Mon Oct 05 2026

Logo

શેરબજારની તેજી સાથે શરૂઆત! આ સેક્ટરમાં શેરોમાં જબરદસ્ત ઉછાળો

2026-02-19 09:42:00
Author: Savan Zalariya
શેરબજારની તેજી સાથે શરૂઆત! આ સેક્ટરમાં  શેરોમાં જબરદસ્ત ઉછાળો

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેર બજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 235 પોઈન્ટના વધારા સાથે 83,969 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 54 પોઈન્ટના વધારા સાથે 25,873 પર ખુલ્યો.

આજે શરૂઆતના કારોબારમાં આઇટી અને એનર્જી શેરોમાં તેજી જોવા મળી, જોકે કેટલાક ફાઈનાન્સ અને એવિએશન સેક્ટરના શેરોમાં પણ દબાણ જોવા મળ્યું. શરૂઆતના કારોબારમાં 1398 શેરોમાં વધારો નોંધાયો,  839 શેરમાં ઘટાડો નોંધાયો, જ્યારે 144 શેરના ભાવમાં કોઈ ઘટાડો-વધારો ન નોંધાયો. 

નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં HCL ટેક્નોલોજીસ, ONGC, ઇન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રાના શેરોમાં તેજી નોંધાઈ. બીજી તરફ ઇન્ટરગ્લોબ એવિએશન, HDFC લાઇફ, એપોલો હોસ્પિટલ્સ, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેંક જેવા શેરોમાં ઘટાડો નોંધાયો.

બુધવારે, ભારતીય શેરબજારો વધારા સાથે બંધ થયા હતાં, સેન્સેક્સ 283 પોઈન્ટના વધારા સાથે 83,734 પર અને નિફ્ટી 93 પોઈન્ટના વધારા સાથે 25,819 પર બંધ થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારો પર એક નજર:
ગુરુવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી. જાપાનના નિક્કી-225માં 0.52%, જ્યારે ટોપિક્સમાં 0.39%નો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાનો ઇન્ડેક્સ કોસ્પીમાં 2.76% વધીને નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જ્યારે કોસ્ડેકમાં 0.59%નો વધારો જોવા મળ્યો. હોંગકોંગ અને ચીનમાં બજારો લ્યુનાર ન્યુ યરની રજાઓ માટે બંધ છે.

બુધવારે યુ.એસ. શેરબજાર તેજી સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.26%ના વધારા સાથે 49,662.66 પર પહોંચ્યો, જ્યારે S&P 500 0.56% ના વધારા સાથે 6,881.31 પર બંધ થયો. નાસ્ડેક 0.78% ના વધારા સાથે 22,753.64 પર બંધ થયો.