Thu Oct 08 2026

Logo

સીઇસી મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં ઇન્ડી ગઠબંધને રાજઘાટ પર ઘરણાં યોજ્યા, શુક્રવારે ફરી વિરોધ પ્રદર્શનની શકયતા

2026-10-08 20:11:45
Author: Chandrakant Kanoja
સીઇસી મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં ઇન્ડી ગઠબંધને રાજઘાટ પર ઘરણાં યોજ્યા, શુક્રવારે ફરી વિરોધ પ્રદર્શનની શકયતા

નવી દિલ્હી: નવી દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સીઇસી જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ સાથે કોંગ્રેસના નેતૃત્વના ઇન્ડી ગઠબંધન સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જેમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ રાજઘાટ પર ઘરણાં યોજ્યા હતા. તેમજ શુક્રવારે ફરી એક વાર કૂચ  યોજાય તેવી શક્યતા છે. 

મમતા બેનર્જી પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે 

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં મમતા બેનર્જી પણ સામેલ થવાના છે.  ટીએમસી  સાંસદ અભિષેક બેનર્જીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે મમતા બેનર્જી હાલમાં દિલ્હીમાં છે અને શુક્રવારે વિરોધ પ્રદર્શનમાં જોડાશે. તેમણે ઉમેર્યું હતું કે  ઇન્ડી ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ પણ આ કૂચમાં ભાગ લેશે.

વિપક્ષની એકતાની દ્રષ્ટિએ શુક્રવારનું વિરોધ પ્રદર્શન મહત્વપૂર્ણ

રાજઘાટ પર ઘરણાં બાદ  સૌની નજર શુક્રવારના કાર્યક્રમ પર છે. ઇન્ડી ગઠબંધનના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ આ કૂચમાં જોડાય તેવી શક્યતા છે. જેના પગલે  વિપક્ષની એકતાની દ્રષ્ટિએ શુક્રવારનું વિરોધ પ્રદર્શન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, વિરોધ પ્રદર્શનના અંતિમ કાર્યક્રમ, રૂટ અને સ્થળ અંગેની સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં નથી આવી. 

મલ્લિકાર્જુન ખડગેએ  વિપક્ષી સાંસદો સાથે બેઠક યોજી 

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કનોટ પ્લેસની એક રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદો અને મુખ્ય નેતાઓ માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં છેલ્લા બે દિવસમાં આ પ્રકારની આ બીજી બેઠક હતી. કોંગ્રેસના સભ્યો ઉપરાંત અન્ય વિવિધ પક્ષોના સાંસદો પણ તેમા  સામેલ થયા હતા. જેમાં તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી, સાકેત ગોખલે અને સમિરુલ ઇસ્લામ. સમાજવાદી પાર્ટીના રાજીવ રાય અને મોહિબુલ્લાહ,CPI(M)ના જ્હોન બ્રિટાસ, CPIના પી. સંતોષ અને RJDના સુધાકર સિંહનો સમાવેશ થાય છે.