સ્થળોએ કચરો ન નાખે અને દરિયા કિનારાને સ્વચ્છ રાખવામાં વહીવટીતંત્રને સહયોગ આપે.

પાલિકા પ્રશાસન અને ખાનગી સંસ્થા દ્વારા સંયુક્ત રીતે જુહુ બીચ પર શ્રી ગણેશના વિસર્જન પછી એકત્રિત કરવામાં આવેલા નિર્માલ્યમાંથી ફૂલોને અલગ કરવા અને પ્રક્રિયા કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાંથી અગરબત્તી અને અન્ય ઉપયોગી ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.