Mon Aug 17 2026

Logo

ભાજપ દ્વારા ઝારખંડ બંધનું એલાન, સુરક્ષા વ્યવસ્થા વધારવા વધારાની પોલીસ ટુકડી બોલાવાઈ

2026-08-11 12:51:00
Author: Mumbai Samachar Team
Article Image

રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં  JPSC-JSSCના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનું જોર વધતા વિદ્યાર્થીઓએ વિધાનસભાનો ઘેરાવો કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લીધેલા એક્શન અને વિદ્યાર્થીઓની માગના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપે) મંગળવારે ઝારખંડ બંધનું એલાન કર્યું હતું. વિરોધ પ્રદર્શનને ધ્યાને લઈ રાંચ શહેરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કેટલાક અસામાજિક તત્ત્વો પર કાબુ મેળવવા માટે અનેક જગ્યાઓ પર ખાસ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે ડ્રોનની મદદથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

 

સરકાર પર દબાણ વધ્યુ
આ બંધમાં કેટલીક જરૂરી અને ઈમરજન્સી સેવાઓનો સમાવેશ થતો નથી. ઈમરજન્સી અને જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. આ સમગ્ર મામલે વિપક્ષનું એવું કહેવું છે કે, અનેક વિદ્યાર્થીઓ આ આંદોલનના સમર્થનમાં ઊતર્યા છે. પરીક્ષામાં થતા કૌભાંડ સહિત વિદ્યાર્થીઓની એવી જરૂરી માગ સરકાર પર દબાણ વધારી રહી છે. આ બંધને લઈને રાંચી સહિત સમગ્ર ઝારખંડમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. રાંચીમાં વધારાની પોલીસ ટુકડી બોલાવીને જે તે પોઈન્ટ સોંપી દેવામાં આવ્યા છે. ઝારખંડ ભાજપ પ્રવક્તા પ્રતુલ શાહદેવે કહ્યું હતું કે, ઝારખંડ બંધ એક ઐતિહાસિક દિવસ છે. શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થઓ પર ચાર-ચાર વખત લાઠીચાર્જ કર્યો એના વિરોધમાં આ ઝારખંડ બંધ રાખવામાં આવ્યું છે. સરકારે વિદ્યાર્થીઓની માગને માનવી જોઈએ. હેમંત સરકાર CBI તપાસના આદેશ આપે.

 

પોલીસ સાથે સંઘર્ષ થયો
વિરોધ પ્રદર્શન દરમિયાન અનેકવાર પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થયાના વાવડ સામે આવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે થયેલા ઘર્ષણમાં પોલીસ કર્મચારીને ઈજા પહોંચી છે. ચાર પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજા થઈ છે. વિદ્યાર્થીઓના ટોળાને દૂર ખસેડવા માટે પાણીનો મારો ચાલાવાયો હતો, ટીયર ગેસ છોડવામાં આવ્યા અને પછી લાઠીચાર્જ કરવામાં આવ્યો. વિરોધ કરનારા વિદ્યાર્થીઓએ જ્યારે બેરિકેટ તોડવાનું શરૂ કર્યું એ પછી પોલીસ તરફથી આ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ વિદ્યાર્થીઓને ખોટા રસ્તે દોરી રહી છે. રાજકીય જશ ખાટવા માટે વિરોધ કરનારા વિદ્યાર્થીઓને સમર્થન આપી રહી છે. સંવાદથી સમસ્યા ઉકેલાઈ શકે છે. વિરોધ કરનારા વિદ્યાર્થીઓને અપીલ કરૂ છું કે, સંવાદના રસ્તેથી સમસ્યાનું સમાધાન કરીએ. 

કોંગ્રેસના આક્ષેપ
બીજી બાજુ કોંગ્રેસે આ સમગ્ર ઝારખંડ બંધને ડ્રામા કહીને ફગાવી દીધો હતો, ઝારખંડ કોંગ્રેસ મીડિયા પ્રભારી રાકેશ સિન્હાએ કહ્યું કે, કોંગ્રેસ વિદ્યાર્થીઓના ન્યાય માટે લડે છે. વિદ્યાર્થીઓને નબળા પાડવા માટે નહીં. વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલી આ ઘટના ગંભીર છે અને યોગ્ય નથી. જરૂરિયાત વગર બળ પ્રયોગ પોલીસે કર્યો જેની નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ. જે પોલીસ કર્મચારી કે અધિકારીએ આ પ્રકારનું એક્શન લીધુ એની સામે પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ. ભાજપ દ્વારા જે ઝારખંડ બંધનું પગલું લેવામાં આવ્યું એ વિદ્યાર્થીએ પ્રત્યે સંવેદના ઓછી ને રાજકીય રંગ વધારે સ્પષ્ટ કરે છે. સતત 18 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ રાહુલ ગાંધીના ઈશારે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું નિવેદન આપતા આ મામલો હવે વધારે ગરમાય રહ્યો છે.