દુનિયાભરમાં લોકો જ્યારે ફોન સાઈલેન્ટ કે વાઈબ્રેશન મોડ પર રાખે છે, ત્યારે કેમેરાથી ફોટો ખેંચતી વખતે કોઈ અવાજ આવતો નથી. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં તમે કેમેરાનું શટર સાઉન્ડ ઓફ નથી કરી શકતા? સાંભળવામાં ભલે થોડું ઓકવર્ડ લાગે, પણ આ હકીકત છે. આ વિચિત્ર નિયમનું પાલન કયા દેશમાં કરવામાં આવે છે અને આ પાછળનું કારણ શું છે એ બધું જ આપણે આજે અહીં આ સ્ટોરીમાં વિસ્તારથી જાણવાનો પ્રયાસ કરીશું...
અહીં જે દેશની વાત થઈ રહી છે એ દેશનું નામ છે જાપાન. જાપાનમાં વેચાતા સ્માર્ટફોનમાં તમે ફોન સાઈલેન્ટ રાખ્યો હશે તો પણ કેમેરાના શટર સાઉન્ડને બંધ કરવાનું શક્ય નથી. જાપાનમાં ફોન સાઈલેન્ટ પર હોવા છતાં પણ જ્યારે તમે ફોટો ક્લિક કરો છો ત્યારે જોરદાર 'શટર સાઉન્ડ' આવે જ છે. આ કોઈ ટેકનિકલ એરર નહીં પણ પણ જાપાનીઝ સોસાયટીની સિક્યોરિટી અને પ્રાઈવસી માટે લેવામાં આવેલું તકેદારીનું પગલું છે.
જાપાનના ભીડભાડવાળા વિસ્તારો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ્સ જેમ કે મેટ્રો ટ્રેન વગેરેમાં લોકોની પરવાનગી વિના ફોટો ખેંચવાની ઘટનાઓને અટકાવવા માટે આ ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. કેમેરા શટરના જોરદાર અવાજ આવવાને કારણે આસપાસના લોકોને તરત ખબર પડી જાય છે કે કોઈએ તેમની જાણ બહાર તેમનો ફોટો ક્લિક કર્યો છે.
વાત કરીએ 2000ના દાયકાની તો 2000ની શરૂઆતમાં જ્યારે કેમેરા ફોન પ્રચલિત થયા, ત્યારે જાહેર સ્થળોએ મહિલાઓની વાંધાજનક તસવીરો લેવાની વિકૃતિ લોકોમાં વધી ગઈ હતી. આ ગંભીર વિકૃતિને ડામવા માટે અને મહિલાઓની સુરક્ષા તેમ જ પ્રાઈવસી માટે મોબાઈલ ઓપરેટરોએ કેમેરા સાઉન્ડ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો.
આશ્ચર્યની વાત એ છે કે જાપાનમાં આવો કોઈ લેખિત સરકારી કાયદો નથી. આ નિયમ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ અને ટેલિકોમ ઓપરેટરો વચ્ચે થયેલી એક 'જેન્ટલમેન એગ્રીમેન્ટ' (સ્વૈચ્છિક સમજૂતી) છે, જે સામાજિક સુરક્ષા માટે અમલમાં છે.
જાપાન માટે ખાસ ડિઝાઈન કરાયેલા ફોનમાં સોફ્ટવેર (Firmware) લેવલ પર જ એવી પ્રોગ્રામિંગ કરવામાં આવે છે કે કેમેરા એપ સાઈલેન્ટ મોડને ઓવરરાઈડ કરીને અવાજ કરે જ. જો કોઈ વિદેશી જાપાનમાં જઈને પોતાનો ફોન વાપરે તો તેમાં અવાજ બંધ થઈ શકે છે, પરંતુ જાપાનીઝ સિમ કાર્ડ નાખતા જ અમુક ફોનમાં આ ફીચર આપોઆપ એક્ટિવ થઈ જતું હોય છે.
છે ને એકદમ ન માની શકાય એવી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી અજબ ગજબની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...