એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ખતરનાક બની રહ્યું છે. ઈઝરાયલ-અમેરિકાએ ઈરાનમાં ઘૂસીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામનેઈને ઉડાવી દીધા પછી ભૂરાંટા થયેલા ઈરાને સઉદી અરેબિયા સહિતના દેશો પર મિસાઈલમારો શરૂ કરીને તબાહી મચાવવા માંડી છે. સામે ઈઝરાયલ પણ મચ્યું છે અને ઈરાનની સાથે સાથે લેબેનોન પર પણ બૉમ્બમારો શરૂ કરી દીધો છે.
અમેરિકા અને ઈઝરાયલે અત્યાર સુધી ઈરાનના 1000થી વધુ ઠેકાણાં પર હુમલા કરીને 2000થી વધુ બૉમ્બ ઝીંક્યા છે. આ બૉમ્બમારામાં સત્તાવાર રીતે 742 લોકોનાં મોત થયાં છે પણ મોતનો આંકડો વધારે હોઈ શકે છે કેમ કે ઈરાનમાં અંદર જઈને ખરેખર કેટલી તબાહી થઈ છે એ જાણવું અશક્ય છે. ઈરાન પણ ચૂપ નથી અને ઈઝરાયલ ઉપરાંત અમેરિકાના સાથી એવા ડઝનથી વધારે આરબ દેશો પર મિસાઈલો ઠોકવા માંડી છે. અમેરિકાએ હુમલામાં પોતાના ત્રણ સૈનિકો માર્યા ગયા હોવાનું સ્વીકાર્યું છે પણ અમેરિકાના કિસ્સામાં પણ વાસ્તવિક નુકસાન વધારે હોઈ શકે છે.
ઈરાને અમેરિકા તથા તેના સાથીઓનું નાક દબાવવા હોર્મુઝની ખાડી પણ બંધ કરી દીધી છે. અમેરિકાનો દાવો છે કે, ઈરાન ટાઢા પહોરનું ગપ્પું મારે છે અને હોર્મુઝની ખાડીમાંથી બેરોકટોક જહાજો પસાર થાય જ છે પણ અત્યારે જે રિપોર્ટ છે એ પ્રમાણે, ક્રુડ ઓઈલનાં 700 જેટલાં તોતિંગ ટેન્કર અટવાઈ ગયાં છે તેથી ઈરાનની વાત સાચી લાગે છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ છાતી ઠોકીને સરકારી ટીવી પર હુંકાર કર્યો છે કે, હવે પછી કોઈ જહાજને આ માર્ગેથી પસાર નહીં થવા દેવાય અને છતાં કોઈ દોઢદાડ્યું થશે તો તેને ઉડાવી દઈશું.
હોર્મુઝની ખાડી બંધ થઈ હોય તો એ ભારત માટે બહુ ચિંતાના સમાચાર બની શકે છે કેમ કે ભારતનું લગભગ 50 ટકા ક્રૂડ ઓઈલ સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝના રસ્તે આવે છે. અત્યારે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસનો જથ્થો છે પણ યુદ્ધ ચાલુ રહે ને અમેરિકા-ઈઝરાયલ ઈરાનને પછાડીને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની ખાડીને ખોલાવવામાં સફળ ના રહે તો ભારત સહિત ઘણા દેશોને તકલીફ પડી શકે.
આરબ દેશોમાંથી જતું મોટા ભાગનું ક્રૂડ ઓઈલ તોતિંગ જહાજો મારફતે આ રૂટ પરથી પસાર થાય છે તેથી ભારતની જેમ તોતિંગ સ્ટોરેજ ક્ષમતા ના ધરાવતા ઘણા દેશોમાં તો બે-ચાર દાડામાં પેટ્રોલ-ડીઝલ ને ગેસની અછત વર્તવા માંડે એવું બને. ભારતના ઈરાન સાથેના સારા સંબંધોને જોતાં ઈરાન ભારત આવતાં જહાજોને ના રોકે એવું બને પણ એ શક્યતા બહુ પાતળી છે. સૂકા ભેગું લીલું બળે એ હિસાબે બીજાં જહાજોની સાથે ભારતનાં જહાજ પણ રોકાય તો લાંબા ગાળે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ શકે.
ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરીને અમેરિકાને સીધો પડકાર ફેંક્યો છે અને હવે સવાલ અમેરિકાની આબરૂનો છે. હોર્મુઝની ખાડી અમેરિકાના સાથી આરબ દેશો માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વની છે કેમ કે તેમનું અર્થતંત્ર ક્રૂડ ઓઈલ પર નિર્ભર છે. ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરીને અમેરિકાના પીઠ્ઠુ એવા સઉદી અરેબિયા સહિતના દેશોનું નાક દબાવવા પ્રયત્ન કર્યો છે. તેના કારણે અમેરિકા-ઈઝરાયલ હુમલા ઘટાડવા પડે એવું બને કેમ કે સઉદી સહિતના દેશો માટે તો હોર્મુઝની ખાડી લાઈફલાઈન છે.
ઓમાનની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતી હોર્મુઝની સામુદ્રધૂની અત્યંત સાંકડી છે. મધ્યપૂર્વના પેટ્રોલિયમ ઉત્પાદક દેશોને એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકાના બજારો સાથે જોડતી આ ખાડી ઈરાનના સીધા કબજા હેઠળ નથી પણ વરસોથી ખાડીમાં ઈરાનના આર્મીનાં જહાજોની હાજરીના કારણે તેનું વર્ચસ્વ છે. અમેરિકાનો દાવો છે કે, હવે આ વિસ્તારમાં ઈરાનનાં કોઈ જહાજ નથી પણ આ દાવો સાચો નથી એ જહાજો રોકાતાં સાબિત થયું છે.
અત્યારે દુનિયાભરમાં મોટા ભાગનું ક્રૂડ ઓઇલ સઉદી અરેબિયા, ઇરાન, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, ઈરાન અને ઇરાક એ છ દેશોમાંથી જાય છે. આ છ દેશો બીજા દેશો સુધી ક્રૂડ ઓઈલ પહોંચાડવા માટે હોર્મુઝની ખાડીના રસ્તાનો ઉપયોગ કરે છે. આ જ રસ્તે લિક્વિડ નેચરલ ગેસ એટલે કે પ્રવાહી કુદરતી ગેસ પણ બીજા દેશોમાં જાય છે.
અમેરિકા અને ઈઝરાયલ પાસે જોરદાર હવાઈ તાકાત છે તેથી ઈરાનનાં જહાજો પર બૉમ્બમારો કરી શકે પણ એ બૉમ્બમારામાં ક્રૂડ ઓઈલ ભરેલાં ટેન્કરોમાં પણ આગ લાગે તો આખો દરિયા ભડભડ સળગે. ઈરાન પોતે પણ સઉદી સહિતના દેશોને ડરાવવા તેમનાં ક્રૂડ ઓઈલ લઈ જતાં ટેંકરોને ઉડાવી શકે છે. આ ખતરાને ટાળીને ફરી ખાડી ખોલાવવી અમેરિકા માટે મોટો પડકાર છે.
ઈરાને હોર્મુઝની ખાડીનું કાર્ડ ખેલીને ને ભૂતકાળમાં ઈરાકના સદ્દામ હુસૈન અને અમેરિકા-ઈઝરાયલને હંફાવી દીધાં હતાં. 1980ના દાયકામાં ઇરાન અને ઇરાક વચ્ચે યુદ્ધ થયું ત્યારે બંને દેશોએ એકબીજાની પેટ્રોલિયમ પેદાશોની નિકાસને અવરોધવાના પ્રયાસ કર્યા હતા ને જોરદાર ટેન્કર વોર ચાલેલી. આ ટેન્કર વોરમાં ઈરાનનો હાથ ઉપર રહ્યો હતો. ઈરાકના સરમુખત્યાર ને એ વખતે અમેરિકાના પીઠ્ઠુ સદ્દામ હુસૈન ઈરાન સામેના જંગમાં હાંફી ગયા તેનું કારણ આ ટેન્કર વોર હતી.
ઈરાન ભૂતકાળની આ સફળતાને દોહરાવવા માગે છે. એ વખતની પરિસ્થિતિ અને અત્યારની સ્થિતિમાં આભ-જમીનનો ફરક છે. અત્યારે અમેરિકા અને ઈઝરાયલની તાકાત અનેક ગણી વધારે છે એ સાચું પણ ઈરાન ભારે નુકસાન કરવાની સ્થિતિમાં છે એ પણ એટલું જ સાચું છે. આ સંજોગોમાં અમેરિકા-ઈઝરાયલે ઈરાન પરના હુમલા બંધ કરવા પડે ને ઈરાન સાથે મંત્રણા કરવી પડે એવું બને.
આપણે ઈચ્છીએ કે એવું જ થાય ને ઈરાન અમેરિકા-ઈઝરાયલનું નાક દબાવીને મોં ખોલાવવામાં સફળ થાય કેમ કે યુદ્ધ કોઈના ફાયદામાં નથી. અમેરિકા પોતાની લશ્કરી અને આર્થિક તાકાતના મદમાં મત્ત છે ને ઈરાનને કટ્ટરવાદનો કેફ છે તેથી બંને જંગે ચડ્યા છે પણ આ બે આખલાની લડાઈમાં દુનિયાના ભારત સહિતના શાંતિપ્રિય દેશોનો ખો નીકળી રહ્યો છે. યુદ્ધ લાંબું ચાલે તો ઈઝરાયલ-અમેરિકા અને ઈરાનનું જે થવાનું હોય એ થાય પણ બીજા દેશો વગર લેવેદેવે લાંબા થઈ જશે એ જોતાં યુદ્ધ અટકે એ જરૂરી છે.
ચાર દિવસના યુદ્ધેે એક વાત સાબિત કરી જ દીધી છે કે, ઈરાન વેનેઝુએલા નથી કે અમેરિકા મનફાવે એ રીતે વર્તી શકે. અમેરિકા-ઈઝરાયલ ઈરાનને ચાર દિવસમાં મસળી નાખશે એવી વાતો થતી હતી પણ ઈરાને સાબિત કરી દીધું છે કે, તેને ઝડપથી નમાવી શકાય તેમ નથી એ જોતાં યુદ્ધવિરામ સૌના ફાયદામાં છે.