Fri Apr 17 2026

Logo

શેરબજારમાં ફરી ઘટાડા તરફ: સેન્સેક્સ 890 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ

2026-03-27 10:05:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ગઈ કાલે રજા બાદ આજે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 389 પોઈન્ટના ઘટાડા સાથે 74,883 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ 132 પોઈન્ટના ઘટાડા સાથે 23,173 પર ખુલ્યો.

ઓપનીંગ બાદ પણ ભારતીય શેર બજારમાં ઘટાડો ચાલુ રહ્યો, 9.50 વાગ્યે સેન્સેક્સ 891.16 (1.18%)ના ઘટાડા સાથે 74,382.30 પર અને નિફ્ટી 263.70 (1.13%)ના ઘટાડા સાથે 23,042.75 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

આજે નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસીના શેરમાં સૌથી વધુ વધારો નોંધાયો,  જ્યારે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, એલ એન્ડ ટી અને ઇન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં  સૌથી વધુ ઘટાડો નોંધાયો.

શરૂઆતના કારોબારમાં IT  સેક્ટર સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતાં. ઓટો, PSU બેંકો, કેપિટલ ગુડ્સ, FMCG, રિયલ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 1-2% ઘટાડો નોંધાયો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો નોંધાયો.

વૈશ્વિક બજારો પર નજર:
ગઈ કાલે ગુરુવારે યુએસ શેર બજારોમાં ઘટાડા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 469 પોઇન્ટના ઘતાડા સાથે બંધ થયો, જ્યારે S&P 500 1.74%ના ઘટાડા સાથે બંધ થયો. Nasdaqમાં 2.38%નો ઘટાડો નોંધાયો.  ટેક સેક્ટરમાં ભારે દબાણ જોવા મળ્યું, જેમાં Nvidia, AMD, Meta અને Alphabetના શેર 3% થી 8% ઘટ્યા હતા.
આજે શુક્રવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં ઘટાડો નોંધાયો. જાપાનના ઇન્ડેક્સ નિક્કી 225માં 1.6%નો ઘટાડો નોંધાયો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 3.6%નો ઘટાડો નોંધાયો. 

ક્રૂડ ઓઇલના ભાવમાં આંશિક ઘટાડો:
ઈરાન અને યુએસ વચ્ચે વાટાઘાટોની શક્યતાને જોતા ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ $107 પ્રતિ બેરલ પર આવી ગયો હતો.  

રૂપિયો ઐતિહાસિક નીચા સ્તરે:
વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતા, ભારતીય શેરબજારમાંથી FII દ્વારા નાણાં પાછા ખેંચી લેવા અને ક્રૂડના ભાવમાં વધારાને કારણે ભારતીય રૂપિયો સતત નબળો પડતો જઈ રહ્યો છે. આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 94.29 ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો.