નવી દિલ્હી : અમેરિકાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમેરિકાએ ટેરિફ પેટે વસૂલેલા 166 બિલિયન ડોલર પરત આપવાની શરૂઆત કરી છે. જેમાં ભારતે અંદાજે 10 થી 12 બિલીયન ડોલર પરત મેળવવાના છે. જોકે, ભારતીય નિકાસકારોએ નાણાં મેળવવા માટે જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
CAPEનામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યુ
આ અંગે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અહેવાલ મુજબ, આ ટેરિફ રિફંડનો દાવો કરવા અનેક પ્રકારની પ્રોસેસ કરવી પડશે. આ રિફંડ પ્રોસેસ માટે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શને 20 એપ્રિલના રોજ 'CAPE'નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યુ છે. 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફ - જે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ લાગુ કરવામાં આવ્યા હતા ગેરકાયદે જાહેર કર્યા હતા.
યુએસ ખરીદદારો સાથે વાટાઘાટો કરી તે મેળવી શકશે
આ ઉપરાંત નિયમો અનુસાર ફક્ત તે જ યુએસ કંપનીઓ કે જેમણે આયાત સમયે આ ડ્યુટી ચૂકવી હતી તેમને આ રિફંડનો કાનૂની હક છે. રિફંડમાં વ્યાજ પણ શામેલ હશે અને તે 60 થી 90 દિવસમાં મળી જશે. આનો અર્થ એ થાય છે કે ભારતીય નિકાસકારોને આ નાણાંનો સીધો દાવો કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. ભારતીય કંપનીઓને આ રિફંડનો લાભ ફક્ત ત્યારે જ મળશે જો તેઓ તેમના યુએસ ખરીદદારો સાથે વાટાઘાટો કરી તે મેળવી શકશે.
ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલ 2025ના રોજથી નવો ટેરિફ અમલી કર્યો હતો. જેમાં ભારતીય ઉત્પાદ પર ડ્યુટી 10 ટકા હતી. ત્યારબાદ, 7 ઓગસ્ટના રોજ તે વધીને 25 ટકા થઈ ગઈ અને 28 ઓગસ્ટ સુધીમાં તે 50 ટકાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં તે ઘટાડીને 18 ટકા કરવામાં આવી હતી. જોકે, થોડા અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટે સમગ્ર માળખાને રદ કરી દીધું હતું.