નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે. બંને દેશો વચ્ચે ક્રિકેટથી લઈ રાજકારણ સુધી તમામ દેશોની નજર હોય છે. આ દરમિયાન ઉત્તરી અરબી સમુદ્રમાં 15 સપ્ટેમ્બરની સાંજે ભારતીય નૌકાદળના એક યુદ્ધજહાજ અને પાકિસ્તાન નૌકાદળના એક જહાજ વચ્ચે ટક્કર થઈ હતી. ભારતે પાકિસ્તાની જહાજના અસુરક્ષિત અને બિન-વ્યવસાયિક દાવપેચ સામે વિરોધ નોંધાવ્યો હતો અને 1991ના ભારત-પાકિસ્તાન કરારની કલમ 10ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઘટનામાં સામેલ પાકિસ્તાની નૌકાદળનું યુદ્ધજહાજ PNS હુનૈન છે. આ જહાજ પાકિસ્તાન નેવીનું યારમૂક ક્લાસનું ઑફશોર પેટ્રોલ વેસલ છે.
The Pakistani Naval warship involved in the incident is PNS Hunain. The ship is an Offshore Patrol Vessel of the Yarmook class of the Pakistan Navy: Sources https://t.co/l0Jylf7xKj pic.twitter.com/XLiHA1phM1
— ANI (@ANI) September 16, 2026
વિદેશ મંત્રાલયે શું કહ્યું
ભારતના વિદેશ મંત્રાલય અનુસાર, 15 સપ્ટેમ્બર 2026ની સાંજે ઉત્તરી અરબી સમુદ્રમાં નિયમિત સર્વેલન્સ મિશન પર તૈનાત ભારતીય નૌકાદળના એક અગ્રણી યુદ્ધજહાજની ખૂબ નજીક પાકિસ્તાન નૌકાદળનું એક જહાજ ઝડપથી પહોંચ્યું હતું અને અત્યંત બિન-વ્યવસાયિક તથા અસુરક્ષિત રીતે તેની દિશામાં આગળ વધવા લાગ્યું હતું. આ દરમિયાન બંને જહાજો વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારી રાજદ્વારીને તેડું મોકલવામાં આવ્યું હતું. સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના યુનિટ્સ દ્વારા કરવામાં આવેલા અસ્વીકાર્ય અને બિન-વ્યવસાયિક આચરણ સામે તેમની સમક્ષ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
On the evening of 15 September 2026, a Pakistan Naval Ship came close to a frontline Indian Naval warship on a routine surveillance mission in the North Arabian Sea at high speed, manoeuvring in an unprofessional and unsafe manner. This led to a collision. No damage has been… pic.twitter.com/s5EsijJrzr
— ANI (@ANI) September 16, 2026
આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં બની ઘટના
આ ઘટના આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં બની હતી. જોકે, ટક્કરથી કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. ભારતે જણાવ્યું કે પાકિસ્તાની નૌકાદળના જહાજનું આ આચરણ એપ્રિલ 1991માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય કવાયતો, યુદ્ધાભ્યાસો અને સૈનિકોની અવરજવર અંગે પૂર્વ સૂચના આપવા સંબંધિત કરારની કલમ 10નું સીધું ઉલ્લંઘન છે.
પાકિસ્તાનને સૈન્ય યુનિટ્સ દ્વારા સાવચેતી રાખવાની સલાહ
ભારતે પાકિસ્તાનના પ્રભારી રાજદ્વારીને આ બાબત સંબંધિત પાકિસ્તાની સત્તાવાળાઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય તે માટે બંને દેશોના તમામ સૈન્ય યુનિટ્સ સમુદ્રમાં પૂરતી સાવચેતી રાખે અને બંને દેશો વચ્ચે લાગુ કરાયેલા સંબંધિત કરારોની જોગવાઈઓનું સન્માન કરે તેમ જણાવ્યું હતું.
ઇસ્લામાબાદમાં પણ નોંધાવાશે વિરોધ
ભારતના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય પ્રભારી રાજદ્વારીને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ આ જ મામલે સમાન વિરોધ નોંધાવવાનો નિર્દેશ આપ્યો છે.