Mon Oct 05 2026

Logo

આઈઆઈટી બૉમ્બેના સ્ટુડન્ટની આત્મહત્યા: પ્રોફેસરને સમન્સ મોકલાવવાની શક્યતા

2026-09-20 19:22:14
Author: Yogesh C. Patel
આઈઆઈટી બૉમ્બેના સ્ટુડન્ટની આત્મહત્યા: પ્રોફેસરને સમન્સ મોકલાવવાની શક્યતા

મુંબઈ: પવઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (આઈઆઈટી) બૉમ્બેના વિદ્યાર્થીએ પરીક્ષામાં મોબાઈલનો ઉપયોગ કરતા પકડાયા બાદ આત્મહત્યા કરી લીધાની ઘટનાની તપાસ કરનારી ક્રાઈમ બ્રાન્ચ પ્રોફેસર અને અન્યોને પૂછપરછ માટે સમન્સ મોકલાવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસની તપાસમાં આરોપી તરીકે પ્રોફેસરનું નામ સામે આવ્યું હતું. પરિણામે પ્રોફેસર અને અન્યોને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવે એવી શક્યતા વરિષ્ઠ અધિકારીએ વ્યક્ત કરી હતી.

આઈઆઈટી બૉમ્બેના પવઈના કૅમ્પસમાં આવેલી હોસ્ટેલ નંબર-4ની પોતાની રૂમમાં શુક્રવારની સાંજે સાહિલ રવીન્દ્ર વાકોડે (22) સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. યવતમાળ જિલ્લાનો રહેવાસી સાહિલ એનર્જી સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં બીજા વર્ષનો બીટૅક સ્ટુડન્ટ હતો.

કહેવાય છે કે ઘટનાના કલાકો પહેલાં જ સાહિલ પરીક્ષામાં મોબાઈલ ફોન અને ચૅટજીપીટીનો ઉપયોગ કરતાં કથિત રીતે પકડાયો હતો. વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં પવઈ પોલીસે વિદ્યાર્થીના પરિવારની ફરિયાદને આધારે શનિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) અને એસસીએસટી ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે વાકોડેને આઈઆઈટીમાં ત્રાસ આપવામાં આવતો હતો અને તેની સાથે જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવતો હતો. આ મામલે સ્ટુડન્ટ્સે કૅમ્પસમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ભારે હોબાળા પછી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. (પીટીઆઈ)