Thu Jun 18 2026

Logo

ઈરાને દુબઈ પાસે કુવૈતના ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો: દરિયામાં ઓઈલ ઢોળાયું

Dubai   2026-03-31 10:58:00
Author: Savan Zalariya
Article Image

દુબઈ: ઈરાન અને યુએસ વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષની આગમાં મધ્યપૂર્વના અન્ય દેશો પણ લપેટાઈ ગયા છે, ઈરાન મધ્યપૂર્વમાં યુએસના મિત્ર દેશોને નિશાન બનાવી રહ્યું છે. અહેવાલ છે કે મંગળવારે ઈરાને યુનાઇટેડ અરબ અમીરાત(UAE)ના દુબઈના બંદરના એન્કરેજ વિસ્તારમાં કુવૈતના એક ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. 

અહેવાલ મુજબ હુમલાને કારણે જહાજ પર આગ લાગી હતી, દુબઈની ઈમરજન્સી રિસ્પોન્સ સર્વિસે આ બુઝાવી દીધી હતી. આ હુમલામાં જહાજને નુકસાન પહોંચ્યું છે, દરિયામાં ઓઈલ રેલાયું હોવાના પણ અહેવાલ છે. 

કુવૈત પેટ્રોલિયમ કોર્પ (KPC) એ જણાવ્યું કે જહાજના આસપાસના દરિયાઈ પાણીમાં ઓઈલ ઢોળાયુ છે. એક નિવેદનમાં KPCએ જણાવ્યું, ઇમરજન્સી રિસ્પોન્સ અને ફાયર ફાઇટિંગ ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, અને પરિસ્થિતિને કાબૂમાં લેવા અને નિયંત્રિત કરવા માટે કામગીરી કરવામાં આવી હતી. 

જહાજ ચીન પહોંચવાનું હતું!
અહેવાલ મુજબ, કુવૈતના  અલ-સલ્મી નામના ઓઈલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ ફેબ્રુઆરી મહિના અંતમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓળંગી હતી. જહાજ સાઉદી અરેબિયાના ખાફજી બંદરે પહોંચ્યું અને પછી બીજા કાર્ગો માટે કુવૈતના મીના અલ અહમદી તરફ રવાના થયું, સંપૂર્ણપણે ભરાઈ ગયા બાદ યુએઈ પહોંચ્યું હતું. અહિયાંથી આ જહાજ ચીનના કિંગદાઓ માટે રવાના થવાનું હતું. યુએસ-ઇઝરાયલએ ઈરાન પર હુમલા શરુ કર્યા બાદ જહાજ ત્યાં જ ફસાઈ ગયું હતું.

ઓઈલ ક્રાઈસીસ વધુ ઘેરાશે:
ઓઈલ ટેન્કર પર સીધો હુમલો ખુબજ ચિંતાજનક છે, કેમ કે પહેલાથી જ વૈશ્વિકસ્તરે ઓઈલ ક્રાઈસીસ ચાલી રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની રીફાઈનરી પર હુમલાની ધમકીઓ આપી ચુક્યા છે. યુએસ ઈરાનઅ ખાર્ગ ટાપુ પર કબજો કરવાની યોજના બનાવી રહ્યું છે.