Fri May 01 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ જાપાનનું સીએસ સોમે કાફે: એક જાળીદાર આવરણ

2026-04-04 08:53:00
Author: Hemant Wala
Article Image

વર્ષ 2025માં જાપાનના ફુકુઓકા શહેરમાં સ્થપતિ કેન્ગો કુમા અને એસોસિયેટ્સ 270 ચો.મી. વિસ્તારનું આ સીએસ સોમે કાફે અલૌકિક રીતે વિચિત્ર છે. અહીં લોખંડના થાંભલા અને કેબલ વડે તંબુ આકારમાં ટેકવાયેલ ધાતુની નાજુક લાગી શકે તેવી જાળીની રમત વિચિત્ર પણ છે અને બિનજરૂરી પણ. કાફે તો પરંપરાગત લંબચોરસ આકારનું, કોઈ પણ પ્રકારની વિશેષતા વિનાનું, સામાન્ય રચના કહી શકાય તે પ્રકારનું છે, પછી તેને અદ્ભુત બનાવવા માટે તેના પર જે આવરણ ઠોકી બેસાડવામાં આવ્યું છે એ માત્ર અસંદર્ભિક નથી લાગતું પણ સાથે સાથે વિચિત્ર પણ લાગે છે. સાંપ્રત સમયમાં સ્થાપત્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તે સમજવા માટે આ મકાનનો ઉલ્લેખ થઈ શકે તેમ છે.

કોઈપણ પ્રકારની ઉપયોગીતા ન હોય, ઉપયોગમાં લેવાતી મૂળ રચના સાથે રચનાત્મક સમન્વય ન હોય, બે સાવ જ ભિન્ન કહી શકાય તેવી શૈલીને, માત્ર વ્યક્તિગત કારણોસર, વ્યક્તિગત પસંદગીને આધારે જોડે ગોઠવી દેવાઇ હોય, તંબુ જેવી રચનામાં સંભવિત આકારની વિવિધતાનો સદંતર છેદ ઉડાડી દેવાયો હોય અને તે બધાં સાથે દૃશ્ય અનુભૂતિમાં પણ એવી સૌમ્ય સુસંગતતા સ્થાપિત થતી ન હોય અને છતાં પણ સ્વીકૃત નાટકીયતાના દાવા થતાં હોય તો પ્રશ્ન તો રહેવાના જ. અહીં તંબુ અને ઘનાકાર ચોસલાને પરસ્પર સર્જનાત્મકતાથી સાંકળવાની અને બે વચ્ચે તંદુરસ્ત સંવાદ સ્થાપવાની આવશ્યકતા હતી.

એક માન્યતા પ્રમાણે આ પ્રકારનાં આવરણને લીધે સીએસ સોમે કાફે અમુક લોકોને તરતું દેખાય છે. દરિયાકાંઠે આવેલા આ શહેર પર ગોઠવાયેલ આ તંબુ જેવી રચના ઘણાને વહાણ જેવી લાગે છે. આ પ્રકારની જાળીની ગોઠવણથી કાફેની મુલાકાતે આવનાર વ્યક્તિને વધુ ગોપનીયતાની અનુભૂતિ થાય તેમ પણ કેટલાક લોકો માને છે. આ આવરણને કારણે સમગ્ર મકાન શિલ્પ સમાન પ્રતીત થાય છે તેમ પણ કેટલાક લોકો સાબિત કરવા પ્રયત્ન કરે છે. અમુક લોકોની માન્યતા પ્રમાણે આ આવરણથી સમગ્ર મકાન નમ્ર, સૌમ્ય તેમજ નાજુક દેખાય છે. આ બધી માન્યતા છે, જે ક્યાંક વાસ્તવિકતાથી ઘણી ભિન્ન હોય તેમ જણાય છે.

વાસ્તવિકતા તો એ છે કે અહીં બે આકાર વચ્ચે બિનજરૂરી ટકરાવ છે, બે ભિન્ન સામગ્રી વચ્ચે કોઈપણ પ્રકારનો સકારાત્મક સંવાદ સ્થાપિત થતો નથી, બંને ઘટના પોતપોતાનું સાવ જ ભિન્ન જણાતું કાર્ય અલગતાવાદી અભિગમથી કરતી હોય તેમ લાગે છે અને આ પ્રકારની બાંધકામની ટેકનોલોજીથી જે સ્થાપત્યકીય આશ્ચર્ય કે અજાયબી સ્થાપિત થવાની શક્યતા હતી તેને સાવ જ જાણે નજરઅંદાજ કરવામાં આવી છે. આ કાફે હવામાં કે પાણીમાં તરતું હોય તેમ હલકું ફૂલકું લાગે તેવો, લગભગ નિષ્ફળ ગયેલો, પ્રયત્ન જણાય છે. આ પ્રકારના આવરણથી સૂરજના કિરણોની ગરમીનો માર ઓછો થઈ શકે તેની સંભાવના હતી, પરંતુ ધાતુની જાળીની રચના જે પ્રકારે છે તેનાથી આ સંભાવના સિદ્ધ થઈ હોય તેમ પ્રાથમિક નજરે તો જણાતું નથી.

એક માળનું, ચોક્સાઈપૂર્વક બનાવાયેલું, ધાતુની જાળીમાં લપેટાયેલું, ધરતીકંપના આંચકા સામે ટકી રહે તેવું, મજબૂત સ્ટીલના માળખા વાળું, બહારની તરફ વિશાળ રવેશ અર્થાત્‌‍ વરંડાવાળું, પ્રાપ્ય સ્થાનને અનુરૂપ લંબચોરસ આકાર પ્રમાણેનું, બહારના વિશ્વ સાથે દૃશ્ય સંપર્ક જળવાઈ રહે તે માટે બનાવાય વિશાલ બારીઓવાળું આ મકાન પ્રારંભિક ધોરણે નજર તો આકર્ષે, પરંતુ પ્રાથમિક આકર્ષણ બાદ નજરને જકડી રાખવાનું સામર્થ્ય તેનામાં નથી. એકવાર આકસ્મિક રીતે નજર ત્યાં પહોંચી પણ જાય પણ તે પછી અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવે.

સાંપ્રત સમયમાં મકાન આકર્ષક બની શકે તે માટે ક્યાંક પથરા જડવામાં આવે છે તો ક્યાંક પતરાં, અહીં જાળી જડી દેવામાં આવી છે. પતરાના જડતરમાં દરેક પતરું અંગ પોતાનું અલગ અસ્તિત્વ વ્યક્ત કરે તે જરૂરી હોય, નહિતર મકાન ફેક્ટરી જેવું લાગે. પથ્થરના જડતરમાં ચોક્કસ પ્રકારની શૈલી અભિવ્યક્ત થાય તે આવશ્યક ગણાય. જ્યારે જડતર ફેબ્રિક સમાન - કપડાં સમાન જાળીનું હોય ત્યારે સ્વાભાવિક રીતે કપડાંને અનુરૂપ બાંધકામ તેમજ માળખું તૈયાર થાય તે જરૂરી બને. કોઈપણ સંજોગોમાં જડતર જો મકાનની ઉપયોગીતામાં સહાયક ન થતું હોય, મકાનનું મૂળ દૃશ્ય અનુભૂતિમાં સકારાત્મક ફાળો ન આપવું, જડતર એક અનિચ્છનીય પરદેશી ઘટના તરીકે સ્થાપિત થતું હોય તો સમાજ પ્રશ્નો તો પૂછે જ.

સાંપ્રત સમયમાં મકાનને આકર્ષક બનાવવા જે જે નુસખા અજમાવવામાં આવે છે તે, સામાન્ય રીતે સ્થાપત્યના મૂળ હાર્દથી વિપરીત ઘટના બની રહે છે. આ પ્રકારના આવરણની આવશ્યકતા ત્યારે જ ઊભી થઈ, જ્યારે મૂળ અને મુખ્ય રચના યાંત્રિક પરિણામ સમાન હોય. જ્યારે, જે તે કારણોસર ઉપયોગીતાની માત્રા અને તેનો પ્રકાર મહત્ત્વનાં બની રહે ત્યારે બાહ્ય આવરણની આવશ્યકતા ઊભી થાય. મુખોટાની જરૂર ત્યારે પડે જ્યારે ચહેરો કાં તો સુંદર ન હોય કાં તો જે તે ભાવના સ્થાપિત કરવા સમર્થ ન હોય.