Thu Jun 18 2026

Logo

Strait of Hormuz Toll: ઈરાનની નવી યોજનાથી દુનિયાભરમાં વધી શકે છે ઈંધણના ભાવ; ભારત માટે શું છે રાહતના સમાચાર?

Tehran   2026-03-31 15:14:00
Author: Darshana Visaria
Article Image

ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાનો કન્ટ્રોલ વધારે કડક બનાવતા ત્યાંથી પસાર થતા જહાજો પર 'ટોલ ટેક્સ' લગાવવાનો અને અવરજવર મર્યાદિત કરવાની યોજના અંગે વિચારવાનું શરૂ કર્યું છે. વર્લ્ડ ઓઈલ ટ્રેડિંગની લાઈફલાઈન ગણાતા આ માર્ગ પર ઈરાનની સંસદીય સુરક્ષા સમિતિએ નવી યોજનાને મંજૂરી આપી દીધી છે. જોકે, સતત વધતા જઈ રહેલાં ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે ઈરાને પોતાના મિત્ર રાષ્ટ્રો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દરવાજા ખુલ્લા રાખ્યા છે, ચાલો જોઈએ આખરે કયા છે આ દેશો કે જેમના માટે હોર્મુઝ ખુલ્લું છે... 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત કરીએ તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દેખાવમાં ભલે ખૂબ જ સાંકડી જગ્યા દેખાતી હોય પણ તમને જાણીને નવાઈ લાગશે કે અહીંથી દુનિયાનો અંદાજે 20 ટકા ઓઈલનું ટ્રેડિંગ થાય છે. એક સમયે અહીંથી રોજિંદા 100થી વધુ જહાજો પસાર થતા હતા, પરંતુ હવે વધતા જતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આ સંખ્યા હવે ઘટીને માત્ર ગણતરીના જહાજો પૂરતી જ મર્યાદિત થઈ ગઈ છે.

ઈરાને કડક શરતો હેઠળ માત્ર પસંદગીના દેશોને જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. આ દેશોમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, ઈરાક અને થાઈલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. જોકે, આ દેશોના જહાજોએ પણ હોર્મુઝમાંથી પસાર થતાં પહેલાં ઈરાની સત્તાવાળાઓ પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે. જહાજોએ સતત ઈરાની નૌકાદળના સંપર્કમાં રહેવું પડશે અને પોતાની ઓળખ સ્પષ્ટ કરવી પડશે. ઈરાની નૌકાદળ અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ આ હિલચાલ પર સતત નજર રાખશે.

ઈરાને અમેરિકા અને ઈઝરાયલ સહિત તેમના સાથી દેશોના જહાજોના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવેશ કે પસાર થવા પર કડક પ્રતિબંધ લાદ્યો છે. એટલું જ નહીં પણ આ સાથે સાથે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે આકરી ચેતવણી પણ ઉચ્ચારી છે કે પરવાનગી વગર પ્રવેશનારા જહાજોએ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. 

વાત કરીએ ઈરાનના આ નવા નિર્ણયની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર જોવા મળશે એની તો આ નવા નિયમો અને ટોલ ટેક્સને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પર દબાણ વધી રહ્યું છે. ઓઈલ ઈમ્પોર્ટ કરતાં દેશો આ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે, કારણ કે જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલશે તો ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ફ્યુઅલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.