(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સે 98ની સપાટી કુદાવવાની સાથે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં કડાકા તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 86 પૈસા ગબડ્યા બાદ અંતે આગલા બંધ સામે 56 પૈસાના કડાકા સાથે 92.05ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, આજે રૂપિયામાં કડાકો બોલાઈ ગયો હોવા છતાં સ્થાનિકમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે કિલોદીઠ રૂ. 18,501 ઘટીને રૂ. 2,71,347 અને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 4903 ઘટીને રૂ. 1,61,897 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 4923 ઘટીને રૂ. 1,62,548ના મથાળે રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના 91.49ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 92.05ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.35 અને ઉપરમાં 91.95ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 56 પૈસા પટકાઈને 92.05ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત સોમવારે ડૉલર સામે રૂપિયો 41 પૈસા તૂટ્યો હતો, જ્યારે ગઈકાલે ધુળેટી નિમિત્તે બજાર સત્તાવાર ધોરણે બંધ રહી હતી.
એકંદરે મધ્ય પૂર્વના દેશોમાં પરિસ્થિતિ સતત વણસી રહી હોવાથી ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે વિશ્વભરમાં ફુગાવામાં વધારો થવાની ભીતિ સપાટી પર આવી હતી. વધુમાં ભારત ક્રૂડ તેલનો મુખ્ય આયાતકાર દેશ હોવાથી દેશની રાજકોષીય ખાધ વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા રૂપિયા પર વધુ દબાણ આવ્યું હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી ઍડ્વાઈઝર્સનાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ટ્રેઝરી હેડ અનિલકુમાર ભણસાળીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.23 ટકા વધીને 98.82 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.29 ટકા ઉછળીને બેરલદીઠ 82.46 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.