Thu Oct 08 2026

Logo

ઘાટકોપરમાં રસ્તો પહોળો કરવા આડે આવતાં 28 બાંધકામ જમીનદોસ્ત

2026-10-08 20:16:42
Author: Yogesh C. Patel
ઘાટકોપરમાં રસ્તો પહોળો કરવા આડે આવતાં 28 બાંધકામ જમીનદોસ્ત

શિવડીમાં પણ ફૂટપાથ પરની ગેરકાયદે દુકાનો અને કામચલાઉ શેડ તોડી પડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ઘાટકોપર પશ્ર્ચિમમાં રસ્તો પહોળો કરવા આડે આવતાં બાંધકામો જમીનદોસ્ત કરાયાં હતાં તો શિવડીમાં ફૂટપાથ પર અડ્ડો જમાવનારા ફેરિયાઓને ખસેડવા સાથે ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી હતી.

મહાપાલિકા દ્વારા મળતી માહિતી અનુસાર ઘાટકોપરમાં બુધવારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘાટકોપરમાં ઝુનઝુનવાલા કૉલેજથી અંધેરી-ઘાટકોપર માર્ગને જોડતા રસ્તાને પહોળો કરવાનું કામ હાથ ધરાયું છે.

આ માર્ગને પહોળો કરવા આડે આવતાં બાંધકામો દૂર કરવાની કામગીરી પાલિકાના એન વૉર્ડ દ્વારા કરાઈ હતી. આ માટે પાલિકાના કર્મચારીઓ જેસીબી મશીન સાથે પહોંચી ગયા હતા. વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનર જયદીપ મોરેના વડપણ હેઠળ 28 બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. 

દરમિયાન પાલિકાના એફ દક્ષિણ વૉર્ડ દ્વારા પેડેસ્ટ્રિયન ફર્સ્ટ ઝુંબેશ હેઠળ ફૂટપાથ ફેરિયા અને અનધિકૃત બાંધકામ મુક્ત કરવા ગુરુવારે કાર્યવાહી કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર (ઝોન-2) પ્રશાંત સપકાળેના માર્ગદર્શન હેઠળ શિવડીમાં ડી. જી. મહાજની અને જેરબાઈ વાડિયા માર્ગ પરની ફૂટપાથ પરનાં ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યાં હતાં.

અધિકારીના જણાવ્યા અનુસાર સાત ગેરકાયદે દુકાનો અને 15 કામચલાઉ શેડ જમીનદોસ્ત કરાઈ હતી. એ સિવાય ચાર જગ્યાએ નધણિયાતી હાલતમાં સામાન મૂકવામાં આવ્યો હતો તેને દૂર કરાયો હતો. વળી, 20 ફેરિયાઓને ખસેડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસ સુરક્ષા પણ લેવામાં આવી હતી.