મુંબઈ: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (આઈઆઈટી) બૉમ્બેના સ્ટુડન્ટ સાહિલ વાકોડેની કથિત આત્મહત્યા પ્રકરણની તપાસ કરનારી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેનાં માતા-પિતા અને સાથી વિદ્યાર્થીઓ સહિત 40 જેટલા લોકોનાં નિવેદન નોંધ્યાં હતાં.
મધ્ય-સત્રની પરીક્ષામાં 18 સપ્ટેમ્બરે ચૅટજીપીટી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાયાના ગણતરીના કલાકોમાં જ સાહિલ વાકોડેનો મૃતદેહ હોસ્ટેલમાંની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેનાં માતા-પિતા દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ પર બેઠાં હતાં. ક્રાઈમ બ્રાન્ચે તેમનાં નિવેદન નોંધ્યાં હતાં.
માતા-પિતા ઉપરાંત વાકોડેના સાથી વિદ્યાર્થીઓ, આઈઆઈટી હોસ્ટેલ સ્ટાફ અને અન્યોનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. જોકે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો જેમની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે તે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાનું નિવેદન હજુ નોંધવામાં આવ્યું નથી, એવું અધિકારીએ જણાવ્યું હતું.
તપાસ કરનારી ટીમે વાકોડેના બે મોબાઈલ ફોન, એક લૅપટોપ અને એક ટેબ્લેટ ડિકોડ અને અનલૉક કરવા કલિનાની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલ્યા છે. આમાંથી મહત્ત્વના પુરાવા મળવાની અપેક્ષા પોલીસને છે, જે બીટેકના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલને આત્મહત્યા તરફ દોરી જનારો ઘટનાક્રમ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
આ મામલે પવઈ પોલીસે સાહિલના પિતાની ફરિયાદને આધારે પ્રોફેસર દુલ્લા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સાહિલના પિતાએ પોલીસ નિવેદનમાં આક્ષેપ કર્યો હતો કે છેલ્લી મીટિંગમાં પુત્રએ દાવો કર્યો હતો કે પ્રોફેસર દુલ્લા છેલ્લા ત્રણ મહિનાથી જાતિ પરથી અપમાનિત કરતા હતા. આઈઆઈટીના ડિરેક્ટર શિરીષ કેદારેને ઇશારે તે આવું કરતા હતા અને ખોટા કેસમાં ફસાવવાનો ડર બતાવતા હતા.
(પીટીઆઈ)