નવી દિલ્હીઃ SIRમાં થયેલી છેડછાડને લઈ બુધવારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDI ગઠબંધનની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી તથા તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષના નેતાઓ જોડાયા હતા. હવે આ બેઠકને લઈ કેન્દ્રીયમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિપક્ષ પર શાબ્દિક વાર કર્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે INDI ગઠબંધનની બેઠક યોજાઈ હતી, પણ બેઠક પહેલા જ ગઠબંધન વિખેરાઈ ગયું હતું. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવી રહી છે. ક્યાં છે અખિલેશ યાદવ, ક્યાં છે સ્ટાલિન, ક્યાં છે અરવિંદ કેજરીવાલ? ઉદ્ધવ ઠાકરે વર્ચ્યુઅલી જોડાયા અને હેમંત સોરેનનો તો કોઈ અત્તોપત્તો જ નથી.
તૂટેલા દિલના ટુકડા હજાર
પોતાના શાયરાના અંદાજમાં મંત્રીએ કહ્યું હતું કે, INDI ગઠબંધનની હાલત એવી થઈ ગઈ છે કે, એક જ દિલના ટુકડા હજાર, કેટલાક અહીંયા વેરાયા તો કેટલાક ત્યાં. બેઠકનું પરિણામ શું આવ્યું? ઝીરો વિઝન, સો ટકા હતાશા, ચૂંટણી પહેલા જ હારનું બહાનું અને પરિવાર બચાવો અભિયાન ચાલે છે.
લોકશાહી બચાવોના નામ પર તેઓ પોતાના રોટલા શેકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પહેલા રાહુલ ગાંધી TMCની હારના કારણ બતાવી ચૂક્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મમતા બેનર્જીની ભૂલને કારણે આ બધુ થયું. એમની ભૂલને કારણે ભાજપ જીત તરફ આગળ વધી હતી. એ સમયે SIR ન બોલ્યા. દેશમાં અરાજકતા ફેલાવવા માટે એક કાવતરૂ ઘડાઈ રહ્યું છે. પણ પ્રજા પર્ફોમન્સના આધારે મત આપે છે. એક પછી એક ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી દેશવાસીઓ વિચારતા હશે કે, તેઓ પોતાની ભૂલ પર પ્રજાની માફી માગશે.
ચૂંટણી પહેલા આક્ષેપબાજી
આત્મચિંતન કરશે પણ કોંગ્રેસે નક્કી કરી લીધુ છે કે, અમે સુધરીશું નહીં. કોંગ્રેસ સતત અને સખત. મલ્લિકાર્જુન ખડગે હોય કે રાહુલ ગાંધી, પોતાની ભૂલ પર માફી માગવાના બદલે તેઓ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જુઠું બોલી રહ્યા છે. મનફાવે એવા આરોપ સિસ્ટમ પર લગાવી રહ્યા છે.
INDI ગઠબંધનમાં રાહુલ ગાંધીને કોઈ નેતા માનવા માટે પણ તૈયાર નથી. પણ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલજી કહે છે કે, મારા પર ભરોસો કરો. એમના જ પક્ષ કોંગ્રેસને રાહુલ ગાંધી પર કોઈ ભરોસો નથી. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, ચૂંટણીના દ્રષ્ટિકોણથી આ નિવેદનને મહત્ત્વનું માનવામાં આવે છે. INDI ગઠબંધનની શરૂઆત 2023માં વિવિધ વિપક્ષી પક્ષોને એક મંચ પર લાવવાના પ્રયાસ તરીકે થઈ હતી