Wed Jun 10 2026

Logo

સગાઈમાં જવા ગુજરાતથી નીકળેલા કુટુંબની કારને જળગાંવમાં અકસ્માત: છનાં મોત

2026-06-09 17:44:26
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: સગાઈમાં જવા ગુજરાતના વ્યારાથી નીકળેલા પરિવારની કારને જળગાંવ નજીક ભીષણ અકસ્માત થયો હતો. આ ઘટનામાં કારમાં પ્રવાસ કરનારા ચાર સહિત છ જણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ નંદલાલ મહાજન, અનિતા મહાજન, સુરેશ મહાજન, નિર્મલા મહાજન, નીલેશ તાવડે અને ફાલ્ગુની ભોઈ તરીકે થઈ હતી. અકસ્માતમાં કાર ડ્રાઈવર આદિત્ય મહાજન ગંભીર રીતે ઘવાયો હતો.

ગુજરાતના વ્યારા ખાતે રહેતું મહાજન કુટુંબ સગાઈમાં હાજરી આપવા ગુજરાતથી કારમાં નીકળ્યું હતું. તેમની કાર મંગળવારની સવારે સાત વાગ્યાની આસપાસ જળગાંવ જિલ્લાના અમળનેર-ધુળે હાઈવે પર લોંઢે ફાટા નજીક પહોંચી ત્યારે ગમખ્વાર અકસ્માત થયો હતો.કહેવાય છે કે કાર પહેલાં સામેથી આવેલી બાઈક સાથે ટકરાઈ હતી અને પછી એસટી બસ સાથે ભટકાઈ હતી. બસ અમળનેરથી ધુળે તરફ જઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેને પગલે બાઈકસવાર તાવડે અને ફાલ્ગુનીનાં પણ મૃત્યુ થયાં હતાં.

અકસ્માત થતાં જ સ્થાનિક રહેવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા એક બાળકને મહામુશ્કેલીએ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગંભીર જખમી કાર ડ્રાઈવર આદિત્યને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માતમાં બસના અમુક પ્રવાસીને પણ ઇજા થઈ હોવાનું કહેવાય છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)