Fri Apr 17 2026

Logo

શેરબજારમાં તેજી પર બ્રેક: સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ તૂટ્યો, આ શેરો દબાણ હેઠળ

2026-04-09 10:32:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાતને કારણે ગઈ કાલે બુધવારે ભારતીય શેર બજારમાં ભારે તેજી જોવા મળી હતી, આજે આ તેજી પર બ્રેક લાગી છે. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 243 પોઈન્ટ ઘટાડા સાથે 77,319 પર ખુલ્યો. જયારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 88 પોઈન્ટ ઘટાડા સાથે 23,909 પર ખુલ્યો.

ખુલ્યા બાદ સેન્સેક્સ 531.59 પોઈન્ટના ઘટાડા સાથે 77,031.31 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી  153.80 પોઈન્ટના ઘટાડા સાથે 23,843.55 પર પહોંચ્યો.  

આજે શેર બજારના શરૂઆતના કારોબારમાં NTPC, ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL), મેક્સ હેલ્થકેર, બજાજ ઓટો અને હિન્ડાલ્કો જેવી કંપનીઓના શેરમાં મોટો ઉછાળો નોંધાયો. જ્યારે બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, ઇન્ફોસિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો.  

શરૂઆતના કારોબારમાં લગભગ 1215 શેરમાં વધારો નોંધાયો, જ્યારે 1288 શેરમાં ઘટાડો નોંધાયો. જ્યારે, 174 શેર કોઈ પણ વધારા કે ઘટાડા સાથે વગર ખુલ્યા.

એશિયન બજારોમાં ઘટાડો:
આજે ગુરુવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં ઘટાડો નોંધાયો. જાપાનના ઇન્ડેક્સ નિક્કી-225માં 0.59% અને ટોપિક્સમાં 0.42%નો ઘટાડો નોંધાયો, દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.90% અને કોસ્ડેકમાં 0.74%નો ઘટાડો નોંધાયો. 

યુએસ શેર માર્કેટમાં તેજી:
યુદ્ધ વિરામને કારણે યુએસ શેર બજારોમાં બુધવારે મજબૂત તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1,326.33 પોઈન્ટ(2.85%)ના વધારા સાથે 47,910.79 પર બંધ થયો, જ્યારે S&P 500 165.98 પોઈન્ટ(2.51%)ના વધારા સાથે 6,782.83 પર બન્ધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 617.15 પોઈન્ટ(2.80%)ના વધારા સાથે 22,635.00 પર બંધ થયો.

બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા:
ઈરાન સામે હુમલા બંધ થતા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવાની આશાને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ $97 પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતાં, જ્યારે WTI પણ $97 ની આસપાસ પહોંચ્યું હતું.