ડૉલર સામે રૂપિયો વધુ 16 પૈસા ગબડીને નવાં તળિયે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહેવાને કારણે સ્થાનિક સ્તરે ફુગાવામાં વધારો થવાની ભીતિ હેઠળ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સતત નવમા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં પીછેહઠ જળવાઈ રહેતાં વધુ 16 પૈસા ગબડીને 96.86નાં નવાં તળિયે બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોનાં જણાવ્યાનુસાર આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ અને અમેરિકી 30 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ આજે બે દાયકાની અને 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ પણ રૂપિયાને વધુ દબાણ હેઠળ રાખી રહ્યો છે.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.70ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 96.89ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 96.65 અને નીચામાં નવી 96.95ની સપાટી નોંધાવીને અંતે ગઈકાલના બંધ સામે 16 પૈસાના ઘટાડા સાથે 96.86ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 50 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો.
ક્રૂડતેલના ભાવમાં વધારો થવાને કારણે ફુગાવામાં વધારાની ચિંતા, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતાં રૂપિયા સહિતની અન્ય બજારો પણ દબાણ હેઠળ આવી રહી હોવાથી રૂપિયામાં ઓલ ફોલ ડાઉન જોવા મળી રહ્યું છે અને હાલના પરિબળોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 96.50થી 97.10 આસપાસની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.09 ટકા વધીને 99.42 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.77 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 109.95 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 117.54 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 41 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. જોકે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત ત્રણ સત્ર દરમિયાન લેવાલી જોવા મળ્યા બાદ ગઈકાલે તેઓની ઈક્વિટીમાં રૂ. 2457.49 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો મળતાં ગબડતાં રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.