Wed Jul 29 2026

Logo

આવા આંતરરાષ્ટ્રીય મૈત્રીકરાર પણ ગળાનો ગાળિયો બની શકે છે...

2026-03-07 09:55:00
Author: Mumbai Samachar Team
Article Image

ભાત ભાત કે લોગઃ જ્વલંત નાયક

`ઓપરેશન સિંદૂર' માં ભારતને હાથે બરાબર માર ખાધા પછી 17 સપ્ટેમ્બર 2025ના રોજપાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે એક મહત્ત્વનો કરાર કર્યો. આ એવો કરાર હતો જેનાથી ભારતે પણ ચિંતા કરવી પડે. `સ્ટે્રટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ SMDA' તરીકે ઓળખાવાયેલા આ કરારની મુખ્ય જોગવાઈ મુજબ પાકિસ્તાન કે સાઉદી અરેબિયા પૈકીના કોઈ પણ એક દેશ પર વિદેશી આક્રમણ થાય તો બીજો દેશ પણ એ આક્રમણનો જવાબ આપવા યુદ્ધના મેદાને ઊતરે. 

દાખલા તરીકે ભારત જો પાકિસ્તાન પર હુમલો કરે તો SMDAની જોગવાઈ મુજબ સાઉદી અરેબિયા પણ ભારત વિદ્ધ યુદ્ધમાં કૂદી પડે! અને જો એવું થાય તો બહુ મોટો ગૂંચવાડો ઊભો થઇ જાય, કારણકે સાઉદી અરેબિયા એટલે અમેરિકાનો ખાસમખાસ દેશ. ભારત સ્વબચાવ ખાતરે ય સાઉદીને આંગળી અડાડે તો સીધું અમેરિકા મેદાનમાં આવી જાય. એટલા માટે જ ભારતના કેટલાક તજજ્ઞો SMDAને બહુ ગંભીરતાથી લઇ રહ્યાં હતાં, પણ હાલનું વાસ્તવિક ચિત્ર સાવ ઊલટું જોવા મળ્યું. આ કરાર અત્યારે પાકિસ્તાન માટે ગળામાં ફસાયેલું હાડકું બની રહ્યો છે.

થયું એવું છે કે સુન્ની સમર્થક દેશ ગણાતા પાકિસ્તાનમાં શિયાઓની પણ ઠીકઠીક વસતિ છે એટલે શિયા દેશ ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે મિડલ-ઈસ્ટમાં વર્ચસ્વ સ્થાપવા માટે ચાલી આવતી લડાઈમાં પડવાનું એને પોસાય એમ નથી.

જોકે હાલના યુદ્ધમાં ઈરાને સાઉદી અરબને ય લપેટમાં લઇ લીધું. હવે પેલા કરારનું મૂલ્ય જાળવી રાખવું હોય તો પાકિસ્તાને ઈરાન સામે યુદ્ધમાં ઊતરવું પડે.પહેલેથી જ અફઘાનીઓ અનેબલૂચીઓ ના હાથે પીટાઈ રહેલું પાકિસ્તાન ઈરાન સામે લડવા જેટલી લશ્કરી કે આર્થિક તાકાત ધરાવતું નથી. અમેરિકા અને ઇઝરાયલનું પૂરૂં પીઠબળ હોવાને કારણે સાઉદીને પાક.ના સમર્થન ની લેશમાત્ર ગરજે ય નથી, પણ યુદ્ધ લાંબું ખેંચાશે તો આ મુદ્દો પાકિસ્તાની આકાઓ માટે સિરદર્દ બની રહેશે.

બીજી તરફ ભારત માટે ય આ કપરો કાળ છે. હકીકતે ઇઝરાયલ-અમેરિકા અને મિડલ-ઈસ્ટના દેશો સિવાયના બીજા એકેય દેશને આ યુદ્ધમાં ઊતરવાની ઈચ્છા નથી. યુરોપિયન દેશોથી માંડીને ભારત સુધીના દેશોને અત્યારે પોતાનું અર્થતંત્ર વેગવંતું બને એમાં જ રસ છે, પણ સમસ્યા એ છે કે તટસ્થ રહેવા માગતા તમામ દેશો કોઇક ને કોઈક કરારોથી બંધાયેલા છે એટલે યુદ્ધ લાંબું ચાલશે તો એક પછી એક બધા દેશોએ કરારની મર્યાદા જાળવવા માટે રણમેદાનમાં ઊતરવું પડશે. ટૂંકમાં ત્રીજા વિશ્વયુદ્ધનો સિનારિયો સર્જાઈ રહ્યો છે. 

આ બધામાં સૌથી મહત્ત્વનો કરાર એટલે North Atlantic Treaty Organization `નાટો' . બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને અમેરિકાના દેશોએ ભેગા થઈને સંગઠન બનાવ્યું અને એવો કરાર કરવામાં આવ્યો કે નાટોના કોઈ એક સભ્ય દેશ ઉપર હુમલો થાય તો એ સમગ્ર સંગઠન ઉપરનો હુમલો ગણાશે. હાલમાં નાટોમાં બ્રિટન, અમેરિકા સહિત યુરોપના 32 દેશો સામેલ છે. એ પૈકી બ્રિટને હાલ ચાલી રહેલી મિડલ-ઈસ્ટ વોરમાં મોડે મોડેથી ય અમેરિકા-ઇઝરાયલને સમર્થન જાહેર કર્યું છે. 

થોડાં વર્ષોથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ પાછળ આ નાટો સંગઠનની પણ ભૂમિકા છે. યુક્રેનને નાટોના સદસ્ય બનવું છે. જો એમ થાય તો ભવિષ્યમાં નાટો દેશો ભેગા થઈને કોઈને કોઈ બહાને રશિયાનો ઘડોલાડવો કરી નાખે! શરૂઆતમાં આ જ કારણ આગળ ધરીને રશિયાએ યુક્રેન પર આક્રમણ કરેલું.

ભારત માટે ય આ સપ્તાહે એક કરારે મુશ્કેલી ઊભી કરી. દક્ષિણ એશિયાના જળવિસ્તારોમાં ચીની ડ્રેગનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત અને અમેરિકા વચ્ચે 2016માં `લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ LEMOA' તરીકે ઓળખાતો કરાર થયો. આ કરાર મુજબ બંને દેશોની સેનાઓ જહાજોના રિફ્યુઅલિંગ, રિપેર, સપ્લાય અને સર્વિસ માટે એકબીજાના નેવલ બેઝ, બંદરો તેમજ હવાઈમથકોનો ઉપયોગ કરી શકે છે. 

એ મુજબ ભારતીય નૌકાઓ અમેરિકી બેઝ (જેમ કે ડીગો ગાર્શિયા) પર રિફ્યુઅલ કરી શકે છે, અને અમેરિકી નૌકાઓ ભારતીય બંદરોમાં (જેમ કે ચેન્નાઈ, મુંબઈ, અંદામાન) પરથી સેવાઓ મેળવી શકે છે. જો કે આ કરાર યુદ્ધ વિષયક ઓપરેશન્સ માટે નથી, પણ માત્ર લોજિસ્ટિક સપોર્ટ માટે છે. તેમ છતાં વીતેલા સપ્તાહ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેના આ કરારની બહુ ચર્ચા થઇ. 

કારણ હતું Iris Dena નામનું ઈરાની જહાજ. ભારતના નિમંત્રણને માન આપીને આ જહાજ ફેબ્રુઆરી મહિનામાં ઇન્ટરનેશન્લ ફ્લીટ રીવ્યુમાં (એક પ્રકારની બહુરાષ્ટ્રીય નેવલ એક્સરસાઈઝ) ભાગ લેવા માટે ભારતના વિશાખાપટ્ટનમ બંદરે આવેલું. એના પાછા ફરવાનો સમય થયો ત્યાં સુધીમાં નસીબજોગે યુએસ-ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યું!

હવે થયું એવું કે અમેરિકન સબમરીને ઠેઠ શ્રીલંકાના ગાલે બંદર નજીક આ ઈરાની જહાજને ટોરપીડો મારીને ઉડાવી દીધું! 80થી વધુ ક્રૂ મેમ્બર્સ મરાયા અને અનેક ઘાયલ થયા. એક રીતે જોવા જઈએ તો આ ભારતના મહેમાન ઉપર થયેલો હુમલો હતો, પણ હાલનાં આંતરરાષ્ટ્રીય સમીકરણો જોતા ભારત આ બાબતે બહુ શોર મચાવી શકે એમ નથી. આમ છતાં, અમેરિકાના એક ભૂતપૂર્વ અધિકારીએ એવો દાવો કરી નાખ્યો કે ઈરાની જહાજને ઉડાવતા પહેલા અમેરિકી સબમરીને ભારતીય નૌકા મથકનો લોજીસ્ટિક સપોર્ટ લીધેલો! 

આ મામલે તરત જ ખાસ્સી હો-હા થઇ ગઈ. ભારતના વિદેશ મંત્રાલયે તરત જ ટ્વીટ કરીને આખી વાતને સત્તાવાર રદિયો પણ આપી દીધો. જો આ મામલો વધુ ઉછાળવામાં આવત, તો યુએસ-ભારત વચ્ચેના LEMO એગ્રીમેન્ટને કારણે નવ વર્ષથી મનમાં ને મનમાં રોષે ભરાયેલું ચીન બરાબર દાવ લઇ લેત અને સાંપ્રત યુદ્ધમાં ભારતને સંડોવવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રો આકાર લેવા માંડત. જીઓપોલિટિક્સમાં આવા જ દાવપેચ વડે દુશ્મનને ચેક-મેટ કરાતો હોય છે.

ખેર, મોરલ ઓફ ધી સ્ટોરી- આ વાતનો પદાર્થ પાઠ એ છે કે બળિયાના બે ભાગ જેવા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વિવિધ પ્રકારના કરારો દ્વારા મિત્રરાષ્ટ્રોની ગેંગ બનાવ્યા સિવાય છૂટકો નથી. પણ આવા કરારો ક્યારેક ગળાનો ગાળિયો પણ બની શકે છે.