કોલકાતા: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર લાગેલા આક્ષેપો બાદ વિપક્ષ એક તરફ તેમના રાજીનામાંની માંગ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપના નેતાએ તેમણે 'પદ્મ ભૂષણ' આપવું જોઇએ તેવું નિવેદન કર્યું છે.જેના પગલે સમગ્ર વિવાદ વધુ ઘેરાયો છે.
કોંગ્રેસ પક્ષ પણ રાહુલ ગાંધીના નિવેદનોને ગંભીરતાથી લેતો નથી
આ અંગે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ માંગ કરી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 'પદ્મ ભૂષણ' એવોર્ડ આપવામાં આવે. શુક્રવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે ટિપ્પણી કરી હતી કે કોંગ્રેસ પક્ષ પણ રાહુલ ગાંધીના નિવેદનોને ગંભીરતાથી લેતો નથી.
ચૂંટણી દરમિયાન ડરાવવા-ધમકાવવાની કોઈ ઘટના બની નથી
તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વખાણ કરતા ભટ્ટાચાર્યએ કહ્યું, તેમને ઓછામાં ઓછું 'પદ્મ ભૂષણ' તો મળવું જ જોઈએ. પશ્ચિમ બંગાળની જનતા ખુશ છે કે લાંબા સમય બાદ ચૂંટણી દરમિયાન ડરાવવા-ધમકાવવાની કોઈ ઘટના બની નથી. જેમાં લોકોને નિર્ભયપણે મતદાન કરવાની તક મળી અને હત્યા જેવી હિંસક ઘટનાઓ પણ નથી બની.
જનતાએ જ્ઞાનેશ કુમારના કાર્યને સંપૂર્ણ સમર્થન આપ્યું
પશ્ચિમ બંગાળમાં નિર્ભયપણે ચૂંટણી આયોજનના વખાણ કરતાં સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે રાજ્યની મતદાર યાદીમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામ દૂર કરવાની તેમણે પહેલ કરી હતી. રાજ્યની સામાન્ય જનતાએ જ્ઞાનેશ કુમારના કાર્યને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને તેઓ ચોક્કસપણે પદ્મ પુરસ્કાર મેળવવાને પાત્ર છે.